Charchapatra

ઘરકામ કરવા આવતી મહિલાઓની વ્યથા

આપણા સમાજમાં ઘરકામ કરવા આવતી મહિલાઓની પરિસ્થિતી ક્યારેક અતિ સંઘર્ષમય હોય છે. કારમી મોંઘવારીમાં જો મધ્યમવર્ગીય પરિવાર આર્થિકરીતે ભીંસ અનુભવતું હોય તો આ ‘કામવાળી’ મહિલાઓની પરિસ્થિતી આર્થિક દૃષ્ટિએ કરૂણ જ હશે. વર્તમાન સમયમાં મોંઘવારી પ્રત્યેક ક્ષેત્રે વધી જ છે. ક્યારેક એ મહિલાઓના પતિ કમાવા જવામાં આળસ કરી સ્વગૃહે પત્નિના નાણાથી મોજ કરતાં હોય ! અને મદ્યપાનની લતે ચઢી જઈ પત્નિ નાણા ન આપે તો મારપીટ પણ કરી લે ! સમાજના ડરે એ મહિલા મૂંગે મોઢે સહન કરે ! પ્રાત:કાળથી સ્વયંનું ઘરકામ, રસોઈ વિ. નિપટાવી એ શેઠને ત્યાં વાસણ, કપડાં, ઝાડૂપોતા કરી જીવનનિર્વાહ ચલાવતી હોય ! અને ઉર્પયુક્ત કાર્યો એ ચાર-પાંચ સ્થળે કરતી હોય ! તો આવી મહિલાઓના ઉત્કર્ષ માટે શું વિચારી શકાય ?

એણે બાળકોનું પણ ભરણપોષણ કરવાનું હોય અને પતિને પણ દારૂ-જુગાર માટે નાંણા આપવાના હોય ! મહેનત કરીને પ્રાપ્ત થયેલા નાંણાનો ર્દુવ્યય જ્યારે થતો હોય ત્યારે એના હૃદય પર શું વિતતું હશે ? અપવાદ સર્વત્ર હશે જ પણ ઘણી ઘરકામ કરવા આવતી મહિલાઓની વ્યથા આ પ્રકારની હોય છે. તે ઉપરાંત પતિનો વહેમી અને શંકાશીલ સ્વભાવ પણ એને મનથી ભાંગી નાંખે છે. એમના પતિ કંઈક અંશે શિક્ષિત હોય તો કદાચ સમજી શકે પણ અશિક્ષિત વ્યકિતને કેવી રીતે સમજાવી શકાય ? ‘‘જશને બદલે અપજશ’’ જ પ્રાપ્ત થતો હોય તો માનસિક પરિસ્થિતી ડામાડોળ થઈ શકે. પણ આતો ભારતીય નારી, પતિ એટલે પરમેશ્વર ! ભલે ઘરેલું હિંસા કરતો, સાત જન્મ આજ પતિ જોઈએ એવી પ્રાર્થના, કદાચ બીજા જન્મોમાં ‘‘સુધરી’’ પણ જાય !!!!
સુરત     – નેહા શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top