કોઈ માણસ દેવાળું કાઢવાની તૈયારીમાં હોય ત્યારે જ બાપદાદાના સમયથી ચાલી આવતી જમીનો વેચવાનો વિચાર કરે છે. ભારત સરકારે પહેલાં ખોટ ખાતી અને પછી નફો કરતી સરકારી કંપનીઓ વેચવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. સરકારની વ્યૂહરચના એવી હોય છે કે જે સરકારી કંપની નફો કરતી હોય તેને પહેલાં ખોટ કરતી બનાવી દેવી અને પછી કોઈ યોગ્ય ગ્રાહક શોધીને વેચી મારવી. એર ઇન્ડિયા જેવી જાયન્ટ કંપની વેચવા માટે આ મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવી હતી. હવે એમટીએનએલ અને બીએસએનએલ જેવી કંપનીઓને વેચવા માટે તેનો વહીવટ બગાડવામાં આવી રહ્યો છે. તે ખોટ ખાતી થઈ જશે તે પછી તેને પણ વેચી મારવામાં આવશે. કદાચ રિલાયન્સ જિયો જેવી કોઈ કંપની સરકારી ટેલિકોમ કંપનીઓ ખરીદવા તૈયાર થઈ જશે.
હવે પબ્લિક સેક્ટરની કંપનીઓની વધારાની જમીનો વેચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ લેન્ડ મોનેટાઇઝેન કોર્પોરેશન નામની સ્વતંત્ર કંપની ઊભી કરવામાં આવી છે. આ કંપનીની ઓથોરાઈઝ્ડ શેર કેપિટલ ૫,૦૦૦ કરોડ રૂપિયાની હશે અને પેઈડ અપ કેપિટલ ૧૫૦ કરોડ રૂપિયાની હશે. શરૂઆતમાં સરકારની માંદી પડી ગયેલી ૧૯ કંપનીઓની આશરે ૫,૦૦૦ એકરથી વધુ જમીન વેચાણ માટે મૂકવામાં આવશે. આ ૧૯ પૈકી ૨ કંપનીઓ તો બંધ થઈ ગઈ છે. બાકીની ૧૭ બંધ થવાની તૈયારીમાં છે. આ કંપનીઓની હજારો એકર જમીન વેચાઈ રહી ન હોવાને કારણે તેમને બંધ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ જમીનો વેચાઈ જાય તે પછી બીજી સરકારી કંપનીઓની જમીનો પણ વેચાવા આવશે. પછી તો કોઈ પણ સરકારી જમીન ખરીદવી હોય તો આ કંપનીનો જ સંપર્ક સાધવાનો રહેશે. આ જમીનો ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવા માટે આવતી વિદેશી કંપનીઓને વેચવામાં આવશે. દેશની જમીન વિદેશીઓને વેચવાનું આ કૌભાંડ છે.
ભારતનો જો કોઈ સૌથી મોટો જમીનદાર હોય તો સરકાર છે. સરકારી કંપનીઓ દ્વારા દાયકાઓ પહેલાં દેશનો વિકાસ કરવાના નામે પ્રજાની લાખો એકર જમીનો પાણીના ભાવે સંપાદિત કરવામાં આવી હતી. રેલવે, રોડ, બંદરો, વિરાટ ડેમો, કારખાનાંઓ, એર પોર્ટ વગેરે બાંધવા માટે જમીન સંપાદન કાયદાનો ઉપયોગ કરીને લાખો લોકોને બેઘર બનાવીને તેમની જમીન હસ્તગત કરવામાં આવી હતી. તેમાંની કેટલીક જમીનોનો ઉપયોગ કરવામાં આવ્યો તો કેટલીક જમીનો વપરાયા વગરની પડી છે. કેટલીક જમીનો પર અતિક્રમણ થયું છે તો કેટલીક જમીનો પર ગેરકાયદે વસાહતો ઊભી થઈ ગઈ છે. જમીન સંપાદન કાયદા મુજબ જો સરકારે સંપાદિત કરેલી જમીનનો તેના મૂળ હેતુ માટે ઉપયોગ ન થતો હોય તો સરકારે તે જમીન તેના મૂળ માલિકોને પાછી આપવાની હોય છે. સરકારની દાનત ખોરા ટોપરા જેવી હોવાથી સરકાર તે જમીનો પાછી આપતી નથી. મૂળ માલિકો કેસ કરે ત્યારે તે કેસ વર્ષો સુધી ચાલતા હોય છે. હવે સરકાર તેની કંપનીઓની માલિકીની લાખો એકર જમીનો ધીમે ધીમે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનને હવાલે કરી દેશે. તેની પાસે નિષ્ણાતોની ટીમ હશે, જેને લફરાંવાળી જમીનો વેચવાનો અનુભવ હશે. આ રીતે હજારો એકર લફરાંવાળી સરકારી જમીનો વેચવામાં અબજો રૂપિયાનાં કૌભાંડો કરવાનો અવકાશ છે. ભારત સરકારના સંરક્ષણ ખાતા પાસે સૌથી વધુ ૧૭.૯૯ લાખ એકર જમીન છે. તે પૈકી માત્ર ૧.૬૧ લાખ એકર જમીન જ દેશના ૬૨ નોટિફાઇડ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં છે. બાકીની ૧૬.૩૮ લાખ એકર જમીન કેન્ટોન્મેન્ટ વિસ્તારની બહાર છે. તે પૈકી ૧૮,૦૦૦ એકર જમીન સરકારનાં વિવિધ ખાતાંઓને લીઝ પર આપવામાં આવી છે કે વેચવામાં આવી છે. તેમાંની કેટલી જમીનો સલામત છે અને કેટલી પર અતિક્રમણ થઈ ગયું છે, તેનો સર્વે પણ કરવામાં આવ્યો છે.
સંરક્ષણ ખાતા પછી જમીનોની માલિકી બાબતમાં રેલવેનો નંબર આવે છે. રેલવે પાસે ૧૧.૮૦ લાખ એકર જમીન છે, જેમાંની ૧૦.૫૫ લાખ એકર જમીન વપરાશમાં છે, જ્યારે ૧.૨૫ લાખ એકર જમીન ખાલી છે. આ ખાલી જમીનો રેલવે ટ્રેકની આજુબાજુ પટ્ટાના રૂપમાં છે. તેનો ઉપયોગ રેલવે લાઇનના વિસ્તરણ માટે અને નવી લાઇનો નાખવા માટે કરવામાં આવે છે. રેલવે દ્વારા હવે તેની જમીનોનું મોટા પાયે મોનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનો પણ મોટી કંપનીઓને લીઝ પર આપવામાં આવી રહ્યાં છે. આખી ટ્રેનો પ્રાઇવેટ કંપનીઓને વેચવામાં આવી રહી છે. જો રેલવેનું ખાનગીકરણ થશે તો આ બધી જમીનો પણ વેચવામાં આવશે.
સરકાર દ્વારા જે જમીનો ખરીદવામાં આવી હતી તે પ્રજાના ટેક્સના રૂપિયામાંથી ખરીદવામાં આવી હતી અને તે જમીનો પણ પ્રજાની હતી. જમીન સંપાદનના અન્યાયી કાયદાઓનો ઉપયોગ કરીને આ જમીનો હકીકતમાં પ્રજા પાસેથી પડાવી લેવામાં આવી હતી. ક્યાંક તો પોલીસનો અને ક્યાંક લશ્કરનો પણ ઉપયોગ કરીને આ જમીનો હસ્તગત કરવામાં આવી હતી. તેની સામે જમીનમાલિકોને મામૂલી વળતર જ આપવામાં આવ્યું હતું. આ જમીનોનો વિકાસ કરવામાં આવ્યો તેને કારણે તેની કિંમત સેંકડો કે હજારો ગણી થઈ ગઈ છે. સરકાર આ જમીન તેના મૂળ માલિકોને પાછી આપવાને બદલે દેશમાં ઉદ્યોગો સ્થાપવા આવતી વિદેશી કંપનીઓને વેચવા માગે છે. સરકાર આત્મનિર્ભર ભારતના કાર્યક્રમ હેઠળ વિદેશી કંપનીઓને ભારતમાં મોટર કાર, વિમાનો, સબમરીનો, યુદ્ધ જહાજો, વીજળીનાં કારખાનાંઓ વગેરે સ્થાપવા બોલાવી રહી છે. તેમના માટે જમીનો ખરીદવી તે કઠિન કામ બની ગયું છે. હવે સરકાર પ્રજાની જમીનો તેમને વેચશે.
સરકારી જમીનો વેચવા માટે નવી કંપની બનાવવાનો વિરોધ કરનારા કહે છે કે સરકાર છેલ્લાં ૨૩ વર્ષથી સરકારી કંપનીઓ વેચી રહી છે. તેમાં હજારો એકર જમીન પણ વેચાઈ ગઈ છે. તેમાં સરકારી અધિકારીઓ સામે સંખ્યાબંધ કેસો કરવામાં આવ્યા છે, પણ કોઈ કેસમાં સરકારી કર્મચારીને સજા થઈ નથી. જો આ પદ્ધતિ બરાબર કામ કરતી હોય તો સરકારી જમીનો વેચવા માટે નવી કંપની ઊભી કરવાની શું જરૂર છે? તેનો જવાબ એ છે કે વર્તમાનમાં જો કોઈ વિદેશી કંપની ભારતમાં સરકારી જમીન ખરીદવા માગતી હોય તો તેણે અનેક કંપનીઓ અને સરકારી ખાતાંઓ સાથે કામ કરવું પડે છે, જેમાં વિલંબ થાય છે અને લાંચ પણ આપવી પડે છે. તેને બદલે તેને એક જ કંપની સાથે કામ પાડવાનું હોય તો સરળતા રહેશે. સરકાર વિદેશી કંપનીઓ સહેલાઈથી જમીનો ખરીદી શકે તે માટે કેન્દ્રીકરણ કરી રહી છે. તેમાં ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ થઈ જશે.
સરકાર દ્વારા સરકારી કંપનીઓના વેચાણ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ (દીપમ) નામની કંપનીની રચના કરવામાં આવી છે. તેને પણ સરકારી કંપનીઓની જમીનો વેચવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેને કારણે હવે સરકારી જમીનો વેચવા બાબતમાં બે સરકારી કંપનીઓ વચ્ચે હરીફાઈ થશે. તેને કારણે ગૂંચવાડો વધશે. આપણી સરકાર દ્વારા જે મોનેટાઇઝેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તે શબ્દ જ ખતરનાક છે. તેના થકી પ્રજાની આંખમાં ધૂળ નાખીને દેશની સંપત્તિ વિદેશીઓને વેચવામાં આવી રહી છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.