ગાંધીનગર : ગુજરાતમાં હવે પ્રતિદિન કોરોનાના ( CORONA) 12,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે, તેમાંયે ઓક્સિજન ( OXYZEN) નું લેવલ નીચે ઉતરી જતું હોય તેવા દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે. તેમાંયે હવે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન બેડ કે વેન્ટિલેટરની સુવિધા નહીં મળવાના કારણે કેટલાયે દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યાં છે . અમદાવાદમાં વિઝિટિંગ ફિઝિશ્યન કે એમડી મેડિસિન દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓની સારવા હવે ઘરે જ કરાઈ રહી છે, ત્યારે અમદાવાદ મનપાએ હવે ઘરે સારવાર લેતા દર્દીઓ માટે રેમડેસિવર ( REMDESIVIR) ઈન્જેકશન આપવાનું બંધ કરી દીધુ છે. જેના પગલે મોટો વિવાદ સર્જાયો છે.સીએમ વિજય રૂપાણી ( VIJAY RUPANI) કહે છે કે રેમડેસિવિર ઈન્જેકશનો પહેલા હોસ્પિટલોને આપવામાં આવશે. ત્યાર બાદ વધે તો હોમ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને અપાશે.
ગાંધીનગરમાં કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, રેમડેસિવિરનું ઉત્પાદન જ ઓછું છે. આખા દેશમાં તંગી છે, જે આવે છે એમાં પહેલા હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાનમાં લેવાશે, કેમ કે દાખલ થયેલા દર્દીઓ વધુ ગંભીર માની શકાય. તેમણે જણાવ્યું હતું કે રેમડેસિવિર માટે સરકાર પહેલા હોસ્પિટલને આ ઈન્જેકશન આપશે . આ ઈન્જેકશનનું ઉત્પાદન વધશે ને વધારે જથ્થો આવશે તો અમે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે આપીશું, બાકી નહીં આપી શકીએબીજી તરફ હોસ્પિટલ અને નર્સિગ એસો.ના સત્તાવાર સૂત્રોએ એવી રજૂઆત કરી હતી કે સરકારે ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેકશન આપવા જોઈએ.આ ઉપરાંત સરકારે વહેલી તકે હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવો જોઈએ.
કોરોના એ હવે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોના હવે જીવલેણ બની ચૂક્યો છે, ત્યારે રાજ્યભરમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત સર્જાઈ છે. તેવામાં રાજ્ય સરકાર અને હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (આહના) સામસામે આવી ગયા છે. આહનાએ રાજ્ય સરકારને કહ્યું છે કે સત્તાધીશો અમને ધમકી આપવાનો પ્રયાસ ન કરે ઇન્જેક્શન ક્યારે આપવું એ ડૉક્ટરોને નક્કી કરવા દો. સરકાર ઓક્સિજન અને ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરે. અમદાવાદ મનપા દ્વારા હાલમાં હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (આહના)ને રેમડેસિવિર ઈન્જેકશન આપવાનું બંધ કર્યું છે. પરિણામે વિવાદ ઉભો થયો છે, હોમ કવોરેન્ટાઈન થયેલા દર્દીઓને ઇન્જેક્શનો મળી રહ્યા નથી. સરકારે જાહેરાત કરી છે કે રેમડેસિવિર ઇન્જેક્શનો હોસ્પિટલોમાં પહેલા આપવામાં આવશે, ત્યારબાદ હોમ આસોલેશનમાં રહેલા દર્દીઓ માટે ઇન્જેક્શન પાડવામાં આવશે. બીજી તરફ આહનાના સૂત્રોએ જણાવ્યું હતું કે જે લોકોને હોસ્પિટલમાં બેડ મળ્યા નથી, તેવા દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન થઈને ઘરે સારવાર લઇ રહ્યા છે. અમે ક્યારેય હોમ ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓ માટે ઇન્જેક્શન માંગ્યા નથી. સરકાર ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા પૂરી પાડે. ક્યારે અને કોને રેમડેસિવિર ઇન્જેકશન આપવું તે ડોક્ટરને નક્કી કરવાનું છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે ઝઝૂમી રહ્યા છે, એટલે રેમડેસિવિર ઈન્જેકશન ક્યારે અને કોને આપવું તેનો અનુભવ ડોકટરોને છે.