Business

અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધારાઓથી આખી દુનિયામાં ઉઠાપટક

ફેડ દ્વારા કરાયેલ વ્યાજના દરનો ૭૫ બેસીસ પોઇન્ટનો વધારો અપેક્ષા પ્રમાણેનો છે. (૧૦૦ બેસીસ પોઇન્ટના વધારાની પણ સંભાવના હતી.) તો પણ આ વધારાને પગલે વિશ્વના મોટા ભાગના દેશો (ભારત સહિત) મા આ વધારાથી સોપો પડી ગયો છે. સંખ્યાબંધ દેશોની સેન્ટ્રલ બેંકોએ ફેડના વધારાના ૨૪ કલાકમાં વ્યાજના દર વધારી દીધા છે. ડોલર મજબૂત થયો છે અને અનેક દેશોના ચલણો નબળા પડયા છે. રૂપિયાએ નવી નીચી ઐતિહાસિક સપાટી સર કરી છે. સ્લો ડાઉન અને વૈશ્વિક મંદિનો હાઉ વધતો જાય છે. જાપાનની સેન્ટ્રલ બેંકે ૧૯૯૮ પછી પ્રથમવાર માર્કેટમાં દરમ્યાનગીરી કરી યેનની બાહ્ય કિંમતના ઘટાડાને અટકાવવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લા બે વરસથી અને ખાસ કરીને મહામારીના સમયમાં હળવી મોનેટરી પોલિસીને કારણે અને માંગ વધારવા માટે રિઝર્વ બેંકે લીધેલ પગલાથી બેકીંગ સિસ્ટમમાં લિકિવડીટી (રોકડ નાણા)ની સરપ્લસ હતી તે હવે ડેફિસીટમાં  ફેરવાઇ ગઇ છે. સરકારી અંદાજ પ્રમાણે આપણા ખરીફ અનાજના ઉત્પાદનમાં ચાલુ વરસે ચાર ટકા (ચોખાના પાકમાં છ ટકા)નો ઘટાડો થઇ શકે. જેની વિપરિત અસર આપણા ભાવવધારા પર થઇ શકે. સરકારે ચોખાની અમુક વેરાયટી પરની નિકાસ પર પ્રતિબંધ મૂકયો. કેટલાય સમયથી ઠંડા પડેલા રશિયા-યુક્રેન સંઘર્ષ આવનાર દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી ધમકી રશિયાએ ઉચ્ચારી છે. યુક્રેન પરના પરમાણુ હુમલાની પણ ચેતવણી આપી છે અને તેના ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને સાવધાન થઇ જવાનો આદેશ પણ અપાયો છે.

ફેડની જાહેરાતે વિશ્વના સંખ્યાબંધ દેશો દોડતા કેમ થઇ ગયા? ફેડરલ રિઝર્વે આ વરસે ત્રીજીવાર વ્યાજના દરમાં ૭૫ બેસીસ પોઇન્ટનો વધારો કર્યાના ગણતરીના કલાકોમાં બ્રિટન, સ્વીત્ઝરલેન્ડ, નોર્વે, સ્વીડન, દ. આફ્રિકા, ઇન્ડોનેશિઆ ફિલીપાઇન્સ, તાઇવાન  (૧૨.૫ બેસીસ પોઇન્ટ) અને વિયેતનામે તેમના વ્યાજના દરોમાં ૫૦ થી ૭૫ બેસીસ પોઇન્ટનો વધારો કર્યો. ૮૦ ટકાના ભાવવધારાથી ગ્રસ્ત હોવા છતા ટર્કીએ તેના વ્યાજના દરમાં એક ટકાનો ઘટાડો કર્યો.

બે વરસની મહામારીને અંતે મોટા ભાગના દેશોમાં માંગમાં અણધાર્યો વધારો થયો. માંગના આ વધારા સામે ચીઝવસ્તુઓના પૂરવઠામાં જોઇતા પ્રમાણમાં વધારો ન થયો (ખાસ કરીને કોરોનાએ ફરીવાર માથુ ઉંચકતા ચીનના લોકડાઉનને લીધે જોવા મળેલ સ્લોડાઉનને કારણે) અને ચીજવસ્તુઓના ખા કરીને ઉર્જા (ગેસ અને વીજળી)ના ભાવો રશિયા-યુક્રેન સંઘર્ષને પરિણામે વધતા રહ્યા. પૂરવઠા અને માંગના વધારા મેચ ન થતા વિશ્વના અનેક દેશો ભાવવધારાથી પીડાઇ રહ્યા છે. તેની સામે બાથ ભીડવા વ્યાજના દરના વધારાનું શસ્ત્ર વીંઝાઇ રહ્યું છે.

અમેરિકામાં ફુગાવાના બે ટકાના લક્ષયાંક સામે હાલનો ભાવવધારો આઠ ટકાનો છે. ૭૫ બેસીસ પોઇન્ટના વધારા સાથે વ્યાજના દર ૩-૩.૨૫ ટકાની રેન્જમાં છે. જયાં સુધી બે ટકાના ભાવવધારાનું લક્ષયાંક હાંસલ કરવાનો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી વ્યાજના દર વધારતા ફેડરલ રિઝર્વ અટકશે નહીં. ફેડના અંદાજ પ્રમાણે ૨૦૨૨ ના અંત સુધીમાં વ્યાજના દર ૪.૪ ટકા જેટલા અને ૨૦૨૩ માં તે વધીને ૪.૬ ટકા જેટલા થવાની સંભાવના છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલના આ નિવેદને સમગ્ર વિશ્વને દોડતું કરી દીધું છે. ભાવ વધારાના ડેવિલને કચરી નાખવા માટેના ફેડના મકકમ (ડુ ઓર ડાઇ) અભિગમ મુજબ તો અમેરિકાને મંદીની પણ પરવા નથી.

ફેડનો આ જ અભિગમ હોય તો ડોલર મજબૂત બને અને ડોલરની એસેટના રોકાણો પર પણ વ્યાજ મળતું થાય એટલે બધા દેશોમાંથી સ્ટોક માર્કેટનું રોકાણ (ડોલરનો આઉટફલો) બહાર ખેંચાવા માંડે અને જે તે દેશનું ચલણ (કરન્સી) નબળું પડે. પરિણામે આયાતો મોંઘી થાય અને ભાવવધારો ઉગ્ર બને. કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ વધે. આમ અનેક પ્રશ્નો ઊભા થાય. આ બધી સમસ્યાઓથી બચવા માટે અમેરિકામા વ્યાજના દર વધે એટલે અન્ય દેશો નિ:સહાય બની જાય. તેમની પાસે વ્યાજના દર વધારવા સિવાય અન્ય વિકલ્પો ખાસ બચતા નથી. રિઝર્વ બેંક પણ રેપો રેટ ૩૫ થી ૫૦ બેસીસ પોઇન્ટ વધારશે

ચાલુ અઠવાડિયે (સપ્ટેમ્બર ૩૦) જાહેર કરાનાર મોનેટરી પોલિસીમાં રિઝર્વ બેંકે પણ વ્યાજના દરમાં વધારો તો કરવો જ પડશે એ લગભગ નિશ્ચિત મનાય છે. એ વધારો ૩૫ થી ૫૦ બેસીસ પોઇન્ટનો હોઇ શકે. આ માટેના કારણો કયા? ૧. ફેડના વ્યાજના દરના વધારાને પગલે રૂપિયો ડોલર સામે તેની ઐતિહાસિક નીચી સપટીએ ઉતર્યો છે. (૮૦.૮૭) કિંમતમાં આ સાથે ચાલુ વરસે રૂપિયાની સાત ટકાનો ઘટાડો થયો છે. ૨. ઓગષ્ટ મહિને થયેલ છૂટક ભાવવધારો (૭ ટકા) સતત આઠમે મહિને બેંકની ઉપરની ટોલરન્સ લીમીટ (છ ટકા) થી ઉંચો છે. ૩. ફેડ દ્વારા વ્યાજના દર વધારવાથી આપણા અને અમેરિકાના વ્યાજના દર વચ્ચેનો તફાવત જાળવી રાખવા માટે. ૪. વધેલા જીઓ – પોલીટીકલ તણાવ (રશિયાની ધમકી)ને લીધે પણ.

મૂડી રોકાણકારો તેમના રોકાણનથી સહી સલામતી માટે ડોલરમાં ફેરવવાનું વિચારે. વ્યાજના દર વધારવા ઉપરાંત રૂપિયાની ડોલર સામેની કિંમત જાળવી રાખવા માટે રિઝર્વ બેંક તેના વિદેશી હૂંડિયામણના રિઝર્વમાંથી સમયાંતરે ડોલર બજારમાં વેચતી રહે છે. છેલ્લા મહિનામા રિઝર્વ બેંકે આ રીતે બિલ્યન ડોલર વેચ્યા છે. આને લીધે આપણા વિદેશી હૂંડિયામણમાં આપણી કરન્ટ એકાઉન્ટ ડોફસિટ પણ આ વરસે વધી છે. આ અને આવા અનેક કારણોને લીધે દેશના વિદેશી હૂંડિયામણમાં ટોચના લેવલેથી ૯૨ બિલ્યન ડોલરનો ઘટાડો થયો છે. આ કારણે રૂપિયાની કિંમત જાળવી રાખવા માટે વિદેશી હૂંડિયામણ પર મદાર રાખવાનું આપણને હવે વધુ સમય પરવડે નહીં.

ડોલર બજારમાં વેચે એટલે તેટલા રૂપિયાનો જથ્થો બેકીંગ સિસ્ટમમાંથી ઓછો થાય. જેને પરિણામે લિકિવડીટી ઘટે. છેલ્લા ત્રણ વરસમાં (મે ૨૦૧૯ પછી) પ્રથમવાર લિકિવડીટી સરપ્લસને બદલે ડેફિસીટમાં (જરૂર કરતા ઓછી) ફેરવાઇ ગઇ. લિકિવડીટીની ખેંચને કારણે કોલ મની રેટ (૫.૮૫ ટકા) રેપો રેટ (૫.૪૦ ટકા) કરતા ઉંચો ગયો (સપ્ટેમ્બર ૨૧). પરિણામે રિઝર્વ બેંકે લગભગ ૨૨૯૦૦ કરોડ રૂપિયા સિસ્ટમમાં ઉમેરવા પડયા.

મંદીના ભોગે પણ ભાવવધારો રોકવાના ફેડના આક્રમક વલણથી ભારતમાંથી વિદેશી મૂડીનો આઉટફલો શરૂ જુલાઇ મહિને શરૂ થયેલ વિદેશી પોર્ટફોલિઓ મૂડીનો ઇન્ફલો ઓગષ્ટ મહિને ચાલુ રહયો. સપ્ટેમ્બરની ૧૬ તારીખ સુધી પણ ૧૨,૦૮૧ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ (૧.૫ બિલ્યન ડોલર) આવ્યું. ફેડ અધ્યક્ષના વ્યાજના દર સતત વધતા રહેવાના સંકેતોએ ગયે અઠવાડિયે (સપ્ટે. ૨૩ સુધી) આ મૂડીનો આઉટફલો શરૂ થઇ ગયો (રૂપિયા ૬,૭૦૦ કરોડ). અમેરિકાના ૧૦ વરસના બોંડ પરનું વળતર ૩.૭ ટકાથી પણ વધુ છે અને ડોલર છેલ્લા બે દાયકાની સૌથી ઉંચી સપાટીએ છે (ડોલર ઇન્ડેકસ ૧૧૧).

આ સંજોગોમાં વિદેશી પોર્ટ ફોલિઓ મૂડી રોકાણ નિયમિતરૂપે સ્ટોક માર્કેટમાં થશે નહીં. રશિયા-યુક્રેનનો વધતો જતો સંઘર્ષ બળતામાં ઘી હોમવાનું કામ કરશે. નેશનલ લોજીસ્ટીકસ પોલિસી: સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારશે; કિંમતો ઘટાડશે ૨૦૨૦ ના અંદાજપત્રમાં નાણાપ્રધાને રાષ્ટ્રીય લોજીસ્ટીકસ નીતિ ઘડવાના વહેતા કરેલ વિચારનો હવે અમલ કરાયો છે. વડાપ્રધાન દ્વારા નવી રાષ્ટ્રીય લોજીસ્ટીકસ પોલિસી જાહેર કરાઇ છે. આ પોલિસીના અમલથી દેશના ચાવીરૂપ માર્કેટોમાં મલ્ટી-મોડેલ (એક કરતા વધુ પરિવહનના સાધનો જેમા સંકળાયેલા હોય) લોજીસ્ટીક પાર્ક ઊભા થશે તેમજ સપ્લાય ચેઇનના પ્રથમ અને છેલ્લા માઇલની જોડાણની પ્રક્રિયા (ગતિ) ઝડપી બનશે.

પરિણામે આ ક્ષેત્રની કાર્યક્ષમતા વધશે, કિંમતો ઘટશે અને હરિફશકિત વધશે. હાલમાં વિશ્વમાં લોજીસ્ટીકસ કોસ્ટ જીડીપીના આઠ ટકા સામે આપણી લોજીસ્ટીકસ કોસ્ટ જીડીપીના ૧૩ ટકા છે. તેમાં ઘટાડો થઇને તે આઠ ટકા જેટલી થતા આપણી હરિફશકિત અને નિકાસો વધશે. એગ્રો પ્રોડકટસ ઉત્પાદનના ૧૬ ટકા પ્રોસેસિંગની અપૂરતી સગવડોના અભાવે નષ્ટ થાય છે નવી પોલિસી વડાપ્રધાનના ગતિશકિત માસ્ટર પ્લાનને વેગ આપશે. હાલમાં ચીજવસ્તુઓના પરિવહનમાં જમીન દ્વારા થતા પરિવહનો હિસ્સો ૬૦ ટકા અને જળ મારફત થતા પરિવહનનો હિસ્સો ૪૦ ટકા છે. નવી પોલિસીમાં ચીજવસ્તુઓના પરિવહનમાં રેલ્વેનો હિસ્સો હાલના ૨૮ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષયાંક છે અને જળ મારફત થતા પરિવહનનો હિસ્સો ૨૦ ટકા કરવાની યોજના છે.

રસ્તાઓ (મુખ્યત્વે ટ્રકો) નો હિસ્સો પરિવહનમાં ઘટે એટલે પ્રદુષણ પણ ઓછું થાય. જે આપણી આજની મોટી જરૂરિયાત છે. એટલે જ ભારત ઇલેકટ્રીક વાહનો (ઇવી)ની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે પરિવહનની પૂરતી અને કાર્યક્ષમ યોજનાઓને અભાવે આપણા ખેત ઉત્પાદનનો ૧૬ ટકા હિસ્સો પ્રોસેસિંગ થઇ શકતો નથી અને તે કોઇના ઉપયોગમાં આવ્યા સિવાય નષ્ટ થાય છે. ભારતે વિકસિત દેશ બનવા સાથે મેન્યુફેકચરિંગ હબ બનવાનું સ્વપ્ન પુરુ કરવું પડશે તો પાણી સહિતની બધી કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં ઝડપથી આગળ વધવું પડશે.

Most Popular

To Top