રાજકોટ: હવે રાજકોટમાં (Rajkot) પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર (Cricketer) ચિઠ્ઠી લખી ઘર છોડી ચાલ્યો ગયો હતો. તેણે માતાને ચિઠ્ઠી લખી કે, તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો માટે આજે હું ઘર છોડી જાવ છું. જેથી તેની માતાએ મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે.
તેની માતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ડ્રગ્સના (Drugs) રવાડે ચડ્યો છે. આ સમગ્ર મામલે પોતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેણે ચાર માસ અગાઉ રાજકોટ DCP ઝોન 2ને પણ રજૂઆત કરી હતી. તેણે ડ્રગ માફિયાઓની પોલીસ સાથે મીલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમયે રાજકોટ SOG પોલીસ ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી લઇ જઈ નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.
મારો દીકરો જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો. આ અંગે પોલીસને રજૂઆત બાદ કોઈ પગલાં તો લેવાયા નથી. પણ આ ડ્રગ્સ માફિયાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ મને ધમકી આપી રહ્યાં છે. જેને લઈને ડ્રગ્સ માફિયાઓને પોલીસ સાથે જ સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, મારા પુત્રના કહેવા મુજબ પોલીસની ગાડી લઈ માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. આ ડ્રગ્સ રેકેટમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ સંડોવાયેલા છે.
ગૃહરાજ્યમંત્રીનાં આદેશ બાદ રાજકોટ પોલીસ લાપતા યુવકને શોધવા કામે લાગી
આ મામલે ગૃહરાજ્યમંત્રીનાં (Gujarat Home minster ) આદેશ બાદ રાજકોટ પોલીસ કમિશ્નર (Rajkot Police Commissioner) મનોજ અગ્રવાલે તપાસના આદેશો આપ્યા છે. આ અંગેની તમામ માહિતી મેળવી નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. આ સમગ્ર મામલે કોઈપણ પોલીસકર્મીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ક્રિકેટર પત્ની સાથે જ ડ્રગ્સ લેતો હતો
ડ્રગના રવાડે ચડેલો યુવાન તેની પત્ની સાથે મળી ડ્રગ સેવન કરતો હતો. રૈયાધાર વિસ્તારની મુખ્ય ડ્રગ પેડલર સુધા ધામેલીયા ઘર નજીક બંનેનો ઝઘડો થયો હતો. ત્યાર બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ તે રાજકોટ છોડી ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ ફરી રાજકોટ પરત આવતા યુવાન ડ્રગ લેવાનું શરૂ કરી દીધું હતું અને આ ડ્રગની આદત જરૂરિયાત બની ગઈ હતી. માટે આખરે ઘર છોડી નાસી ગયો હતો પરંતુ તેનું લોકેશન રાજકોટમાં જ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.