Madhya Gujarat

કોર્પોરેટરની દાદાગીરી… સારી કામગીરી કરી રહેલા કોર્પોરેશનના કર્મચારીઓને જ ગાળો ભાંડી

વડોદરા: વડોદરામાં કોંગ્રેસના એક કોર્પોરેટરની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. શહેરમાં ઢોર પકડવા ગયેલ કર્મચારીઓને આ કોર્પોરેટરે ગાળો ભાંડી હતી અને તેઓના ભાઈના ઢોર કેમ પકડ્યા તેમ જણાવી અણછાજતું વર્તન કર્યું હતું આ કોર્પોરેટરનો ગાળો આપતો વિડીયો વાયરલ થયો છે. સમગ્ર રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરના કારણે થતા અકસ્માતોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાલિકાઓને સૂચના આપી છે અને તેના ભાગરૂપે પાલિકા દ્વારા ઢોર પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે.

વડોદરા મનપાના ઢોર પકડનાર વિભાગના કર્મચારીઓ ગતરાતે ફતેગંજ વિસ્તારમાં સુપરવાઈઝર પ્રદીપ લોખંડે પોતાની ટીમ સાથે ઢોર પકડવાની કામગીરી કરવા ગયા હતા દરમિયાન તેઓને માહિતી મળી હતી કે છાણી ગુરુદ્વારા સામે રસ્તામાં કેટલાક ઢોર અડિંગો જમાવીને બેઠા છે, જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને એક ગાય રસ્તે રઝળતી જોવા મળતા તેઓ તેને ડબ્બામાં પુરી રહ્યા હતા અને ગાયને બોલેરો ગાડી સાથે બાંધી ટ્રેક્ટરની રાહ જોઈ રહયા હતા. દરમિયાન ગાયનો માલિક નંદુ ભરવાડ ત્યાં આવી ચઢ્યો હતો અને તેઓ સાથે કેટલાક માલધારીઓ પણ આવી ચઢ્યા હતા અને કર્મચારીઓને ગાળો ભાંડી તેઓ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો અને એક ભરવાડે કર્મચારી રોહન લોખંડને પગમાં લાકડી મારી હતી.

ઢોર પકડનાર કર્મચારીઓ સાથે આ માથાભારે ઈસમોની ઝપાઝપી પણ થઇ હતી. તેવામાં આ ભરવાડના ભાઈ અને કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ ત્યાં આવી ચઢ્યા હતા અને આ મારો ભાઈ છે તમને ખબર નથી પડતી, તેમ જણાવી કર્મચારીઓને ગાળો આપવા માંડી હતી. તેઓનો ગાળો આપતો વિડીયો પણ વાયરલ થયો છે અને માલધારીઓએ પકડેલ પશુને છોડાવી ગયા હતા. જો કે આ અંગે કર્મચારીઓએ હુમલો કરનાર માલધારીઓ સામે ફરિયાદ નોંધાવતા માલધારીઓની અટકાયત કરવામાં આવી છે.

વર્તણૂક કોર્પોરેટરના હોદ્દાને શોભે તેમ નથી
એક જાગૃત હોદ્દેદાર તરીકે તેઓની આ વર્તણુક યોગ્ય નથી. અને તેઓ જે સમાજના આગેવાન છે ત્યારે તેઓએ રસ્તે રઝળતા ઢોર મુદ્દે ક્યારેય લીડ લીધી નથી. કર્મચારીઓ તેઓનું કામ કરી રહ્યા હતા અને તેઓને સહકાર આપવાને બદલે તેઓને ગાળો આપવી એ કેટલું યોગ્ય છે? ત્યારે આ વર્તણુક તેઓના કોર્પોરેટર તરીકેના હોદ્દાને શોભે તેમ નથી. – ડો. હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી સમિતિ, મનપા

Most Popular

To Top