Charchapatra

૧૯૬૦ થી ૧૯૯૦ સુધીની પેઢી ખરેખર કાબિલેતારીફ છે

આ પેઢીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓએ જબરદસ્ત પરિવર્તન જોયું અને તેને પાછું આત્મસાત્ પણ કર્યું. આ પેઢીએ ૧_૨_૫_૧૦_૨૦_૨૫_અને ૫૦ પૈસાના સિક્કા જોયા. ૨૦ પૈસાનો તાંબાનો સિક્કો ત્યારે બહુ કિંમતી હતો. તેઓએ કાળાં પાટિયાં ચોકથી લઈ પેન્સિલ, પેન અને હવે સ્માર્ટ ફોન લેપટોપ સુધી આ પેઢીએ તેમનાં વરસોમાં પણ ટેકનોલોજી સાથે સરળતાથી અનુકૂલન સાધ્યું છે. તેમના સમયમાં સાદી સાયકલ પણ એક વૈભવ હતો. હવે સ્કુટર પણ ચલાવે છે અને વૃદ્ધાવસ્થામાં કાર પણ ચલાવે છે.

તેઓએ ઘણું બધું જોયું છે, સહન કર્યું છે છતાં મૂલ્યોમાં ઊંડાં મૂળિયાં રહ્યાં છે. ટેપરેકોર્ડર અથવા ટ્રાન્ઝિસ્ટર એ સમયે બહુ કિંમતી સંપત્તિ હતી. તેઓ છેલ્લી પેઢી હતા જેમનું બાળપણ માર્કશીટ કે ટી.વી. કે મોબાઈલ દ્વારા ચોરાયું ન હતું. તેઓ ટાયર અને લખોટીઓનો ઉપયોગ કરી રમતો રમતા હતા અને ક્યારેય શરમ અનુભવતા નહોતા. કાચી કેરી તોડવી એ ચોરી નહોતી. કોઈ પણ સમયે પડોશીઓનો દરવાજો ખટખટાવી શકતા હતા. સંબંધો ૧૦૦ ટચના હતા. મિત્રની માતા દ્વારા ભોજન મેળવવું એ ઉપકાર નહોતો અને મિત્રના પિતા દ્વારા ઠપકો આપવાથી અહંકારને નુકસાન થતું નહોતું.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એક ભગીરથ કાર્ય
વર્તમાન સમયમા શાળાના પાઠ્યપુસ્તકોની કિમત આસમાને પહોંચી છે ત્યારે ગરીબ વિધ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોનો ખર્ચ ઉઠાવવો ખુબ જ મુશ્કેલ બન્યો છે. આવા સંજોગોમા આપણા સુરત શહેરના શિક્ષણ વિભાગની કચેરીના એક ઉચ્ચ અધિકારીએ શાળાઓ પાસે જુના પાઠ્યપુસ્તકો એકત્ર કરીને જરુરિયાતમંદ વિધ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું એક ભગીરથકાર્ય આરંભ્યું છે. જે એમની શિક્ષણ પ્રત્યેની પોતાની ફરજ અને નિષ્ઠાના દર્શન કરાવે છે. આજના સમયમા આવા ઉમદા વિચારધારાવાળા ઉચ્ચ અધિકારીઓ આંગળીના વેઢે ગણાય એટલા જ છે ત્યારે આવા અધિકારીને સહયોગ આપીને તેમના ભગીરથકાર્યમાં સહભાગી ન થઇ શકીએ?
સુરત     –  ચંદ્રકાંત સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top