Comments

વાઘ આવ્યો રે વાઘ! ખરેખર!

સમાચાર પહેલી દૃષ્ટિએ આનંદ પમાડે એવા છે. વર્ષ ૨૦૨૨માં કરાયેલી વાઘની વસતિ ગણતરીનો અહેવાલ પ્રકાશિત થયો છે અને તેમાં વાઘની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે. વિનાશ પામી રહેલા વાઘના સંવર્ધન માટે ૧૯૭૩માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન ‘પ્રોજેક્ટ ટાઈગર’નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રકલ્પની પચાસમી જયંતીએ આટલા સારા સમાચાર સૂચવે છે કે પ્રકલ્પ પોતાનો હેતુ સિદ્ધ કરવામાં ઘણે અંશે સફળ રહ્યો છે. છેલ્લે ૨૦૧૮માં આપણા દેશમાં વાઘની કુલ સંખ્યા ૨૯૬૭ હતી, જે ચાર વર્ષમાં વધીને ૩૧૬૭ સુધી પહોંચી છે. એટલે કે આ ચાર વર્ષમાં બસો વાઘનો વધારો થયો છે. સમગ્ર વિશ્વની વસતિ પૈકીના પંચોતેર ટકા વાઘ હવે ભારતમાં છે. આ અગાઉ ૨૦૦૬માં વાઘની વસતિ સૌથી ઓછી, ચૌદસો થઈ ગઈ હતી. એકાદ વર્ષ અગાઉ એવી ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી કે રાજસ્થાનના સારિસ્કા અભયારણ્યમાં વાઘ બિલકુલ રહ્યા નથી.

વાઘ એ બિલાડી કુળનું પ્રાણી છે, જેને જાણકારો ‘કેટ’તરીકે સંબોધે છે. વિશાળકાય બિલાડીઓ સાત જાતની છે, જેમાં વાઘ, લેપર્ડ, જેગુઆર, સિંહ, સ્નો લેપર્ડ, ચિત્તો અને પ્યુમાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ટરનેશનલ બીગ કેટ્સ એલાયન્સ‘નો આરંભ કરવાની ઘોષણા પણ કરી છે, જે આ સાતે મોટી બિલાડીઓની પ્રજાતિના સંવર્ધન માટેની બહુરાષ્ટ્રિય યોજના હશે. આ જાણીને ખુશી કેમ ન થાય?

આમ છતાં, કેટલાક મુદ્દા એવા છે કે જે વિશેષ ધ્યાન માગી લે છે. કેવળ વસતિવધારાથી ખુશ થઈ જવાને બદલે આ મુદ્દા પર વિચાર કરવા જેવો છે. છેલ્લામાં છેલ્લી વસતિ ગણતરી અનુસાર ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં વાઘની સંખ્યામાં ઘટાડો થયો છે. એ જ રીતે, જૈવવિવિધતા માટે જાણીતા પડ્ઢિમ ઘાટના વિસ્તારમાં પણ વાઘની સંખ્યા ઘટી છે. મહદંશે શિવાલીકની ગિરિમાળા અને ગંગાના મેદાની પ્રદેશમાં વાઘની સંખ્યા વધી છે. કોઈ પણ પ્રાણીના સંવર્ધન માટેના પ્રકલ્પમાં કેવળ તેની સંખ્યામાં થતા વધારા જેટલું જ મહત્ત્વ તેના વિભાજન અને વિસ્તારનું છે. એ રીતે જોતાં પચાસ વર્ષ પહેલાં વાઘની સંખ્યાનો નકશો વર્તમાનની સરખામણીએ સાવ જુદો હતો.

હાલના આંકડા અને તેના વિભાજન અનુસાર પૂર્વ, મધ્ય અને ઈશાન ભારતમાં વાઘની સંખ્યા ઓછી છે. દક્ષિણના કેટલાક વિસ્તારોમાં પણ તેની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી છે. એટલે કે વાઘની સંખ્યા વધી છે ખરી, પણ તેનું વિભાજન અસમાન રીતે થયેલું છે. છ આરક્ષિત વિસ્તાર ધરાવતા રાજ્ય મધ્ય પ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં વાઘ છે. આરક્ષિત વિસ્તારનાં મુખ્ય ક્ષેત્રોમાં પ્રાણીની સંખ્યા વધે ત્યારે તેમાંના કેટલાક સ્થળાંતર કરતા હોય છે. આને કારણે તેમની માનવોના સંપર્કમાં આવવાની સંભાવના વધી જાય છે.

અમુક મર્યાદિત વિસ્તારમાં કોઈ એક જ પ્રજાતિની સંખ્યા વધુ હોય તો તેની પર વિવિધ પ્રકારનું જોખમ વધુ રહે છે. તે આનુવંશિક એકરૂપતા પેદા કરી શકે છે, જેને કારણે તેમનામાં કોઈ ચેપના પ્રસરવાની સંભાવના વધુ રહે છે. હવે વનવિસ્તાર સતત ઘટતો ચાલ્યો છે, જેને કારણે વાઘ તેમજ અન્ય વન્ય પશુઓની જંગલમાં હેરફેર ઘટી રહી છે. વનની ગુણવત્તા એટલે કે ગીચતા બહુ મહત્ત્વનું પરિબળ છે. કેમ કે, વનવિસ્તાર ઘટે એમ વાઘના શિકારનો વિસ્તાર પણ ઘટે. આવા જ કારણસર આનુવંશિક રીતે વિશિષ્ટ ગણાતા ઓડિસાના સીમલીપાલ વાઘ પર જોખમ તોળાઈ રહ્યું છે. ઘણાં વર્ષોથી તેની વસતિ સતત ઘટતી રહી છે.

વન્ય પશુઓ તેમજ વૃક્ષો અને અન્ય વનસ્પતિ સહિતની વનપ્રણાલીનું સંતુલન યોગ્ય રીતે જળવાય તો જ સંવર્ધનનું લક્ષ્ય યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે. છેલ્લાં વર્ષોમાં વનમાં દબાણ, શિકાર, ખનનકાર્ય, ઔદ્યોગિક ગતિવિધિઓમાં વધારો થતો રહ્યો છે. વાઘ-માનવસંઘર્ષના બનાવ વધી રહ્યા છે. તેની સરખામણીએ વાઘ દ્વારા શિકાર કરી શકાય એવાં પશુઓ ઘટી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ જળવાયુ પરિવર્તનની વિપરીત અસર સમગ્ર પર્યાવરણ પર અનુભવાઈ રહી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં વાઘની વસતિ પાંચ હજારે પહોંચવાનો અંદાજ છે. આટલા વાઘને સમાવવા માટે વનવિસ્તાર પણ પૂરતો હોવો જોઈએ, જેથી વાઘ- માનવ વચ્ચેનો સંઘર્ષ ઓછામાં ઓછો બની રહે. વન અને વન્ય પેદાશ પર નભતાં લોકોનો આ કાર્યમાં સહયોગ લેવો અતિ આવશ્યક છે, કેમ કે, આ લોકો વર્ષોથી પરંપરાગત રીતે સહજીવન જીવતાં આવ્યાં છે.

વાઘની વસતિ બાબતે જોવા મળ્યું છે એમ દેશના કેટલાક વિસ્તારોમાં તેની સંખ્યા અપ્રમાણસર રીતે વધી છે. જ્યારે અમુક ભૂતકાળનાં એવાં સ્થળોએથી વાઘ કાં સાવ લુપ્ત થઈ ગયા છે યા ઘટી ગયા છે. ‘પ્રોજેક્ટ ટાઈગર’ના આરંભ વખતે ૧૯૭૩માં દેશમાં વાઘ માટે ફક્ત નવ આરક્ષિત વિસ્તાર હતા, જે પચાસ વર્ષમાં વધીને ૫૩ થયા છે. અલબત્ત, એમાંના પંદર આરક્ષિત વિસ્તાર કાં લુપ્ત થઈ ગયા છે કે વાઘ માટે કામના રહ્યા નથી.

આ પ્રકલ્પનો હેતુ વાઘની વસતિ વધારવા પૂરતો મર્યાદિત નથી. લુપ્ત થતા વાઘને જાળવવાનું કામ જરૂરી અવશ્ય છે અને એ આ પ્રકલ્પ થકી સિદ્ધ થઈ ગયું છે અને હજી થતું રહેશે. પણ એની સાથે સંકળાયેલી અન્ય બાબતો એટલી જ જરૂરી છે. પચાસ વર્ષ પછી હવે આ પ્રકલ્પનું લક્ષ્ય વિસ્તારીને વાઘના સમાન વિભાજનનું અને એ માટે જરૂરી વનવિસ્તારના વિસ્તરણનું થાય એ જરૂરી છે. કુદરતી ક્રમમાં માનવ પોતાના સ્વાર્થ ખાતર જે અવિચારી પરિવર્તન લાવે તેનો ભોગ તેની જ આવનારી પેઢીઓએ બનવું પડે છે, એમ તેનું પ્રાયશ્ચિત્ત પણ તેની ભાવિ પેઢીએ કરવાનું આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top