SURAT

‘બંડલમાં ફાટેલી નોટો છે, ચેક કરી આપું.., કહી ગઠિયાએ ખેડૂતને છેતર્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત(Surat): બેન્કોમાં ગઠિયાઓ (Cheaters) દ્વારા ભોળા લોકોને છેતરવાના (Cheating) બનાવો અવારનવાર બનતા રહે છે. આવી જ એક ઘટના સુરતના ઉમરા વિસ્તારમાં બની છે. અહીં એક બેન્કમાં રૂપિયા 500ની નોટનું બંડલ ગણવાના બહાને ગઠિયો ખેડૂતની 500ની 31 નોટ એટલે કે કુલ રૂપિયા 15,500 તફડાવી ગયો હતો. સીસીટીવી (CCTV) ફૂટેજની મદદથી ખેડૂતે (Farmer) પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • મગદલ્લાના ખેડૂત સાથે છેતરપિંડી
  • બીઓબીની અઠવાગેટ શાખામાં ઠગાઈ
  • નોટો ચેક કરવાના બહાને ગઠિયાએ બંડલમાંથી 500ની 31 નોટ કાઢી લીધી
  • સીસીટીવીની મદદથી ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના મગદલ્લા રોડ પર પંચ્યાસી મહોલ્લામાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાન રાઠોડ બપોરના સમયે બેન્ક ઓફ બરોડાની (BOB) અઠવાગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે બની હતી. ખેડૂત ચુનીલાલે બેન્કમાં સેલ્ફનો ચેક ભરી રૂપિયા 1.50 લાખ ઉપાડ્યા હતા. ત્યાર બાદ તેઓ કાઉન્ટર પાસેના સોફા પર બેસી 500ની નોટના બંડલ ગણી રહ્યાં હતાં.

ત્યારે અજાણ્યો ગઠિયો તેમની પાસે આવી ચઢ્યો હતો અને બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે તેમ કહ્યું હતું. તેથી ચુનીલાલ બંડલ ચેક કરવા માંડ્યા હતા. ત્યારે લાવો હું ચેક કરી આપું એમ કહી મદદ કરવાના બહાને બંડલ ખોલી નાંખ્યા હતા અને તેમાંથી 31 નોટો કાઢી લીધી હતી. આમ રૂપિયા 15,500 તફડાવી લીધા હતા.

બાદમાં નોટો ગણતા તે ઓછી હોવાનું ખેડૂત ચુનીલાલના ધ્યાન પર આવ્યું હતું. તેથી તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી બેન્ક પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવી ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top