Vadodara

અમદાવાદના બિલ્ડરનો દુમાડની એક હોટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત

સસરા પૂર્વ ડી.વાય.એસ.પી. તેમજ અન્ય પરિવારજનો પણ હાલ પોલીસ વિભાગમાં સક્રિય હોવાની ચર્ચા  

મૂળ ભાવનગર અને હાલ સાઉથ બોપલ અમદાવાદ ખાતે રહેતા બિલ્ડરે દુમાડની એક હોટલમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યું, જોકે આ બાબતે મંજુસર પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, મૃતકના સસરા પૂર્વ ડી.વાય.એસ.પી. છે જ્યારે અન્ય પરિવારજનો પણ હાલ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

હાલ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય મહાવીરસિંહ હરિસિંહ સરવૈયા બિલ્ડર હતા. ગત બે દિવસ પૂર્વે તેમના કામથી તેઓ વડોદરા ખાતે આવ્યા હતા. અને દુમાડ પાસેની તુલીપ હોટેલમાં રોકાયા હતા. ગત સવારે પરિવારજનો અને  મિત્રો સાથે વાત કર્યા બાદ તેઓનો ફોન બંધ આવતો હતો. એક આખો દિવસ ફોન બંધ આવતા મિત્રોએ તપાસ કરી હતી. જેથી મિત્રોને વડોદરાની તુલીપ હોટેલનું લોકેશન મળી આવતા તેઓએ નજીકના પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરતા મહાવીરસિંહ હોટેલના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જોકે તેઓએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય હજી અકબંધ જોવા મળ્યું હતું. પરંતુ મંજુસર પોલીસે કાર્યવાહીના ભાગ રૂપે તેઓનો મૃતદેહ સયાજી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top