Top News

શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરું બન્યું: કાગળોની અછતના પગલે પરીક્ષા રદ, પેટ્રોલ પંપ પર સેના તૈનાત

શ્રીલંકા: પાડોશી દેશ શ્રીલંકા હાલમાં ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અનેક જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને છે. ડીઝલ-પેટ્રોલ અને ગેસના મામલામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને બીજી તરફ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે. હવે સ્થિતિ એટલી બગડી છે કે શ્રીલંકાની સરકારે પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો પર સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે પેટ્રોલ માટે લાઈનમાં ઉભેલા બે લોકોના મોત થઈ ગયા હતા.

શ્રીલંકા, જે 1970 ના દાયકાના દુષ્કાળ જેવી ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં માત્ર ડીઝલ-પેટ્રોલના ભાવ જ નથી વધ્યા પરંતુ તેની અછત પણ જોવા મળી છે. જેના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. તેલ ખરીદવા માટે હજારો લોકો કલાકો સુધી કતારમાં ઉભા છે. અહેવાલમાં શ્રીલંકાના સેનાના પ્રવક્તા નીલાન્થા પ્રેમરત્નેના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ પંપ પર સેના તૈનાત કરવાનો નિર્ણય કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા બાદ ત્રણ વૃદ્ધોના મોત બાદ લેવામાં આવ્યો હતો.

તેલના અયોગ્ય વિતરણ અને સંગ્રહખોરીની ફરિયાદો બાદ નિર્ણય
પ્રેમરત્નેના મતે સેના માત્ર તેલ વિતરણમાં મદદ કરશે. ભીડને કાબૂમાં રાખવાનું કામ સેનાનું નથી. તેમણે કહ્યું કે દેશના તમામ પેટ્રોલ પંપ પર ઓછામાં ઓછા 2-2 સૈનિકો તૈનાત કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે સૈન્યની તૈનાતી લોકોની મદદ માટે છે, લોકોના માનવ અધિકાર છીનવી લેવા માટે નથી. સરકારના પ્રવક્તા રમેશ પથિરાનાનું કહેવું છે કે તેલના અયોગ્ય વિતરણ અને સંગ્રહખોરીની ફરિયાદો મળ્યા બાદ સેનાને તૈનાત કરવામાં આવી રહી છે.

Crisis3

વીજ પુરવઠો ખોરવાયો, પાવર કટની સ્થિતિ
કોલંબોમાં પોલીસ પ્રવક્તા નલિન થલાડુવાએ જણાવ્યું હતું કે બંને પીડિત 70 વર્ષથી વધુ ઉંમરના હતા. બંને અલગ અલગ જગ્યાએ પેટ્રોલ અને કેરોસીન માટે પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ સિવાય, વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે. ઘણા સમયથી પાવર કટની સ્થિતિ છે. વીજળી માત્ર આવશ્યક સેવાઓ માટે જ ઉપલબ્ધ છે. મૃત્યુ પામનાર 70 વર્ષનો ઓટો ડ્રાઈવર હતો. આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે દેશની એકમાત્ર ઓઇલ રિફાઇનરીનું કામ અટકી ગયું છે. એટલું જ નહીં એલપીજીની પણ અછત છે. શ્રીલંકામાં આ દિવસોમાં 12 કિલોનો LPG સિલિન્ડર 1,359 રૂપિયામાં મળી રહ્યો છે.

કાગળની અછતના પગલે પરીક્ષા રદ
દેશમાં પ્રવર્તી રહેલા સંકટની અસર વિદ્યાર્થીઓ પર પણ જોવા મળી રહી છે. દેશમાં કાગળની અછતને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરવી પડી હતી. હકીકતમાં, શ્રીલંકા તેની જરૂરિયાતો માટે કાગળની આયાત કરે છે અને ડૉલરની અછતને કારણે તે તેની આયાત કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં તેમની સામે માત્ર પરીક્ષાઓ રદ કરવાનો જ રસ્તો હતો. શિક્ષણ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે દેશમાં શાળાની પરીક્ષાઓ સોમવારથી યોજાવાની હતી, પરંતુ કાગળની અછતને કારણે તે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

Crisis4

શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાના આરે
શ્રીલંકામાં તેલ સહિત આવશ્યક ચીજવસ્તુઓની અછતને કારણે ઘણી જગ્યાએ છૂટાછવાયા હિંસાના અહેવાલો છે. પોલીસે જણાવ્યું કે સોમવારે આવી જ એક ઘટનામાં એક વ્યક્તિને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. થ્રી-વ્હીલરના ચાલક સાથે થયેલી બોલાચાલી બાદ આ ઘટનાએ હિંસક વળાંક લીધો હતો. આ અગાઉ ત્રણ વૃદ્ધોના તડકામાં કલાકો સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. અધિકારીઓને આશા છે કે સેનાની તૈનાતી બાદ સ્થિતિ સુધરશે. ડીઝલ-પેટ્રોલ ઉપરાંત શ્રીલંકામાં જરૂરી ખાદ્ય ચીજોની પણ અછત સર્જાઈ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સરકાર આર્થિક ઈમરજન્સી લાદવાને આરે આવી છે. શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાના આરે છે અને ચલણ (શ્રીલંકાના રૂપિયા)નું મૂલ્ય વિક્રમી નીચી સપાટીએ છે. હાલની સ્થિતિ એ છે કે દેશમાં ચોખા અને ખાંડની પણ અછત સર્જાઈ છે. આ બધાની ઉપર, અનાજનો સંગ્રહખોરી સમસ્યાને વધુ વકરી રહી છે.

Most Popular

To Top