Vadodara

વડોદરા : લંડનના વિઝા કાઢી આપવાના બહાને ત્રિપુટી દ્વારા રૂ. 14.67 લાખની છેતરપિંડી

ન્યુ વીઆઇપી રોડના યુવકે વારંવાર માગણી કરવા છતાં રૂપિયા નહી આપતા ફરિયાદ નોંધાવી

 (પ્રતિનિધિ) વડોદરા તા.22   

ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવક પાસેથી પત્નીના લંડનના વિઝા બનાવી આપવાના બહાને ત્રિપુટીએ રૂ. 17.27 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ પ્રોસેસ કરી ન હોય રૂ 2.60 લાખ પરત લઇ લીધા હતા જ્યારે બાકીને રૂ 14.67 લાખની વારંવાર માગણી કરવા છતા પરત નહી આપી છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઠગ ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર પાસે આવેલા શિલ્પ ટેનામેન્ટમાં રહેતા અભિષેક જયેશ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ મકરપુરા વિસ્તારમાં રહેતા  નૈનેશ નરેન્દ્ર પટેલ  તથા ધૈર્ય નૈનેશ પટેલ સયાજીગંજ વિસ્તારમાં બીબીસી ટાવર સામે સિલ્વરલાઇન કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવે છે. બંનેએ દર્શક પટેલ સાથે મળીને વિઝા કાઢવાનું કામ કરતા હતા. જેથી અભિષેક ઠાકોર પત્નીને લંડન મોકલવાની હોય ત્યાં વિઝા બનાવવા માટે ત્રિપુટીને મળ્યો હતો ત્યારે તેઓએ લંડન વિઝા બનાવવા માટે રૂપિયા 17.27 લાખ પડાવ્યા હતા.પરંતુ વિઝા માટેની કોઇ ફાઇલ તૈયારી નહી કરી મહિનાઓ લગાવી દીધા હતા. જેથી તેઓ વારંવાર રૂપિયાની માગણી કરતા ત્રિપુટીએ 2.60 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે 14.67 લાખની માગણી કરવા છતાં પરત નહી આપીને છેતરપિંડી આચરી હતી. જેથી સયાજીગંજ પોલીસે તેમની ફરિયાદના આધારે ત્રિપુટીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top