કામરેજ: ગુજરાતમાં પૈસાના નશામાં નબીરાઓ ભાન ભૂલ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં તથ્ય પટેલ અને સુરતમાં સાજન પટેલ અકસ્માત કાંડ બાદ હવે સુરતના ખડસદ વિસ્તારમાં નબીરાઓની ઐય્યાશીનો એક વીડિયો વાયરલ થયો છે. ખડસદ પાસે આઉટર રિંગરોડ પર જાહેર રોડ પર કાર ઉભી રાખી બ્રથ ડે સેલિબ્રેશન કરતી વખતે આતશબાજી અને ફટાકડા ફોડીને વાહનચાલકોના જીવ જોખમમાં મુકતા નબીરાઓનો વીડિયો વાયરલ થતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને ઐય્યાશ નબીરાઓ સામે ગુનો દાખલ કરી જેલના હવાલે કર્યા હતા.
યોગીચોકના ચિરાગ માંડાણીની બર્થ ડે હતી, મિત્રો સાથે ખડસદ નજીક રોડ આઉટર રિંગરોડ પર જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કર્યાનો વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખડસદ ગામની સીમમાંથી પસાર થતા નવા બનેલા રિંગરોડ પર સરદાર ચોકીની નજીક ભાઈ ભાઈ હોટલની સામે રસ્તો બ્લોક કરીને બર્થ ડે સેલિબ્રેશન કરાયું હતું. લોકોને અડચણરૂપ થાય તે રીતે ગાડીઓ રસ્તામાં મુકી યુવકોએ ભયજનક રીતે ફટકડા ફોડ્યા હતા. રસ્તાની લાઈટો બંધ કરી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આ ઘટના બે દિવસ પહેલાંની છે. ચિરાગ માંડાણી અને તેના મિત્રોએ બર્થ ડે સેલિબ્રેશન કર્યું હોવાની વિગતો મળતા તેઓની ધરપકડ કરાઈ છે.
કામરેજ તાલુકાના ખડસદ ગામની હદમાં નવા બનેલા રીંગરોડ પર યોગીચોક પાસે આવેલી યોગીવિલા સોસાયટીમાં મકાન નંબર 103 માં રહેતા ચિરાગ કાંતિભાઈ માંડણી(ઉ.વ.21)નો ત્રણ દિવસ અગાઉ જન્મ દિવસની ઉજવણી કરવા માટે અન્ય મિત્રો મિતેશ પરેશભાઈ પરમાર (ઉ.વ.22, રહે.,મકાન નંબર 504,સમુનશંગીની આવાસ,પરવટ પાટીયા), અનીલ અમરૂભાઈ વાળા (ઉ.વ.18 રહે.,મકાન નંબર 298,અભયનગર, મારૂતીચોક, હીરાબાગ), શૈલેષ ભારૂભાઈ ડાભી (ઉ.વ.22, રહે., મકાન નંબર 20, રામદેવનગર સોસાયટી, પુણા ગામ), મનિષ જયસુખભાઈ રાખોલીયા (ઉ.વ.25, રહે.,ડી, 180, રામવાટીકા સોસાયટી, વેલંજા) , રૂત્વીક રમેશભાઈ મેર (ઉ.વ.19 રહે., મકાન નંબર 70, વર્ષા સોસાયટી, માતાવાડી, એલ.એચ.રોડ), અંકિત જયસુખભાઈ ભુવા (ઉ.વ.24, રહે.,101 રિધ્ધિ સોસાયટી, હીરાબાગ) , અજય ધરમશીભાઈ ભાલીયા (ઉ.વ.21, રહે.,બી-04, કૃષ્ણનગર સોસાયટી, માતાવાડી, એલ.એચ.રોડ )તેમજ અન્ય બે યુવાન સંતોષ ચોસલા (રહે, ગાયત્રીનગર સોસાયટી, રચના સર્કલ, કાપોદ્રા ) તેમજ જયદીપ મકવાણા (રહે., વર્ષા સોસાયટી, માતાવાડી, એલ.એચ.રોડ ) ભેગા મળીને સરદાર ચોકની નજીક રસ્તા પર કાર મુકી રસ્તો બંધ કરી જાહેરમાં ફટાકડા તેમજ આતશબાજી ફોડી ઉજવણી કરતા હોવાનો વિડીયો વાઈરલ થતાં કામરેજ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તમામ સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં સંતોષ અને જયદીપ ફરાર થઈ ગયા હતા. જયારે અન્ય આઠ યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી.