આણંદ: આણંદના વાંસખીલિયા ગામમાં રહેતી પટેલ યુવતીને દોઢ વર્ષ પહેલા તળપદા યુવક ભગાડી ગયા મામલે ભારે હોહા મચી હતી. તેમાંય આ મામલામાં નાપા તળપદનો કૂખ્યાત લવીંગખાનની સંડોવણી ખુલતાં મામલો લવજેહાદ સુધી પહોંચી ગયો હતો. જોકે, તત્કાલીન સમયે લવીંગખાન અને તેના ભાણીયાની ધરપકડ કરતાં મામલો શાંત પડ્યો હતો. પરંતુ આ વાતને દોઢ વર્ષ થવા છતાં હજુ સુધી યુવતીની ભાળ મળી નથી. જેના કારણે પરિવારજનોએ વધુ એક વખત કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી ઇચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે.
વાંસખીલિયા ગામે રહેતા દિનેશભાઈ પટેલના પૌત્રી રિશિતા પટેલ (ઉ.વ.18) 11મી નવેમ્બર, 2019ના રોજ ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. તપાસ દરમિયાન રિશિતાએ અજય ગોરધન તળપદા (રહે.નાપાવાંટા) નામના શખસ સાથે લગ્ન કર્યાં હોવાનું જાણવા મળતાં પરિવારજનો હતપ્રભ બની ગયાં હતાં. આ ઘટનાની તપાસ કરતાં જે તે સમયે નાપા તળપદના કૂખ્યાત આલેફખાન રસુલખાન પઠાણ ઉર્ફે લવીંગખાન અને તેણો ભાણિયો ઈમ્તિયાઝ ખાનની સંડોવણી ખુલતાં સમગ્ર મામલામાં લવજેહાદની ગંધ આવતા ગામમાં ભારે ઉહાપોહ થયો હતો. આ સંદર્ભે રેલી – દેખાવો યોજાતાં પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને બે મહિના બાદ લવીંગખાનની ધરપકડ કરી હતી. જોકે, આ વાતને 17 મહિના થવા છતાંય રિશિતાનો કોઇ જ પત્તો લાગ્યો નથી. તેે હયાત છે કે કેમ ? પરિવારજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. આથી, પરિવારજનોએ સોમવારના રોજ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી કે, રિશિતાને સદંતર કાયદાનો દુરૂપયોગ કરી લવીંગખાન દ્વારા લવજેહાદના આરોપથી બચવા માટે અજય ગોરધન તળપદાને હાથો બનાવી કાયદાની આંટીઘુંટીથી બચવા લવજેહાદનો ભોગ બનાવી છે. આથી, વહેલી તકે અમારી દીકરીને શોધી અમારો મેળાવ કરાવે. દિવસ 15માં આ માગણી પુરી નહીં થાય દિનેશભાઈ પટેલે ચ્છા મૃત્યુની માગણી કરી છે. આ દરમિયાન અમારા પરિવારને કોઇ પણ હાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અજય ગોરધન તળપદા, આલેફખાન ઉર્ફે લવીંગખાન રસુલખાન પઠાણ તથા તેનો ભાણિયો ઇમ્તિયાઝ પર રહેશે.
અજયની પ્રથમ પત્ની હયાત છતાં બીજા લગ્ન કર્યાં
વાંસખીલિયાની રિશિતાને ભગાડી જનારો અજય ગોરધન તળપદાની બહેન વર્ષા તળપદા (રહે. કરમસદ) દેશી દારૂનો ધંધો કરે છે. અજયના લગ્ન અગાઉ પણ તળપદા સમાજમાં થયાં છે. તેને એક સંતાન પણ છે. આથી, અજય તળપદાના હિન્દુ લગ્ન અધિનિયમ પ્રમાણે છુટાછેડા થયેલા હોવા જોઈએ, તો જ તે બીજા લગ્ન કરી શકે. પરંતુ અજય દ્વારા લગ્ન નોંધણીમાં છુટાછેડાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કોઇ જ પુરાવો મુકવામાં આવ્યો નથી. જે કાયદેસર ગુનો બને છે. આથી, બીજી શંકા એવી છે કે અમારી પૌત્રી રિશિતા સાથે કોઇ અણબનાવ બન્યો હોય તથા તેનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોય તેવો ભય તેના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
લવીંગખાન પર 14 ગુના નોંધાયેલા છે
લવીંગખાન પર જુદા જુદા 14 કેસ નોંધાયેલા છે. રિશિતાના કેસ સમયે પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરતાં હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. આખરે પોલીસે તેને પકડવા ચક્રોગતિમાન ક્રયાં હતા. જેમાં જુલાઇ, 2020માં વિદ્યાનગર પોલીસે માતરના મહેલજથી પકડી પાડ્યો હતો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. બાદમાં તેને સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. લવીંગખાન પર 2011માં બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી. તે પછી રીઢા બનેલા લવીંગખાન સામે હથિયારો સાથે ધમકી આપવી, રાયોટીંગ, હત્યાના પ્રયાસ, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી એક્ટ, અન્યની માલ મિલકત પર કબજો જમાવવો, છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર રચવું, દૂષ્કર્મ, અપહરણ સહિતની કલમો હેઠળ એક પછી એક 14 ગુના નોંધાયાં હતાં. જોકે, પોલીસ સાથે સાંઠગાંઠના કારણે મોટાભાગના કેસમાં સમાધાન થઇ જતું હતું.
લવીંગખાન લેન્ડજેહાદ અને લવજેહાદમાં કૂખ્યાત
રિશિતાના પરિવારજનોએ આવેદનપત્રમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કૂખ્યાત લવીંગખાન અને તેનો ભાણિયો ઈમ્તિયાઝ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા છે. ખાસ કરીને લવીંગખાન લવજેહાદ અને લેન્ડજેહાદમાં કૂખ્યાત છે. રિશિતાને ષડયંત્રમાં ફસાવી દેહ વ્યાપારના ધંધામાં વહેંચી દીધી છે અથવા તો જાનથી મારી નાંખી દીધી હોવી જોઈએ. દિકરીની શોધખોળ કરીએ છીએ તથા અમારી દિકરી, અજયનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કોઇ જ જાણકારી મળી નથી. લવીંગખાન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને નાની દિકરીને પોતાના હવસનો ભોગ બનાવે છે.
લવીંગખાનને રાજકિય નેતા અને પોલીસ અધિકારીઓ સાથે ઘરોબાનો આક્ષેપ
રિશિતાને ફસાવતા પહેલા તેને મોબાઇલ આપ્યો હતો. જેના દ્વારા લવીંગખાન તેના સંપર્કમાં રહેતો હતો. જેની વિગતો મોબાઈલ, ચેટીંગની બધી જ વિગતો પોલીસને અગાઉ પવામાં આવી હતી. પરંતુ પોલીસના જ અધિકારી આર.વી. વીંછીએ જે તે સમયે તત્કાલીન કેસની તપાસ કરતા હતા. તેઓ પણ સંડોવાયેલા હતા. જેઓએ ફોનની વિગતો પણ યોગ્ય તપાસ ન કરીને ચેટીંગ વગેરે ડિલીટ કરી દીધું હતું.