૧૯૭૭ માં વડા પ્રધાન મોરારજી દેસાઈએ આપણા સુરત શહેરની જૂની જાણીતી પેઢીના નૂરા ડોસાની એની પ્રામાણિકતાની બાબતે યાદ કરી હતી. સુરતની એક નહીં અનેક પેઢી એવી છે, જે ક્યારેય ભુલાય એમ નથી. ‘ગુજરાતમિત્ર’ અખબારે એની શુક્રવારની રંગીન ‘સીટી પલ્સ’ પૂર્તિમાં આ બધી જૂની જાણીતી પેઢીની યાદ તાજી કરી એ પેઢીની વિશેષતા સાથે એ પેઢીના વંશવેલા વિશે લોકોને માહિતગાર કરવાની સુંદર પ્રવૃત્તિ શરૂ કરી છે, જેનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. સદી પુરાણી આ બધી પેઢીથી જૂની પેઢીની યાદ તાજી થાય છે અને નવી પેઢી એનાથી પરિચિત થાય છે.
તાજેતરની 6 મે ની પૂર્તિમાં ભાગળની શાહ મોતીરામ બ્રિજલાલ મીઠાઈવાલાની વિગતે વિસ્તારથી વાત કરી છે. એના ટેસ્ટી સરસિયા ખાજાથી સૌ કોઈ સુરતીલાલા બહુ સારી રીતે પરિચિત છે. ચોમાસાની સિઝનમાં ખાજા માટે બહુ ભારી ભીડ જોવા મળે છે. શહેર અને બહારગામના લોકોની ખાજાની ખરીદી માટે પડાપડી થાય છે. તા. 13 મી મે ના રોજ બેકરીની દુનિયામાં બેતાજ બાદશાહ એવા ‘દોટીવાલા’ બેકરીની વાત કરી છે. નાનપુરા મક્કાઈપુલ પાસે આવેલી આ પારસી પેઢીની દરેક આઈટમ દેશવિદેશમાં ખૂબ જાણીતી છે. આ બેકરી પાસેથી પસાર થતા ‘નાનખટાઈ’ની સુગંધથી દુકાનમાં જવાનું મન થઈ જાય છે. એવી મહેંક મહેંક થતી નાનખટાઈનો સ્વાદ ક્યારેય ભુલાય એમ નથી. આ પહેલાં મુ.શ્રી ભગવતીકુમાર શર્માએ પણ ખાણી પીણીની કેટલીક જાણીતી દુકાનની વિશેષતા વિશે એમની આત્મકથા સ્વરૂપમાં પ્રકટ થયેલી ‘સુરત મુજ ઘાએલ ભૂમિ’માં જાણકારી પ્રકટ કરી હતી.
પ્રસંગોપાત ‘ગુજરાતમિત્ર’ અખબારમાં પણ ક્યારેક તેઓએ આ બધી દુકાનની નોંધ લીધી છે. ખાવાના શોખીન એવા ભગવતીકુમાર શર્માના જૂના નવા ઘરે કેટલાંક અમારા જેવા મિત્રો જાણીતા નિકટના એમના માટે ચૌટા બજારના જે.શંકર ધનજીનું ફરસાણ, બીજા એવા ચૌટા બજારના જમનાદાસ ઘારીવાલાની ઘારી, ભાગળના ઠાકોર મીઠાઈનો સાલમપાક લઈને જતા અને એ રીતે મૈત્રી સંબંધ નિભાવતા. ભાવના ભૂખ્યા એવા ભગવતીભાઈનું મન પ્રસન્ન થઈ જતું. 31 મી મે એમનો જન્મ દિવસ છે. ‘ગુજરાતમિત્ર’ અને ભગવતીભાઈ ક્યારેય ભુલાય એમ નથી. સુરતીઓના દિલમાં સદા ધબકતા રહેશે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.