Sports

પેરિસ ઓલિમ્પિકમાં બહાર આવ્યું મેડલનું સત્ય, ખેલાડીઓએ ગુણવત્તાને લઈ સવાલ ઉભા કર્યા

ફ્રાન્સની રાજધાની પેરિસમાં પેરિસ ઓલિમ્પિક્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 10,500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓનું લક્ષ્ય પોતાના દેશ માટે મેડલ જીતવાનું હતું. અનેક વિવાદો વચ્ચે હવે મેડલની ગુણવત્તાને લઈને વિવાદ સામે આવ્યો છે.

આ વખતે ભારતે ઓલિમ્પિકમાં કુલ એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ઓલિમ્પિકમાં અપાતા આ મેડલ્સમાં પેરિસ સ્થિત એફિલ ટાવરની ધાતુ પણ ઉમેરવામાં આવી છે. જે મધ્યમાં ષટ્કોણ આકારનો છે. ઓલિમ્પિક 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું છે. પેરિસ ઓલિમ્પિકમાં છેલ્લા બે અઠવાડિયામાં વિનેશ ફોગાટની ગેરલાયકાતથી લઈને સીન નદીના પ્રદૂષિત પાણી સુધીના અનેક વિવાદો જોવા મળ્યા છે. આ દરમિયાન એક અમેરિકન એથ્લેટે મેડલની ગુણવત્તાને લઈને મોટો મુદ્દો ઉઠાવ્યો છે.

આ વખતે ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અમેરિકાના ન્યાજા હ્યુસ્ટને થોડા દિવસોમાં પોતાનો બ્રોન્ઝ મેડલ બગડતો હોવાની અનેક તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે 29 વર્ષીય આ ખેલાડીએ લા કોનકોર્ડમાં નેલબિટર ફાઇનલમાં સ્કેટબોર્ડિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના અમેરિકન સાથી ખેલાડી જેગર ઈટનને સિલ્વર મેડલ જ્યારે જાપાનના યુટો હોરીગોમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નાઈજા હ્યુસ્ટનના મેડલની ગુણવત્તા માત્ર 10 દિવસમાં જ બગડી ગઈ હોવાનો તેણે દાવો કર્યો છે.

ન્યાજા હ્યુસ્ટને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે આ ઓલિમ્પિક મેડલ જ્યારે એકદમ નવા હોય ત્યારે ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તેણે તેને થોડા સમય માટે પહેર્યા અને તેના પર પરસેવો પાડ્યા પછી તેને સમજાયું કે માનવામાં આવે છે તેટલી ઉચ્ચ ગુણવત્તાના મેડલ નથી. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે મેડલ રફ લાગે છે. આગળનો ભાગ પણ ધીમે ધીમે તૂટવા લાગ્યો છે. આ સિવાય તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે મને ખબર નથી… ઓલિમ્પિક મેડલની ગુણવત્તા થોડી વધુ વધારવી પડશે. તેણે એમ પણ લખ્યું કે મને લાગે છે કે મેડલ એક કેસમાં રાખવા જોઈએ.

Most Popular

To Top