Editorial

આર્થિક ઉદારીકરણનો લાભ સમાજના તમામ વર્ગોને સમાન રીતે મળી શક્યો નથી

આજથી ત્રીસ વર્ષ પહેલાના સમયને યાદ કરો. ૧૯૯૧નું વર્ષ હતું, દેશના વડાપ્રધાનપદે ચંદ્રશેખર હતા. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પેરામ્બુદુરમાં હત્યા કરવામાં આવી.તેના પછી સહાનુભૂતિના પ્રચંડ મોજામાં દેશમાં ફરીથી કોંગ્રેસની સરકાર રચાઇ અને પી.વી. નરસિંહરાવ અણધારી રીતે દેશના વડાપ્રધાન બન્યા. તેમનું નામ પણ તે પહેલા ઘણાએ સાંભળ્યું ન હતું. પણ આ નરસિંહરાવે એક અભૂતપુર્વ કામ કર્યુ. તેમણે નાણા મંત્રી તરીકે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર મનમોહનસિંહની પસંદગી કરી. આ બંનેએ સાથે મળીને ભારતના અર્થતંત્રમાં ઉદારીકરણની શરૂઆત કરી અને દેશમાં જાણે એક નવા યુગના મંડાણ થયા. આર્થિક ઉદારીકરણ શરૂ થયાને ત્રીસ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે આર્થિક ઉદારીકરણથી શું લાભ થયો અને શું ગેરલાભ થયો તેના લેખાજોખા થાય તે સ્વાભાવિક છે.

આર્થિક ઉદારીકરણના કારણે દેશમાં અનેક પરિવર્તનો આવ્યા છે અને અ વધેલી સ્પર્ધાના માહોલમાં વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તા સુધરી છે એમ કહેવાય છે, અર્થતંત્રમાં અનેક દિશાઓ ઉઘડી છે અને રોજગારીની તકો વધી છે વગેરે વગેરે પણ કહેવાય છે, પરંતુ આર્થિક ઉદારીકરણથી સમાજના તમામ વર્ગોને લાભ થયો છે એમ કહી શકાય તેમ છે ખરું? હાલમાં જ દેશના ટોચના ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનવાન નાગરિક મુકેશ અંબાણીએ પોતે કહ્યું છે કે આર્થિક ઉદારીકરણના લાભ સૌને સમાન રીતે મળ્યા નથી. તેમની વાત સાથે સંમત થવાય તેવું ઘણુ બધુ આપણે જોઇ જ શકીએ છીએ.

આર્થિક ઉદારીકરણના લાભો અંગે અન્ય ચર્ચાઓ કરતા પહેલા મુકેશ અંબાણીના ખયાલો સમજવા જેવા છે. તેઓ કહે છે કે ભારતમાં ત્રણ દાયકાના આર્થિક સુધારાઓએ દેશના નાગરિકોને અસમાન રીતે લાભ કર્યો છે અને પિરામિડના તળિયે સંપત્તિનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિકાસના ભારતીય મોડેલની જરૂર છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે દેશ ૨૦૪૭માં અમેરિકા અને ચીનની હરોળમાં આવી જશે.

આર્થિક ઉદારીકરણના ૩૦ વર્ષના પ્રસંગે એક રેર કોલમ લખતા ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષે જણાવ્યું હતું કે આર્થિક સુધારાઓએ ભારતના જીડીપીને દસ ગણો વિકસવામાં મદદ કરી છે. ૧૯૯૧માં ભારતનું અર્થતંત્ર તંગીનું અર્થતંત્ર હતું તે ૨૦૨૧માં વધીને પુરતાપણાનું અર્થતંત્ર બની ગયું છે. હવે ભારતે પોતાને ૨૦૫૧ સુધીમાં સ્થાયી પ્રચુરતા અને સમાન સમૃદ્ધિનું અર્થતંત્ર તરીકે પરિવર્તિત કરવાનું છે.

ભારતમાં સમાનતા એ આપણી સહિયારી સમૃદ્ધિના હાર્દમાં હશે એમ તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં લખ્યું હતું. અંબાણીએ લખ્યું કે ૧૯૯૧માં ભારતે દીર્ઘદષ્ટિ બતાવી અને અર્થતંત્રના દિશા અને નિર્ધાર બંને બદલવાની હિંમત બતાવી. સુધારાઓએ ભારતની સાહસિક ઉર્જાને મુક્ત કરી અને ઝડપી ગતિના વિકાસના યુગનું ઉદઘાટન કર્યું. આ સુધારાઓએ ભારતના અર્થતંત્રને વિશ્વનુ પાંચમા ક્રમનુ અર્થતંત્ર બનવામાં મદદ કરી, વસ્તી ૮૮ કરોડ પરથી ૧૩૮ કરોડ પર પહોંચી છતાં ગરીબીનો દર અડધો કરવામાં મદદ કરી એમ અંબાણીએ કહે છે.

તેમણે એ બાબત યાદ કરી કે એ વાતની આજે કલ્પના પણ કરી શકાતી નથી કે એક સમયે દેશમાં લોકોને ટેલિફોન કે ગેસ કનેકશન મેળવવા માટે વર્ષો સુધી પ્રતિક્ષા કરવી પડતી હતી. મુકેશ અંબાણીએ આર્થિક ઉદારીકરણના કારણે દેશમાં આવેલા પરિવર્તનોનું યોગ્ય વિશ્લેષણ કર્યું છે. આર્થિક ઉદારીકરણને લીધે દેશમાં ઉદ્યોગ ધંધાઓનો વિકાસ પહેલા કરતા ઘણી વધારે ઝડપથી થયો, વિદેશી કંપનીઓ પણ મેદાનમાં આવતા સ્પર્ધા વધી અને પરિણામે વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તામાં સુધારો થયો. મુકેશ અંબાણીની વાત સાચી છે અને આપણે પણ આપણી રીતે વિશ્લેષણ કરીએ તો સમજાશે કે ઘણા ક્ષેત્રે વિકાસ થયો છે પરંતુ તે સાથે જ વિકાસના લાભ સમાન રીતે બધાને મળ્યા નથી તે સમજી શકાય તેવી બાબત છે.

આર્થિક ઉદારીકરણને લીધે વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તા સુધરી છે અને પરિણામે લોકોનું જીવનધોરણ પણ સુધર્યું છે એ વાતનો ઇન્કાર કરી શકાય તેમ નથી. બજારમાં ગ્રાહકની બોલબાલા વધી છે કારણ કે ગ્રાહક પાસે વધારે વિકલ્પો ઉપલબ્ધ છે અને ઘણા ક્ષેત્રોમાં એકહથ્થુવાદનો અંત આવતા કંપનીઓએ મને કમને પોતાની વસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા સુધારવી પડી છે. એક સમયે ફોન નોંધાવ્યા પછી મહિનાઓ કે વર્ષ પણ નીકળી જતા, આજે ફોન ઓન ડિમાન્ડની સ્થિતિ છે. અરજી કરો અને થોડા કલાકોમાં ફોન કનેકશન મળી જાય, કારણ કે સ્પર્ધા વધી છે.

પોતે સારી સેવા નહીં આપશે તો ગ્રાહક બીજે જતો રહેશે એ ભયને કારણે સરકારી કંપનીઓએ પણ પોતાની સેવાની ગુણવત્તા સુધારવી પડી છે. અર્થતંત્રમાં અનેક ક્ષેત્રી વિકાસ થતા રોજગારીની તકો વધી છે એ પણ સાચી વાત છે. પરંતુ આપણે ત્યાં સૌથી મોટી કરૂણતા ઓછા વેતનોની છે. અમુક ક્ષેત્રોમાં અમુક કર્મચારીઓ તગડા પગાર મેળવી શકે છે બાકી તો દેશી અને વિદેશી કંપનીઓ કર્મચારીઓ અને કારીગરોનું બેફામ શોષણ કરે છે. લઘુતમ વેતન દરો માત્ર કાગળ પર છે. ઘણા બધા લોકોને પુરતો પગાર મળતો નથી.

વળી મારે તેની તલવાર જેવી હાલતને કારણે મોટા વેપારીઓ તગડા થતા જાય છે અને નાના વેપારીઓ અને વ્યવસાયિકોની કફોડી હાલત છે. આવકની પ્રચંડ અસમાનતાને કારણે જ સમાજના નીચલા વર્ગને આ આર્થિક ઉદારીકરણના લાભ ખાસ મળ્યા જ ન હોય તેવું લાગે છે. આર્થિક અસમાનતા ઘટાડવા માટે લઘુતમ વેતન દરનો કડક અને યોગ્ય અમલ કરાવવાની સાથે, કામદારોનું અને નાના વેપારીઓનું શોષણ કરીને બેફામ નફાખોરી કરતા મોટા ઉદ્યોગ-ધંધાઓનો કાન આમળવો પડશે. કેટલાક પશ્ચિમી દેશોની સરકારોની જેમ આપણી સરકાર પણ તમામને લઘુતમ રોજગારી મળી રહે તેની તકેદારી રાખશે તો જ આર્થિક અસમાનતા ઘટી શકશે.

Most Popular

To Top