અમદાવાદ(Ahmedabad): પુરુષોત્તમ રુપાલાના (Purshottam Rupala) વિવાદિત નિવેદનને મામલે ક્ષત્રિય સમાજનો (Kshtriya Samaj) રોષ શાંત થવાનું નામ લેતો નથી. આજે અમદાવાદ ખાતે રાજપુત સમાજની કોર કમિટી (Rajput Samaj) અને ભાજપના (BJP) અગ્રણી નેતાઓ વચ્ચે અમદાવાદમાં મળેલી મિટિંગ નિષ્ફળ ગઈ છે. ક્ષત્રિય આગેવાનોએ રુપાલાની ટિકિટ કાપવાની માંગ પર અડગ રહ્યા છે. રૂપાલાની માફી તેઓએ સ્વીકારી નથી. તેથી બેઠક પડી ભાંગી છે. હવે રુપાલા મામલે પક્ષ નિર્ણય લેશે.
ગઈ તા. 23મી માર્ચે વાલ્મિકી સમાજના સમારોહમાં પુરુષોત્તમ રુપાલાએ રાજપૂત સમાજની મહિલાઓ માટે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી રાજ્યનો રાજપૂત સમાજ રોષે ભરાયો છે. રાજપૂત સમાજ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી માંગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજનો વિરોધ વધતાં ભાજપના નેતાઓ દોડતા થયા છે.
ગઈકાલે તા. 2 એપ્રિલના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એક મિટિંગ કરી આ વિવાદને શાંત પાડવા માટે કમિટીનું ગઠન કર્યું હતું, જેમાં મોટા નેતાઓને સામેલ કરાયા હતા. આ નેતાઓએ આજે અમદાવાદમાં રાજ્યના રાજપૂત સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી હતી.
આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે, તે બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યું છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી.
આજે અઢી વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તીબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર છે. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, પક્ષ નિર્ણય લેશે
બેઠક બાદ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, રાજપુત સમાજની કોર કમિટિ સાથે બેઠક થઈ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. રૂપાલા વિવાદિત ટિપ્પણી મામલે માફી માગી ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. તે બાબતો રાજપૂત સમાજની કોર કમિટિ સમક્ષ રજૂ કરાઈ હતી. પરંતુ રાજપુત સમાજ એક જ વાત પર અડગ હતું. તેઓ રુપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવા માગ કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજને માફી સ્વીકાર્ય નથી. હવે આ મામલે અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પક્ષ જ નિર્ણય લેશે.