નવસારી: પારડી ગામે શેરડી ભરવા આવેલા ટ્રકના ચાલકે ખેતરમાં રમતા મજુરના બાળકને અડફેટે લેતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાકરી તાલુકાના મડગાંવ અને હાલ જલાલપોર તાલુકાના પારડી ગામે તળાવની બાજુમાં પડાવમાં શંકરભાઈ નામદેવભાઈ સોનવણે તેમના પરિવાર સાથે રહે છે.
પારડી ગામની સીમમાં આવેલા મયુરભાઈ કાંતિભાઈ પટેલના શેરડીના ખેતરમાં મજુરીકામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ગત 14મીએ શંકરભાઈ તેમની પત્ની અને પુત્રી ખુશી (ઉ.વ. 9) તેમજ પુત્ર સાઈ (ઉ.વ. 8) સાથે મજુરીકામ અર્થે ખેતરે ગયા હતા. જ્યાં શંકરભાઈની પુત્રી અને પુત્ર અન્ય મજુરોના બાળકો સાથે રમતા હતા. દરમિયાન મૂળ મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકાના વસલાઈ ગામે અને હાલ ગણદેવી સુગર ફેક્ટરીમાં રહેતા કલ્પેશ સિંગા વળવી ટ્રક (નં. જીજે-18-યુ-6938) લઈને શેરડી ભરવા માટે આવ્યો હતો. ત્યારે કલ્પેશ ફક્ત ટર્ન મારવા માટે ટ્રક ખેતરમાં લાવ્યો હતો. ટ્રક રીવર્સ લેતી વખતે શંકરભાઈ ટ્રકની પાછળ ઉભા રહી એને દિશા નિર્દેશ કરી રહ્યા હતા. ત્યારબાદ કલ્પેશે ટ્રક ખેતરની બહાર લઈ ગણદેવી સુગર ફેક્ટરી જવા નીકળી ગયો હતો.
જો કે ત્યારબાદ શંકરભાઈને તેમનો પુત્ર સાઈ અન્ય મજુરોના બાળકો સાથે રમતો દેખાયો ન હતો. જો કે સાઈ ક્યાંક રમતો હશે તેવું માની શંકરભાઈએ તેની શોધખોળ કરી ન હતી. જ્યારે સાંજે શંકરભાઈ અને તેમની સાથેના મજૂરો પડાવમાં જવા નીકળ્યા ત્યારે તમામ બાળકોને બોલાવ્યા હતા, પરંતુ સાઈ ક્યાંય દેખાયો ન હતો. જેથી શંકરભાઈ અને અન્ય મજૂરો સાઈને શોધી રહ્યા હતા.
દરમિયાન શંકરભાઈના પુત્ર સાઈની શેરડીના ઢગલા પરથી લાશ મળી આવી હતી. જેનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો અને નાકમાંથી લોહી નીકળતું હતું તેમજ ડાબા પગ પર ઘસરકાની ઈજા હતી. સાઈની લાશ મળી હતી ત્યાં સવારે શેરડી ભરવા માટે કલ્પેશ જે ટ્રક (નં. જીજે-18-યુ-6938) તે જગ્યાએ ટર્ન મારતો હતો. જેથી ટ્રક ચાલક કલ્પેશે સાઇને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જણાયું હતું. આ બાબતે શંકરભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટ્રક ચાલક કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એમ. મોર્યએ હાથ ધરી છે.
વાંક કોનો? ટ્રકચાલકનો, મૃતક તરૂણના પિતાનો કે નસીબનો?
8 વર્ષના તરૂણના કચડાઈ મરવાની ઘટના અત્યંત દારૂણ છે. હકીકતમાં જ્યારે ટ્રકચાલક ટર્ન મારવા ખેતરમાં ઘૂસતો હતો, ત્યારે ખેતરમાં કેટલાક મજૂરોના બાળકો રમી રહ્યા હતાં. તે વખતે મૃતક સાઈના પિતા શંકરભાઈએ જ ટ્રકચાલકને ટર્ન મારવામાં મદદ કરી હતી. સાઈડ બતાવવા કે ટ્રકને આગળ પાછળ કરાવવામાં શંકરભાઈ ટ્રકચાલકની મદદે પહોંચ્યા હતાં. ટ્રકની આ ગતિવિધિ દરમિયાન જ સાઈનું ટ્રક અડફેટે મોત નીપજ્યાનું માનવામાં આવી રહ્યું છે.