ખેડા: ખેડા તેમજ આસપાસના ગામોમાંથી મહેસાણા ખાતે નોકરીએ જતાં લોકોની સંખ્યા વિશેષ છે. જેને ધ્યાનમાં રાખી ખેડા એસ.ટી ડેપો દ્વારા વર્ષો અગાઉ ખેડા-મહેસાણા રૂટની બે બસ શરૂ કરવામાં આવી હતી. એક બસ સવારે 8 વાગ્યે અને બીજી બપોરે 1 વાગ્યે ખેડા બસસ્ટેન્ડેથી ઉપડી મહેસાણા જતી હતી. જેમાં ત્રીસેક મુસાફરો રોજીંદા અપડાઉન કરતાં હતાં. તદુપરાંત અન્ય મુસાફરો પણ આ બસનો લાભ લેતાં હતાં. જેને પગલે બસ રોજેરોજ હાઉસફુલ જતી હતી. નોકરીયાતોને આ બસનો સમય પણ માફક આવી ગયો હતો.
પરંતુ, ખેડા એસ.ટી ડેપોના નઘરોળ તંત્ર દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ખેડા-મહેસાણા રૂટની આ બંને બસો એકાએક બંધ કરી દેવામાં આવી હતી. આ મામલે દૈનિક અપડાઉન કરતાં મુસાફરોએ એસ.ટી તંત્રને રજુઆતો પણ કરી હતી. પરંતુ, એસ.ટી તંત્ર દ્વારા મુસાફરોની રજુઆતો ધ્યાને લેવામાં આવી ન હતી. પરંતુ, ગત બુધવારના રોજ સરકાર દ્વારા ખેડા એસટી ડેપોને ફાળવેલી બસોના લોકાર્પણ માટે માતર, મહેમદાવાદના ધારાસભ્ય અને ખેડાના સ્થાનિક આગેવાનો આવનાર હોવાથી ખેડા-મહેસાણા બસ મુકવામાં આવી હતી. આ બસને સ્ટેન્ડ પર ઉભેલી જોઈ કાયમી અપડાઉન કરતા અને અન્ય મહેસાણા જનાર મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જોકે, એસ.ટી તંત્રએ બીજા દિવસે આ રૂટની બસ બંધ કરી મુસાફરોની ખુશી છિનવી લીધી હતી. જેને પગલે રોષ ફેલાયો છે.
આ બાબતે કાયમી અપડાઉન કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે, સવારે 8 કલાકે ખેડા-મહેસાણા બસ સ્ટેન્ડ પર મૂકી હતી. અંદાજિત 30 થી વધુ અપડાઉન કરતા અને અન્ય મુસાફરો બસમાં બેસી પણ ગયા હતાં. પરંતુ બસ ઉપડવાના સમયે તમામ લોકોને બસમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. આ બાબતે ખેડા એસટીના કંટ્રોલરને પૂછતાં તેમને જણાવ્યું કે ટિકિટ માટેનું મશીન નહિ હોવાના કારણે બસ અહિયાંથી નહિ ઉપડે. આ સાંભળીને કાયમી અપડાઉન કરતા મુસાફરોએ ખેડા કંટ્રોલરમાં લેખિત ફરિયાદ પણ આપી છે. હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે ખેડા એસટી ડેપો દ્વારા બસ મૂકે છે કે નહિ કે પછી બીજુ કારણ બતાવીને મુસાફરોને હેરાન કરશે.
ટીકીટ મશીનોના ફાંફા છે ત્યાં નવી એસ.ટી બસોનું લોકાર્પણ શું કામનું….?
ખેડા એસ.ટી ડેપોનો વહીવટ દિનપ્રતિદિન સાવ કથળી રહ્યો છે. એસ.ટી નું નઘરોળ તંત્ર મુસાફરોની રજુઆતો સાંભળતું નથી અને મનસ્વી નિર્ણયો લઈ રહ્યું છે. જેને પગલે મુસાફરો તેમજ જાગૃત નાગરીકોમાં ભારે રોષ ફેલાયો છે. એક તરફ ખેડા એસ.ટી બસમથકમાં ધારાસભ્યોના હસ્તે નવિન બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે…. ને બીજી તરફ ટીકીટ માટેના મશીનોના અભાવે બસોના રૂટ કેન્સલ કરાઈ રહ્યાં છે. જેને પગલે મુસાફરોને રઝળવાનો વારો આવે છે. ત્યારે ટીકીટ મશીનોના ફાંફા હોય ત્યાં નવી એસ.ટી બસોનું લોકાર્પણ શું કામનું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.