Surat Main

પિતાએ ગુટખા ખાવા માટે 12 વર્ષના પુત્રને પુલની પાળી પર બેસાડ્યો અને તે નદીમાં પડી ગયો

સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે પુલ પર લોકો એકત્ર થઇ ગયા હતા. ફાયર જવાનોએ બે કલાક સુધી તાપી નદીમાં શોધખોળ કર્યા બાદ પાણીનું વહેણ વધુ હોવાથી બાળકની કોઇ ભાળ મળી ન હતી.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે બપોરના અઢી વાગ્યાના અરસામાં કોસાડ આવાસમાં રહેતો સૈયદ શેખ તેના 12 વર્ષીય પુત્ર જાકીર શેખને નાનપુરાના મક્કાઇપુલ પર રમાડવા માટે લાવ્યો હતો. દરમિયાન મક્કાઇપુલની પાળી પર પુત્ર જાકીરને બેસાડ્યો હતો. તે દરમિયાન પિતા સૈયદ શેખ પુત્રને પાળી પર બેસાડીને ત્યાંથી આશરે પાંચેક ફુટ દૂર જઇને ગુટખા ખાવા ગયો હતો તે દરમિયાન અચાનક પુત્ર જાકીર તાપી નદીમાં પાણીમાં પડી ગયો હતો.

આ ઘટનાને લઇને ત્યાં દોડધામ મચી ગઇ હતી. મક્કાઇપુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા મુગલીસરા અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયર જવાનોએ તાપી નદીમાં બે કલાક સુધી શોધખોળ કરી હતી પરંતુ પાણીનું વધુ વહેણ હોવાથી કોઇ ભાળ મળી ન હતી.

સેલ્ફી ખેંચતી વખતે બાળક તાપી નદીમાં પડી ગયો હોવાની વાત વહેતી થઇ

બપોરે પોણા ત્રણ વાગ્યે નાનપુરાના મક્કાઇપુલ પર પિતાએ પુત્રને પુલની પાળી પર બેસાડીને સેલ્ફી ફોટો ખેંચતી વેળાએ પુત્ર તાપી નદીમાં પડી ગયો હોવાનું વધુ એક વાત વહેતી થઇ હતી. મક્કાઇપુલ પર એકત્ર થયેલા લોકોનું એમ પણ કહેવું હતું કે બાળક તાપી નદીમાં પડી ગયો તેના અડધો કલાક બાદ પિતાએ પછી ફાયર વિભાગને જાણ કરતાં આટલું મોડું કેમ કર્યું તે અંગે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

Most Popular

To Top