અર્ધ બેભાન દર્દીને લઈને આવેલા પરિવારજનોએ તબીબો સાથે કરી બોલાચાલી: સુરતની સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં અચાનક હોબાળો મચી જતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અર્ધ બેભાન હાલતમાં દર્દીને લઈને આવેલા પરિવારજનો અને તેના મિત્રોએ ઇમર્જન્સી વોર્ડમાં ભારે બૂમાબૂમ કરી તબીબો સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
ખટોદરા પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, દર્દીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. તબીબોએ દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. જોકે સારવાર ચાલુ હોવા છતાં દર્દીના પરિવારજનો અને મિત્રોમાં ગેરસમજ ઊભી થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને તબીબો સામે બૂમાબૂમ શરૂ કરી દીધી.
પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે કેટલાક લોકોએ તબીબો સાથે ધક્કામૂકી પણ કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં દોડી આવેલા લોકોના હોબાળાને કારણે ઇમર્જન્સી વિભાગમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ત્યાં ફરજ પર રહેલી મહિલા તબીબો અને નર્સોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.
આ દરમિયાન પરિવારના કેટલાક સભ્યો અંગ્રેજીમાં બૂમાબૂમ કરીને તબીબો પર દબાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તબીબોએ સારવારની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેસ પેપર કઢાવવાની કાર્યવાહી કરવાની વાત કરી હતી, પરંતુ આ વાત સાંભળતા જ પરિવારજનો વધુ ઉશ્કેરાઈ ગયા હતા.
લગભગ પોણા કલાક સુધી ચાલેલા હોબાળાને કારણે સ્થિતિ બેકાબૂ બનતા સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પોલીસને બોલાવવામાં આવી હતી. અને મામલો ખટોદરા પોલીસ પાસે પહોચ્યો,જે બાદ પોલીસ વચ્ચે પડતા તબીબી અધિકારીઓએ અને પરિવારજનોને સમજાવટ કરતાં આખરે મામલો શાંત થયો હતો.
પછી પરિવારજનોએ કેસ પેપર કઢાવવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યારબાદ દર્દીની એક્સ-રે, સોનોગ્રાફી સહિતની જરૂરી તપાસ અને સારવાર પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.