Editorial

સ્માર્ટ મીટર પ્રત્યે લોકોને ભરોસો નહીં અપાવવાની ભૂલ સરકારને ભારે પડી રહી છે

જેમ માણસ સ્માર્ટ થતો જાય તેમ તેને સમજવો અઘરો પડતો જાય છે. જ્યાં પણ જે વસ્તુ સ્માર્ટ થાય છે તે સરવાળે મોંઘી જ પડે છે. સ્માર્ટનેસથી સુવિધા જરૂર વધે છે પરંતુ તેની સામે ખર્ચો પણ વધે જ છે. જે જે શહેરોને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યા છે તે શહેરોમાં રહેવાનો ખર્ચ દિનપ્રતિદિન વધી જ રહ્યો છે. આવું જ હવે સ્માર્ટ ઈલેકટ્રિક મીટરના મામલે પણ થઈ રહ્યું છે. ભારતમાં વીજળીના સપ્લાયની સામે રિકવરીનો આંક ઓછો છે. મોટી સંખ્યામાં વીજચોરી થાય છે અને મોટો લાઈનલોસ આવે છે. કેટલાક તો લાખો રૂપિયાનું વિજબિલ ભરતાં જ નથી.

વીજ કનેકશન કપાઈ જવા છતાં પણ આ બિલ ભરાતું નથી અને સરવાળે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ખરેખર આ સમસ્યાનો સરકારે અલગ રીતે ઉકેલ લાવવો જોઈતો હતો પરંતુ ભારતની સરકારો સમસ્યામાંથી પણ લાભ લેવા માટે હોંશિયાર છે. ભારતમાં સરકારોએ તેનો એવો રસ્તો કાઢ્યો કે દરેક ઘરમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર લગાડી દો. લોકો પહેલા નાણાં ભરશે અને પછી વીજળી વાપરશે. આ તો ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવું થયું. જે લોકો વીજચોરી કરે છે તેને કશું જ નહીં અને જે નાણાં સમયસર ભરી દે છે તેને હવે શિક્ષારૂપે સ્માર્ટ મીટરનો ત્રાસ સહન કરવાનો આવશે.

સરકાર માત્ર એટલેથી જ અટકી નથી. આખા દેશમાં સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ અમલમાં લાવીને રાજ્યોમાં લગાડવાની શરૂઆત કરી દીધી. તેમાં પણ ગુજરાતમાં એવા સમયે સ્માર્ટ મીટરો લગાડ્યા કે જ્યારે ઉનાળો હોય. ખરેખર સરકારે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત પોતાના જ ઘરથી કરવાની હતી. વીજકંપનીઓએ પહેલા સરકારી કચેરી, બાદમાં ઔદ્યોગિક એકમો અને છેલ્લે રહેણાંક એકમોમાં સ્માર્ટ મીટર લગાડવાના હતા અને તેમાં પણ જુના મીટરો પણ યથાવત રાખવાના હતા. કે જેથી લોકો જોઈ શકે કે જુના મીટરો જેટલું જ રિડિંગ સ્માર્ટ મીટરમાં આવે છે. પરંતુ સરકારે તેવું કર્યું નહીં અને સ્માર્ટ મીટર લગાડી દીધા. નવા મીટર હતા એટલે ફાસ્ટ ફર્યા અને આખા ગુજરાતમાં જેને જેને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા તેના વિજબિલ વધી ગયા. લોકો હજું સ્માર્ટ મીટરની કામગીરી સમજે તે પહેલા જ તોતિંગ બિલ આવી ગયા. જેમણે મહિનાના અગાઉના વપરાશ પ્રમાણે નાણાં ભર્યા હતા તેમના નાણાં 15થી 20 જ દિવસમાં સ્માર્ટ મીટરમાં પુરા થઈ ગયા અને પછી શરૂ થયો કકળાટ.

આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે ભારે રોષ ઉભો થયો છે. સુરતમાં લોકો રસ્તા પર આવી ગયા. વડોદરામાં તો વીજ કંપનીની કચેરીમાં તોડફોડ કરવામાં આવી. અન્ય શહેરોમાં પણ લોકોએ ભારે ઉગ્ર પ્રદર્શનો કર્યા અને હવે સરકાર જાગી છે. ઉર્જા મંત્રીએ બેઠક કરી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે હવે તમામ સરકાર હસ્તકની કચેરીઓમાં પ્રથમ તબક્કે સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. રહેણાંક કચેરીઓમાં જુના બિલના રિડિંગ સરભર કરીને બાદમાં જ નવા બિલ આપવામાં આવશે. જનતાના પ્રતિનિધિ અને અધિકારીઓના ઘરે પણ પહેલા સ્માર્ટ મીટર લાગશે અને ત્યારબાદ લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગશે.

સરકાર હવે લોકોને સ્માર્ટ મીટર પ્રત્યે વિશ્વાસ આવે તે માટે તમામ પ્રકારની પારદર્શિકા લાવવા માટે તૈયાર થઈ છે. જે ખરેખર પહેલા થવું જોઈતું હતું. લોકોને સ્માર્ટ મીટર સામે વાંધો નથી પરંતુ સ્માર્ટ મીટરને કારણે બિલ વધે તેની સામે વાંધો છે. ખરેખર સરકારે રહેણાંક વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાડતા પહેલા જ પારદર્શિતા લાવવાની જરૂરીયાત હતી. હવેના નિર્ણયો ‘રાંડ્યા પછીનું ડહાપણ’ છે. સ્માર્ટ મીટરની જે સુવિધાઓ છે તે ખરેખર લોકોને કામ લાગે તેવી છે પરંતુ સરકારની ભૂલ તેને જ ભારે પડી રહી છે. હવે સરકાર સ્માર્ટ મીટર પ્રત્યે લોકોની સુગ કાઢી શકે છે કે કેમ? તેનાથી જ સ્માર્ટ મીટરની સફળતા નક્કી થશે તે ચોક્કસ છે.

Most Popular

To Top