રાષ્ટ્રીય મુસ્લિમ મંચના એક કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફિતખાર અહમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તક ધી મિટિન્ગસ ઓફ માઈન્ડસના વિમોચન પ્રસંગે આરએસએસના વડા શ્રી મોહન ભાગવતે તેમના સુંદર પ્રવચનમાં કહ્યું કે આપણા દેશમાં રહેતો નાગરિક કોઇ પણ ધર્મનું અનુસરણ કરતો હોય પણ તેનું DNA તો ભારતીય જ છે. માત્ર પૂજા કરવાની પદ્ધતિના કારણે તેમને જુદાં પાડી શકાય નહિ. 40000 વર્ષોથી આપણે એક સરખા જ પૂર્વજોના વંશજો છીએ. આપણા સૌના પૂર્વજો એક જ છે. આથી હિન્દુ અને મુસ્લિમ જેવા ભાગ પાડી શકાય નહિ. દેશમાં વસતાં તમામ નાગરિકો ભારતીય જ છે! હિન્દુ અને મુસ્લિમ અલગ છે તેવી વાતો ભ્રામક છે. માત્ર ધર્મ અલગ હોવાથી તમે જુદા થઇ જતા નથી.
કોઇ કહે ઇસ્લામ ખતરામાં છે તો તે વાતથી ભરમાશો નહિ.કોઇ કહે કે આ હિન્દુઓનો દેશ છે-આ હિન્દુ રાષ્ટ્ર છે અને મુસ્લિમો અહીંય રહી શકે નહિ તો તેઓ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેવી રીતે મોબ લિન્ચિંગ કરનારા હિન્દુઓ હિન્દુત્વનું અપમાન કરે છે તેવી જ રીતે પવિત્ર ગાયની હત્યા કરનારા લોકો પણ હિન્દુત્વનું અપમાન કરે છે. તેમણે વધુમાં કહ્યું કે હિન્દુ-મુસ્લમ એકતા જ લોકશાહીનો પાયો છે. દેશનો વિકાસ કરવો હોય તો હિન્દુ મુસ્લિમને જુદા પાડવા ન જોઇએ. દેશનો વિકાસ રાષ્ટ્રીય એકતા વગર શકય જ નથી. એકતાનો આધાર ધર્મ નહિ. ભારત માતાનાં સંતાનો છીએ-આપણે બધા એક જ છીએ અને એક થઇને રહીશું તેમાં જ આપણું સૌનું અને દેશનું શ્રેય છે! તો જ દેશની એકતા અને અખંડિતતા જળવાશે!
યુ.એસ.એ. -ડૉ.કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.