સુરત: શહેરની (Surat) સુમુલ ડેરીમાં (Sumul Dairy) માહોલ તંગ છે. અહીં શુક્રવારે ટેન્કર પાર્ક કરવાના મુદ્દે બે ડ્રાઈવર (Driver) વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એકની હત્યા (Murder) થઈ હતી. આજે બંને ડ્રાઈવરના પરિવારજનો સુમુલ ડેરી પર પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો. તેથી મહીધરપુરા પોલીસ દોડી ગઈ હતી અને લાઠીચાર્જ કરી તોફાનીઓને ભગાવ્યા હતા. હાલ પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુમુલ ડેરી સામે આવેલી મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા સુનિલ સંતલાલ ગુપ્તા (ઉં.વ. 30) અને રવિ રઘુવર શુકલા નામના અન્ય એક ડ્રાઈવર સાથે પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો હતો. રવિએ ચપ્પુથી હુમલો કરી સુનિલની છાતી પર ઘા કર્યા હતા. ચપ્પુ સુનિલની છાતીમાં ઘૂસી જતા તે ફસડાઈ પડ્યો હતો. તાત્કાલિક તેને નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યારા રવિ શુકલાને પકડી લીધો હતો.
આ તરફ સુનિલની હત્યાના પગલે સુમુલ ડેરીના કર્મચારીઓ શનિવારે સવારે હડતાલ પર બેસી ગયા હતા. ન્યાય મળે તે માટે લડત ચલાવી રહ્યાં હતાં. કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ અગાઉ શુક્રવારે સાંજે સુમુલડેરીના વિશાળ પાર્કિંગમાં ટ્રક પાર્ક કરવાના મુદ્દે બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં એક ડ્રાઇવરે બીજાને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ હત્યાને લઇને ડ્રાઇવરની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. સુમુલડેરી રોડ ઉપર મિલિન્દનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુનિલ સંતલાલ ગુપ્તા (ઉ.વ.30) અને કોસાડ આવાસમાં રહેતો રવિ રઘુવરન શુક્લા વચ્ચે પોણા છ વાગ્યે દૂધના ટેન્કરના એક જ જગ્યાએ પાર્કિંગ કરવાના મુદ્દે ઝઘડો થયો હતો. રવિએ પોતાની પાસે રહેલું ચપ્પુ સુનિલની છાતીના ભાગે મારી દીધું હતું. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સુનિલને તાત્કાલીક નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મહિધરપુરા પોલીસે રવિ શુક્લાની સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.