કાનપુર: (Kanpur) ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New zealand) વચ્ચે બે મેચની ટેસ્ટ (Test) શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં (Draw) સમાપ્ત થઈ હતી. મેચના અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 284 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 9 વિકેટના નુકસાને 165 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 4 અને આર અશ્વિને ત3 વિકેટ લીધી હતી. આ પહેલા ચોથા દિવસે ભારતે તેનો બીજો દાવ 7 વિકેટે 234 રને ડિકલેર કર્યો હતો.
આજે પહેલી ટેસ્ટની પાંચમા દિવસની રમતે ભારતને પહેલાં સેશનમાં એક પણ વિકેટ નહીં લેવું મોંઘું પડી ગયું છે. આજે ન્યૂઝીલેન્ડના પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા હતા. 52 બોલ લગભગ 9 ઓવર નાંખવા છતાં ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડની એક વિકેટ ખેરવી શક્યા નહોતા. ન્યૂઝીલેન્ડના 10માં અને 11 નંબરના બેટ્સમેનો 52 બોલ રમ્યા હતા. રચિન રવિન્દ્ર તો 91 બોલ રમી ગયો હતો. આખરે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો મેચ ને ડ્રો કરવામાં સફળ રહ્યાં હતાં અને ભારતીય ટીમે જીતની બાજી હોવા છતાં ડ્રો થી સંતોષ માનવો પડ્યો હતો.
આજે મેચના પાંચમા દિવસે નાઈટ વોચમેન (Night Watchman) સોમરવિલે (Sommerville) સાથે ટોમ લાથમે (Tom Latham) સતર્ક શરૂઆત કરી હતી. લંચ સુધી બંને સારી રમત દાખવી હતી. ટોમ લેથમ અને સોમરવિલેએ બીજી વિકેટ માટે 193 બોલમાં 76 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. લંચ પછીના પહેલાં બોલ પર ઉમેશ યાદવે સોમરવિલેની વિકેટ લઈને ભારતીય ટીમને બીજી વિકેટ અપાવી હતી. શુભમન ગિલે ડિપ ફાઈન લેગ પર શાનદાર ડાઈવ કરી સોમરવિલેનો કેચ પકડ્યો હતો. આ સાથે જ ગ્રીન પાર્કમાં ચોથી ઈનિંગમાં સૌથી વધુ ઓવર રમવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડે પોતાના નામે કર્યો છે. આ અગાઉ 45 વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડે 117 ઓવર બેટિંગ કરી હતી.