Business

દેશનું વધી રહેલું તાપમાન: બહુ મોડું થઇ જાય તે પહેલા નક્કર પગલા ભરવાની જરૂર

ગ્લોબલ વૉર્મિંગ આમ તો તેના નામ પ્રમાણે આખી દુનિયાની સમસ્યા છે. આપણે જેના પર વસીએ છીએ તે પૃથ્વી ગ્રહનું તાપમાન છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યું છે જેને વૈશ્વિક તાપમાન વૃદ્ધિ કે ગ્લોબલ વૉર્મિંગ કહેવામાં આવે છે. હવામાન પરિવર્તન એ માણસ જાત માટે એક મોટો ચિંતાનો વિષય છે પરંતુ આ બાબતને માણસજાત હજી પણ જોઇએ તેટલી ગંભીરતાથી લેતી નથી તે એક જુદી વાત છે. હાલ ખૂબ વ્યાપક બનેલા પ્રદૂષણને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને આ તાપમાન વૃદ્ધિને કારણે હવામાનમાં બીજા પણ ફેરફારો આવી રહ્યા છે.

આખી દુનિયા માટે તો તાપમાન વૃદ્ધિ એ ચિંતાનો વિષય છે જ પરંતુ આપણા ભારત દેશમાં પણ આપણે છેલ્લા કેટલાક વર્ષોથી તાપમાનમાં વધારો અને વધુ પ્રમાણમાં ગરમ ઉનાળાઓ જોઇ રહ્યા છીએ. હાલમાં એક અભ્યાસમાં ભારતમાં તાપમાન વૃદ્ધિ અંગે કેટલાક ચિંતાભર્યા તારણો બહાર આવ્યા છે. એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે છેલ્લા દાયકામાં (૨૦૧૫-૨૦૨૪) ભારતના સરેરાશ તાપમાનમાં લગભગ ૦.૯ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જેમાં દેશના મોટાભાગના ભાગોમાં ગરમ દિવસોની સંખ્યામાં વધારો થયો છે. કેટલાક ભારતીય અને વિદેશી  આબોહવા વૈજ્ઞાનિકોના જૂથ દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ભારતનું સરેરાશ તાપમાન છેલ્લા એક દાયકા (૨૦૧૫-૨૦૨૪)માં ૨૦મી સદીની શરૂઆત (૧૯૦૧-૧૯૩૦)ની સરખામણીમાં લગભગ ૦.૯ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, ૧૯૫૦ના દાયકા પછી પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં વર્ષના સૌથી ગરમ દિવસે ૧.૫-૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, એમ આ અભ્યાસ પેપરમાં જણાવાયું છે. પ્રદેશ પ્રમાણે, હિન્દુકુશ હિમાલયમાં ઝડપથી વધતી ગરમી અને હિમનદીઓ પીગળવાનું જોવા મળ્યું હતું, જ્યારે ભારત-ગંગાના મેદાનોમાં ગરમીની તાણમાં વધારો અને જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર (JJAS) વરસાદમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઉત્તરપશ્ચિમ ભારતમાં ગરમ દિવસો અને ગરમ રાતોમાં વધારો જોવા મળ્યો હતો, પશ્ચિમ ભારતમાં ભારે વરસાદમાં વધારો અને ગરમ દિવસો અને ગરમ રાતોમાં વધારો જોવા મળ્યો હતો. પશ્ચિમ કિનારા પર ગંભીર ઉષ્ણકટિબંધીય ચક્રવાતોમાં વધારો અને સમુદ્રના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. ઉત્તરપૂર્વ ભારતમાં JJAS વરસાદમાં ઘટાડો, ગરમ દિવસો અને ગરમ રાતોમાં વધારો નોંધાયો છે. મધ્ય ભારતમાં ભારે વરસાદમાં વધારો જોવા મળ્યો છે. દક્ષિણપૂર્વ ભારતમાં ગરમ દિવસો અને ગરમ રાતોમાં વધારો અને ઉત્તરપૂર્વીય વરસાદમાં વધારો જોવા મળ્યો છે.

સંશોધન ખાસ કરીને એક સાથે ગરમીના મોજા અને દુષ્કાળના વધતા જોખમ પર પ્રકાશ પાડે છે, જે છૂટીછવાઇ બનતી કોઈપણ ઘટના કરતાં ઘણી વધુ વિનાશક અસર કરી શકે છે. આ “સંયોજિત ઘટનાઓ” પ્રતિભાવ ક્ષમતાઓને દબાવી શકે છે અને કૃષિ, પાણી પ્રણાલીઓ અને માનવ સ્વાસ્થ્ય પર વ્યાપક અસરો તરફ દોરી શકે છે તેનો નિર્દેશ કરે છે. આ સંશોધનના તારણો ભારતે હવામાન અનુકૂલન અને શમન માટેના પ્રયાસો ઝડપી બનાવવા પર ભાર મૂકે છે, વધેલા વિપરીત હવામાન સાથે અનુકૂલન સાધીને જીવી શકાય તે માટે અનુકૂલન વ્યહુરચનાઓની જરૂર તો છે જ પરંતુ એથી વધુ જરૂરિયાત તો તાપમાનને વધતું રોકવા માટેની છે. પ્રદૂષણ ઘટાડીને અને વનીકરણનું પ્રમાણ વધારીને તાપમાન વૃદ્ધિને અટકાવવાની જરૂર છે. જો એક હદથી વધુ તાપમાન થઇ જશે તો અનુકુલન વ્યુહરચનાઓ પણ બહુ કામ નહીં લાગે અને માણસજાતને અને અન્ય જીવોને રિબાઇને જીવવું પડશે અને રિબાઇને મરવું પડશે.

Most Popular

To Top