ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોનાના (Corona) કેસ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 10 શહેરોમાં રાત્રિ કરફ્યૂની (Night Curfew) સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિતના 10 શહેરોમાં હવે રાત્રિ કરફ્યૂ 10થી 6 રહેશે. રાત્રિ કરફ્યૂ 15મી જાન્યુઆરી સુધી લંબાવાયો છે, જ્યારે 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં (School Closed) ધોરણ 1થી 9નું ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા જાહેરાત કરાઈ છે.. માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. કોલેજોમાં કોરોનાની ગાઈડલાઈનના (Guideline) પાલન સાથે ચાલુ રાખી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર તેમજ આણંદ અને નડીયાદમાં રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં હોટલ, રેસ્ટોરા, તેમજ દુકાનો રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 75 ટકા ક્ષમતા સાથે હોટલો ચાલુ રાખી શકાશે. હોમ ડિલીવરી 11 વાગ્યા સુધી કરી શકાશે.
- મુખ્યમંત્રીએ 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો
- હોમ આઈસોલેટ થયેલા દર્દીઓનું મોનિટરીંગ કરવા મુખ્યમંત્રીના આદેશ
- રોગ પ્રતિકારક શક્તિ વધારવા 10 જાન્યુઆરી સુધી સરકાર ઉકાળનું વિતરણ કરશે
- ગુજરાત હાઈકોર્ટમાં સોમવારથી ફિઝિકલ હિયરીંગ બંધ કરાશે
સમગ્ર રાજ્યમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો ખુલ્લામાં યોજવામાં આવે તો મહત્તમ 400 અને બંધ સ્થળોએ 50 ટકા ક્ષમતા સાથે વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. લગ્ન પ્રસંગમાં મહત્તમ 400 વ્યક્તિઓ ભેગા થઈ શકશે. લગ્ન પ્રસંગ માટે Digital gujarat portal પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમયાત્રામાં 100 વ્યક્તિ ભેગા થઈ શકશે.
પબ્લિક તથા પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટેશનમાં બસ સેવાને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. 75 ટકા ક્ષમતા સાથે દોડાવી શકાશે. સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક, સ્વિમીંગ પુલ, વાંચનાલયો, ઓડોટિોરીયમ, એસેમ્બલી હોલ, જાહેર બાગ બગીચા, ટ્યૂશન ક્લાસીસ 50 ટકા કેપેસિટ સાથે ચલાવી શકાશે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સોમવારથી ઓનલાઈન (Online) ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.
ઘરે સારવાર લેતા દર્દીઓ પર સતત મોનિટરીંગ કરવા આદેશ, સરકારના જાહેર કાર્યક્રમો રદ
આ અગાઉ આજે સવારે રાજ્યમાં કોરોનાના (Corona) દૈનિક કેસોમાં વધારો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર (District Collector) અને મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) સાથે વર્ચ્યુઅલ બેઠક (Virtual meeting ) યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રી પટેલે હોમ આઇસોલેશનમાં (Home Isolation) રહેલા દર્દીઓનું મોનિટરિંગ (Monitoring) કરવા માટેના આદેશ આપ્યા છે. તેમજ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે 10 જાન્યુઆરી સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને અમદાવાદ મનપા દ્વારા ફલાવર શો (Flower show) તથા પતંગોત્સવ (Kite Festival) સહિતના કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે તેમજ રાજ્યમાં સોમવારથી ગુજરાત હાઈકોર્ટ ફિઝિકલ હિયરિંગ (High Court Physical Hearing) પણ બંધ રાખવામાં આવ્યું છે. રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 4000ને પાર નોંધાય રહી છે.
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ (Vibrant Summit) કાર્યક્રમ પણ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ આ બેઠકમાં આગામી 10 જાન્યુઆરી સુધી મહાનગરો અને જિલ્લાઓમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુષ દ્વારા દરોરજ 2 હજાર ઉકાળા પાઉડરનું વિતરણ કરવામાં આવશે. તેમજ જે કોરોના સંક્રમિત દર્દીઓ હોમ ક્વોરનટિન છે તેવા દર્દીઓનું ખાસ ધ્યાન રાખી તેમનું સતત મોનિટરિંગ કરવાના આદેશો આપ્યા છે.
ટ્રેસિંગ-ટ્રેકિંગ અને વેક્સિનેશન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. આજની બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને મહાનગર પાલિકાના કમિશનરોએ પોતાના વિસ્તારમાં ટ્રેસિંગ-ટ્રેકિંગ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા,આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસિંગ-ટ્રેકિંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ
રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે.