Editorial

ઓલીની ભાગવાની ઘટના નવી નથી, ખોટા નિર્ણયો લેનાર શાસકે હંમેશા ભાગવું જ પડ્યું છે

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો અને નેપાળ સળગી ઉઠ્યું. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. દેશવાસીઓના રોષને કારણે ઓલીએ ભાગવું પડ્યું છે પરંતુ આ રીતે ઓલી ભાગ્યા તે કોઈ નવી ઘટના નથી. વિશ્વના અનેક દેશો છે કે જે દેશના શાસકો દ્વારા જ્યારે પણ ખોટા નિર્ણયો લેવામાં આવ્યા ત્યારે દેશવાસીઓનો રોષ જાગ્યો જ છે અને જે તે શાસકે દેશ છોડીને ભાગવું જ પડ્યું છે. કેટલીક વખત કારણ અલગ પણ હોય છે પરંતુ જે તે દેશના શાસકે ભાગવું પડ્યું તે હકીકત છે.

છેલ્લા એક દાયકામાં અનેક શાસકો એવા છે કે જેણે પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું હોય. થોડા સમય પહેલા બાંગ્લાદેશમાં આંદોલનોને કારણે ભારે હિંસા ફાટી નીકળી હતી. પરિણામ એ આવ્યું કે વડાપ્રધાન શેખ હસીનાએ ખાસ પ્લેનમાં ભારતમાં ભાગી આવવું પડ્યું હતું. શેખ હસીના એક વર્ષથી ભારતમાં જ રહે છે. આવી જ સ્થિતિ થોડા સમય પહેલા સિરિયાના ક્રુર શાસક રાષ્ટ્રપતિ બશર અલ અશદની પણ થઈ હતી.

બશર અલ અશદ સામે જોરદાર બળવો થતાં તે ડિસેમ્બર 2024માં પોતાના પ્રાઈવેટ પ્લેનમાં કરોડો રૂપિયા અને સોનું લઈને રશિયા ભાગી ગયો. 2022માં જ્યારે શ્રીલંકામાં આર્થિક સ્થિતિ વિકટ બની અને મોંઘવારી આસમાને પહોંચી ત્યારે ત્યાંની પ્રજાનો રોષ પણ બહાર આવ્યો હતો. પેટ્રોલનો ભાવ 600 રૂપિયા લીટર થઈ જતાં શ્રીલંકાની પ્રજા વિફરી હતી અને તેને કારણે શ્રીલંકના રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેએ શ્રીલંકા છોડીને ભાગવું પડ્યું હતું. રાજપક્ષે હાલમાં પરિવાર સાથે માલદીવ્સમાં રહે છે. ૉ

અફઘાનિસ્તાનમાં પણ તત્કાલિન રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીને ભાગવું પડ્યું હતું. 2021માં તાલિબાને અફઘાનિસ્તાનમાં બળવો કર્યો અને કબજો કરી લીધો ત્યારે ગની પણ પરિવાર સાથે ખાનગી પ્લેનમાં યુએઈ ભાગી ગયા હતા. હાલમાં તેઓ યુએઈમાં આશ્રય લઈ રહ્યા છે. આર્થિક સંકટને કારણે ઈકવાડોરમાં જ્યારે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ જોર્ગે જમીલ માહોદના ખોટા નિર્ણયોને કારણે દેશની હાલત ખરાબ થઈ ગઈ ત્યારે ત્યાં પણ ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

આંદોલનને કારણે તેમણે રાજીનામું આપી દીધું અને બાદમાં પોતાનો દેશ છોડીને જમીલ પડોશી દેશ કોલંબિયામાં ભાગી ગયા હતા. ઈથોપિયામાં પણ જ્યારે જુલ્મ અને અત્યાચારો વધી ગયા ત્યારે ત્યાંના શાસક  મેંગિત્સુ હેલિ મરિયમે પણ દેશ છોડવો પડ્યો હતો. લશ્કરી અધિકારીમાંથી નેતા અને પછી દેશના શાસક બનેલા મરિયમના સમયમાં દેશમાં મોટા પાયે હત્યાઓ થઈ અને લોહીની નદીઓ વહેતી થતાં આખરે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેઓ ઝિમ્બાબ્વે ભાગી ગયા હતા.

અફઘાનિસ્તાનમાં સને 81-88 અને 89-90માં સુલતાન અલી કેશમંદ દેશના વડા હતા પરંતુ જ્યારે તેમની સરકારને ઉથલાવી દેવામાં આવી ત્યારે તેઓ પોતાનો જીવ બચાવવા માટે બ્રિટન ભાગી ગયા હતા અને હાલમાં બ્રિટનમાં જ રહે છે. આ જ રીતે 1974માં આર્જેન્ટિનાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનેલા ઈસાબેલ માર્ટિનેઝ પેરોને પણ લશ્કરી બળવાને કારણે સત્તા છોડવી પડી હતી. પાંચ વર્ષ સુધી તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેઓ સ્પેનમાં ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. હાલમાં પણ તેઓ સ્પેનમાં રહે છે. આવી જ રીતે

ઝાંઝીબારના સુલતાન અબ્દુલ્લા અલ સૈયદ ત્યાંના શાહી પરિવારના છેલ્લા શાસક હતા, પરંતુ 1964માં દેશમાં ક્રાંતિ પછી તેમને ત્યાંથી ભાગી જવું પડ્યું. પહેલા તેઓ ઓમાન ભાગી ગયા અને પછી ત્યાંથી બ્રિટન ગયા, આજે પણ તેઓ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. ઈજિપ્તમાં પણ જ્યારે 1952માં ક્રાંતિ થઈ ત્યારે ત્યાંના રાજા મોહમ્મદ અલીએ દેશ છોડવો પડ્યો હતો. દુનિયામાં આ ઘટનાઓ એવું બતાવી રહ્યા છે કે જ્યારે શાસકોનો જુલ્મ અસહ્ય થઈ જાય ત્યારે લોકો બળવો કરે છે. ખોટા નિર્ણયોને કારણે વધતી મોંઘવારી અને જીવનનિર્વાહ કરવો અઘરો બની જાય ત્યારે લોકોરોષ એવો વિસ્ફોટક બને છે કે શાસકે ભાગવું જ પડે તે નક્કી છે.

Most Popular

To Top