સુરત: ઓમિક્રોનની (Omicron) દહેશત વચ્ચે સુરત (Surat) શહેરમાં કોરોનાના (Corona) કેસમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. મંગળવારે સુરતમાં કોરોના પોઝિટીવના (Positive) કુલ 7 કેસ નોંધાયા હતા, જેમાં 2 વિદ્યાર્થી (Student) હતા. અડાજણની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાતા રાંદેર ઝોનના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલના શિક્ષકો (Teachers) અને વિદ્યાર્થીઓનું માસ ટેસ્ટીંગ (Mass Testing) કરવા સાથે જ સરકારના નિયમ અનુસાર 7 દિવસ માટે શાળામાં ઓફલાઈન શિક્ષણ (Offline Education) બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
સુરત મનપાના આરોગ્ય તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરપુરા નક્ષત્ર નેબ્યુલા ખાતે રહેતા અને અડાજણની સંસ્કાર ભારતી શાળામાં ધોરણ 12માં સાયન્સમાં ભણતો 17 વર્ષીય વિદ્યાર્થી અને અડાજણની જ રિવરડેલ સ્કૂલમાં ધો. 11 સાયન્સમાં ભણતી 15 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલમાં માસ ટેસ્ટિંગ માટે કવાયત કરાઈ હતી. જોકે સ્કૂલ બપોરે છૂટી જતાં માત્ર શિક્ષકોનું જ ટેસ્ટિંગ થઈ શક્યું હતું. વિદ્યાર્થીઓનું પણ માસ ટેસ્ટિંગ કરાશે. સ્કૂલને આગામી 1 અઠવાડિયા માટે બંધ કરી દેવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટિવ અરવિંદભાઈ જણાવ્યું કે ગઈકાલ રાત્રે 11 વાગ્યે મને કોર્પોરેશનના અધિકારીનો ફોન આવ્યો હતો પરંતુ હું ઓળખી ન શક્યો. આજે વિદ્યાર્થીઓ રાબેતા મુજબ શાળાના સમય થતાં શાળાએ પહોંચ્યા હતા. પરંતુ કોર્પોરેશનની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવાયા હતા અને શાળા બંધ કરવા માટે કહેવાયું હતું. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો શા માટે આખી સ્કૂલ બંધ કરવામાં આવી રહી છે તે સમજાઈ નથી રહ્યું. વાલીઓએ પણ ફરિયાદ કરી છે કે બંધ કરાવવા હોય તો બે જ વર્ગ બંધ કરવો જોઈએ આખી શાળા બંધ કરાવવી યોગ્ય નથી.
વિદ્યાર્થી છેલ્લા ચાર દિવસથી તબિયત ખરાબ હતી. ત્યારબાદ વાલીઓ દ્વારા તેનું ટેસ્ટિંગ બહાર કરવામાં આવ્યું હતું. દરમિયાન તે પોઝિટિવ આવતા પાલિકાને તેમણે જાણ કરી હતી. ત્યારબાદ કોર્પોરેશનની ટીમ દ્વારા ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં તમામ વિદ્યાર્થીઓ નેગેટિવ આવ્યા હતા. દરમિયાન રિવર ડેલ શાળાની એક વિદ્યાર્થિની છેલ્લા કેટલાક દિવસથી શાળામાં ગેરહાજર હતી. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધોરણ-11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું.
તમને જણાવી દઈએ કે સંસ્કાર ભારતીના વિદ્યાર્થીને ચેપ કેવી રીતે લાગ્યો તે જાણી શકાયું નથી. કારણ કે આ વિદ્યાર્થીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. પરિવારમાં અન્યોના રિપોર્ટ નેગેટિવ હોવાથી ચેપ સ્કૂલમાંથી લાગ્યો હોવાની સંભાવના માની શકાય છે. તેથી જ પાલિકાએ સ્કૂલ સિહત 120 ટેસ્ટ કર્યા જે તમામ નેગેટિવ છે. ક્લાસના બાકી વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ વિદ્યાર્થીની આસપાસ રહેતા લોકોના ટેસ્ટ કર્યા હતાં જેમાં તેના માતા-પિતાનું પણ કોરોના ટેસ્ટ કરાયો હતો. માતા-પિતાએ વેક્સિન લઈ લીધી હોવાથી તેઓ પુત્રના સંપર્કમાં હોવા છતાં સુરક્ષિત હોવાનું મનાય રહ્યું છે અને તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા.