Comments

બે હજાર રૂપિયાની નોટ નાછૂટકે રદ કરવામાં આવી

તમે બે હજાર રૂપિયાની નોટ છેલ્લે ક્યારે ભાળી હતી? એ.ટી.એમ. કે બેન્કમાંથી તમે પૈસા કઢાવ્યા હોય અને તમને બે હજારની નોટમાં પૈસા મળ્યા હોય એવું ક્યારે બન્યું હતું? છેલ્લાં બે વર્ષમાં ભાગ્યે જ તમે બે હજારની નોટ ભાળી હશે કે એ નોટમાં વહેવાર કર્યો હશે. શા માટે? ઘણાં લોકોને એમ લાગતું હતું કે રીઝર્વ બેન્કે બે હજાર રૂપિયાની નોટ ધીરે ધીરે પાછી ખેંચી લીધી હશે અને નવી નોટ છાપવાનું બંધ કર્યું હશે. ૨૦૧૬ના નવેમ્બરમાં જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી અને જૂનાની જગ્યાએ નવા ચલણનો પુરવઠો ઊભાઊભ કરવો મુશ્કેલ હતો ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે બે હજાર રૂપિયાની નોટ છાપવામાં આવી હતી.

બે હજારની એક નોટ સામે પાંચસો રૂપિયાની ચાર નોટ બદલી શકાય. જો કે ત્યારે પણ કહેનારાઓ તો કહેતા જ હતા કે નોટબંધી એક ખાસ વર્ગને મદદ કરવા માટેનું કૌભાંડ છે અને બે હજારની નોટ પણ તેનો એક ભાગ છે. પરંતુ ત્યારે આ લખનાર એમ માનતો હતો કે બે હજારની નોટ ચલણમાં દાખલ કરવા પાછળનું કારણ ઉપર કહ્યું એમ તાત્કાલિક જરૂરિયાત હતું અને જરૂરિયાત પૂરી થતાં રીઝર્વ બેન્ક બે હજારની નોટને પાછી ખેંચી રહી છે. બે હજારની નોટ નથી દેખાતી એની પાછળનું કારણ આ છે. આવું મારું અનુમાન હતું અને બીજાં અનેક લોકોનું હતું.

પણ એક દિવસ આઘાતજનક માહિતી મળી. મનોરંજન એસ. રોય નામના માહિતીના અધિકાર માટે કામ કરનારા કર્મશીલના ધ્યાનમાં એક વિચિત્ર વાત આવી. ભારત સરકારની માલિકીની ત્રણ ટંકશાળમાં રીઝર્વ બેન્કે બે હજાર રૂપિયાની જેટલી નોટ છપાવી છે એનાથી વધુ નોટ રીઝર્વ બેન્કે બજારમાં મૂકી છે! અરે! આમ કેમ બને? વળી બન્ને આંકડા રીઝર્વ બેન્કે પોતે તેના વાર્ષિક અહેવાલમાં આપ્યા છે. બન્ને આંકડા સરકારી છે, સત્તાવાર છે, એક જ સરકારી સંસ્થાના છે, રીઝર્વ બેન્કના પોતાના છે. ના એ નકલી નોટ ન હોઈ શકે. નકલી નોટ બનાવનારાઓ રીઝર્વ બેંક દ્વારા નકલી નોટ ચલણમાં ન મૂકી શકે. બે હજાર રૂપિયાની નકલી નોટ ચલણમાં ફરતી હશે એ તો વધારાની. તો પછી એ વધારાની બે હજાર રૂપિયાની નોટો છપાવી કોણે? કોના કહેવાથી? કોના માટે? અને રીઝર્વ બેન્કે છપાવી તો સરકારી ચલણ છાપનારા પ્રેસમાં એની નોંધ કે ગણતરી કેમ નથી? તો પછી એ નોટ છપાવી ક્યાં? કોના પ્રેસમાં? બધા જ રહસ્યમય પ્રશ્નો છે, જે રીતે નોટબંધી પોતે જ એક રહસ્યમય ઘટના છે.

આની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી કરતો પત્ર મનોરંજન રોયે ગયા વરસે એપ્રિલ મહિનામાં વડા પ્રધાનને લખ્યો અને તેની નકલ રાષ્ટ્રપતિ, નાણાં પ્રધાનને, રીઝર્વ બેન્કના ગવર્નરને. અપેક્ષા મુજબ કોઈ જવાબ નહીં.
બે હજાર રૂપિયાની નોટની છપાઈની સંખ્યા અને બજારમાં ફરતી નોટની સંખ્યા વચ્ચેના આશ્ચર્યજનક તફાવતને ઘડીભર બાજુએ મૂકીએ. આંકડા પરથી એક વાત નક્કી કે ૨૦૨૦-૨૧ની સાલ સુધી રીઝર્વ બેંક બે હજાર રૂપિયાની નોટ છપાવતી હતી અને બજારમાં મૂકતી પણ હતી, પણ તો પછી એ હતી ક્યાં? કોની પાસે? આપણે તો તેનાં ભાગ્યે જ દર્શન કર્યાં હતાં. ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે રીઝર્વ બેન્કે બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ ૩૩ લાખ નોટ બજારમાં મૂકી હતી. યાદ રહે, આ નોટોની સંખ્યા છે.

વાત એમ છે કે નોટબંધી એક વગરવિચાર્યું તઘલખી સાહસ હતું. રીઝર્વ બેન્કના ધોરણસરના શિક્ષિત અર્થશાસ્ત્રી ગવર્નર રઘુરામ રાજને નોટબંધીનો વિરોધ કર્યો હતો એટલે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. નોટબંધી કરવાથી નથી કાળાં નાણાંનો અંત આવ્યો કે નથી નકલી નોટોનો અંત આવ્યો. વડા પ્રધાન રોજ ત્રાસવાદીઓનો ડર બતાવે છે એટલે ત્રાસવાદનો પણ અંત નથી આવ્યો. ઉલટું બે હજાર રૂપિયાની નોટ દ્વારા કાળું નાણું સાચવવામાં સહેલું પડે એવું કદમાં નાનું થઈ ગયું. પાંચસો અને હજારની નોટ અનુક્રમે ચાર ગણી કે બે ગણી જગ્યા રોકતી હતી. કાળાં નાણાં ધરાવનારાને ચાંદી થઈ ગઈ હતી. નકલી નોટવાળાઓને પણ ચાંદી થઈ ગઈ. તઘલખી ખેલના અંતે ખબર પડી કે રીઝર્વ બેન્કે જેટલી રકમની નોટ બજારમાં મૂકી હતી તેના કરતાં વધુ રકમની નોટ પાછી આવી.

બે હજાર રૂપિયાની કિંમતની ૧૨ અબજ ૧૭ કરોડ નોટમાંથી ૯૦ ટકા નોટ કાળાં નાણાંમાં ફેરવાઈ ગઈ અને કેટલાક હાથોમાં જમા થવા લાગી. બાકી ભારતનું અંદાજે ૬૦ ટકા અર્થતંત્ર રોકડિયું અર્થતંત્ર છે. દૂધવાળા, શાકવાળા, દાણાવાળા, રીટેલ શોપ્સ, ગ્રામીણ કૃષિ અર્થતંત્રમાં રોકડાનો વહેવાર ચાલે છે. ક્યાંક તો બે હજારની નોટ નજરે પડે ને! પણ ક્યાંય કહેતાં ક્યાંય જોવા નહોતી મળતી. રીઝર્વ બેંક બે હજારની નોટ ધીરે ધીરે પાછી ખેંચવા માગતી હતી, પણ બહાર નીકળે તો પાછી ખેંચે ને! ૨૦૨૧ના માર્ચ મહિનામાં કેન્દ્રના રાજય કક્ષાના નાણાં પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે રીઝર્વ બેન્કે બે હજાર રૂપિયાની નોટ છાપવાનું બંધ કર્યું છે અને ધીરે ધીરે બે હજારની નોટ પાછી ખેંચી લેવામાં આવશે, પણ પાછી ફરી જ નહીં.

જ્યારે બે હજાર રૂપિયાની નોટ બહાર નહોતી નીકળતી ત્યારે નાછૂટકે હવે બે હજાર રૂપિયાની નોટ રદ કરવામાં આવી છે, પણ એ રીતે કે કાળાં નાણાં ધરાવનારાઓને ઈજા ન પહોંચે. ઈજા પહોંચાડી શકાય એમ પણ નથી એ તો ૨૦૧૬માં જ સાબિત થઈ ગયું હતું એટલે એનો કોઈ અર્થ પણ નથી. નોટબંધી એક દુસ્સાહસ હતું એ હવે સાબિત થઈ ગયું છે. ભાજપ, વડા પ્રધાન અને સરકાર પણ હવે નોટબંધીને યાદ નથી કરતાં, શ્રેય લેવાની વાત તો બાજુએ રહી. ગોદી મિડિયા પણ નોટબંધીના સાહસને ભૂલવાડવાનું કામ કરી રહ્યા છે. દરમ્યાન આપણાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના પતિ ડૉ. પારાકલા પ્રભાકરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાજમાં તિરાડો પાડવાની કમાલની આવડત ધરાવે છે, પણ અર્થતંત્ર અને બીજી શાસનની બાબતે એટલી જ આઘાતજનક અણઆવડત ધરાવે છે. ‘ધ ક્રૂક્ડ ટીમ્બર ઑફ ન્યુ ઇન્ડિયા: ઍસેઝ ઓન અ રિપબ્લિક ઇન ક્રાઈસીસ’ નામના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકમાં આમ કહ્યું છે.

તેમણે વડા પ્રધાનની અણઆવડત માટે અંગ્રેજીમાં staggeringly incompetent એવો શબ્દપ્રયોગ કર્યો છે. ડૉ. પારાકલ પ્રભાકર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સ્નાતક છે અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટીકલ સાયન્સના પી.એચ.ડી. છે. પ્રભાકરે એક વાર તેમનાં પત્ની અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને સલાહ આપી હતી કે ભારતના અર્થતંત્રને ઠેકાણે પાડવું હોય અને એવો પ્રામાણિક ઈરાદો હોય તો આપણાં ઘરથી થોડે દૂર રહેતા ડૉ. મનમોહનસિંહને તારે મળવું જોઈએ. સ્વયંઘોષિત વિશ્વગુરુઓને છોડીને આખું જગત તેમની સલાહ લે છે અને આપણા ઘરની તો સાવ નજીક છે, એને મળ. તો આવું છે વિશ્વગુરુનું અર્થતંત્ર!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top