Comments

નેતા તરીકે સમસ્યાઓ સ્વીકારવા-ઇન્કારવા કરવાથી થતા નુકસાન વિશે વાત

જ્યારે તમે કોઈ સમસ્યાનો સ્વીકાર નથી કરતા તેનાથી શું ફાયદો થાય છે? અને, જો આમ કરવાથી કંઈ નુકસાન થાય તો શું? આખરે 79 દિવસ સુધી સ્વીકારવા તૈયાર ન હતા એ વડા પ્રધાને સ્વીકાર્યું કે મણિપુરમાં સ્થિતિ ખરાબ છે. બે મહિના જૂનો વીડિયો સામે આવ્યો અને લોકોમાં રોષ પ્રગટ્યો ત્યારે તેમને બોલવાની ફરજ પડી. દેશના ચીફ જસ્ટિસે પણ આને ખૂબ જ કડક શબ્દોમાં વખોડી કાઢ્યો. અત્યાર સુધી સુપ્ત રહેલી મણિપુર પોલીસ પણ ઍક્શનમાં આવી અને અત્યાર સુધી જે લોકો છૂટાં હતાં તેવાં કેટલાંકની ધરપકડ કરી.

પણ આ બધું થવા આટલો સમય કેમ લાગ્યો? એટલા માટે કારણ કે વડા પ્રધાને આ મુદ્દાને એટલો મહત્ત્વનો ન ગણ્યો અને આ રીતે બાકીના ભાજપ અને સત્તાના ખોળે બેઠેલા મિડિયાને ઈશારો કર્યો કે આ વિશે વાત ન કરવી. મણિપુરમાં જ્યારે આ અને આવી અન્ય ભયાનક ઘટનાઓ બની રહી હતી ત્યારે વડા પ્રધાન બેંગ્લોરમાં રોડ શો કરી રહ્યા હતા. હા, એક રોડ શો તેમણે કેન્સલ કર્યો હતો, મણિપુર માટે નહીં પણ તે દિવસે પરીક્ષા હતી અને તે વિદ્યાર્થીઓને તકલીફ આપવા ન હતા માંગતા.

આ બાદ તેઓ બે વાર વિદેશ ગયા, જ્યાં તેમણે ભવ્ય કાર્યક્રમોમાં ભાગ લીધો, પરેડો જોઈ. ભારતમાં હોવા છતાં તેમણે તેમનો સમય ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં, લોકોને જન્મદિવસની શુભેચ્છા આપવામાં વિતાવ્યો. પરંતુ મણિપુર અંગે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. સવાલ ફરી એક જ છે. જો સમસ્યા દરેકને દેખાતી હોય તો પણ તેને અવગણીને શું મળશે? તે કદાચ એમ સૂચવે છે કે સમસ્યા મારી નથી. મારા ઘરમાં આગ લાગશે તો હું તેને બચાવવા દોડીશ. જો મારા પરિવાર પર હુમલો થશે તો હું તેની સુરક્ષા માટે આગળ આવીશ. જો હું કંઈ જ ન કરું, કંઈ થયું જ ન હોવાનો ડોળ કરું, તો હું નથી સ્વીકારતો કે આ સમસ્યા મારી છે. એથી તે સમસ્યાને હું  નહીં ઉકેલીશ.

બીજો પણ ફાયદો છે. હું મુશ્કેલ પરિસ્થિતિઓનો તરત સામનો કરવાનું ટાળું છું. બની શકે સમસ્યા તેની મેળે જ દૂર થઈ જાય. પાછલા લેખોમાં કોવિડ મહામારીની બીજી લહેર દરમ્યાન વડા પ્રધાને કેવી રીતે આવો અભિગમ અપનાવ્યો તે વિશે વાત કરી હતી. સામાન્ય રીતે તેઓ દરરોજ કોઈ ને કોઈ કાર્યક્રમમાં દેખાયા છે, પછી ભલે વાસ્તવિક હોય કે વર્ચ્યુઅલ રીતે, બંગાળની રેલીઓ રદ કર્યા પછી જ્યારે તે સમયે હજારો લોકો ઓક્સિજન વિના મરી રહ્યા હતા અને  અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં મૃતદેહોની લાઈનો હતી ત્યારે 20 દિવસ સુધી ગુમ રહ્યા.ત્રણ અઠવાડિયાં પછી, જ્યારે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો, ત્યારે તેઓ દેખાયા અને બતાવ્યું કે હાઈ લેવલ બેઠકો યોજી રહ્યા છે. તે જ વર્ષે ભાજપના એક પ્રસ્તાવમાં, મોદીના શાસનમાં કોરોનાને હરાવવામાં તેમની અઢળક વાહવાહી કરવામાં આવી, પરંતુ પાછળથી તે પ્રસ્તાવને ભાજપની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યો. આ પછી જ્યારે કોરોનાની લહેર શમી ગઈ તો આ સમસ્યાને ફરીથી ભૂલી ગયા.

ગાલવાન ઘાટી મુદ્દે પણ તેમણે આવું જ વલણ અપનાવ્યું હતું. ત્યાં થયેલી અથડામણો અંગે ત્રણ વર્ષ સુધી લશ્કરી બ્રીફિંગ પણ નહોતું થયું. આ વિષય પર તેમણે ટૂંકું નિવેદન આપ્યું હતું અને તે પછી લાંબું મૌન. આમ કરવાનો ત્રીજો ફાયદો એ છે કે જો હું આવી સમસ્યાઓને સ્વીકારતો નથી, તો હું એક પ્રકારની મારી છબી જાળવી રાખું છું. મારા ભક્તો અને સમર્થકો (વડાપ્રધાનના કિસ્સામાં જે મોટી સંખ્યામાં છે) એ પીડામાંથી પસાર થવું પડશે નહીં કે મારા નેતૃત્વમાં કંઈક ખોટું થયું છે. આનો બીજો ફાયદો એ છે કે ભક્તોને મારામાં વિશ્વાસ હોવાથી હું મારી જાતને ખાતરી આપું છું કે મેં કંઈ ખોટું કર્યું નથી. જો આટલાં બધાં લોકો મારા પર વિશ્વાસ કરે છે, તો મારાં કાર્યો સાચાં જ હોવાં જોઈએ તેમજ સમસ્યાઓ વિશે કંઈ ન કરવાનું મારું વલણ પણ સાચું.

બીજું? નાના-મોટા બીજા ફાયદાઓ પણ છે. અમુક લોકો કદાચ મોટા-મોટા વાયદાઓને યાદ રાખશે, સમસ્યાની અવગણનાને નહીં. આપણે કેટલીયે વાર સાંભળ્યું છે કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે! ઘણાં લોકો એવું માનતા પણ હોય છે, પરંતુ એક અખબારે 22 જુલાઈએ લખ્યું હતું કે, “ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત નથી. સાઉદી અરેબિયા 8.7 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે, વિયેતનામ 8 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ફિલિપાઈન્સે પણ 6.4 ટકા સાથે ભારતને પાછળ છોડી દીધું હતું. પરંતુ જો હું આ સમયે ‘ઝડપથી વિકસતા અર્થતંત્ર’ વિશે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દઉં અને થોડા સમય કે વર્ષો પછી ફરી બોલીશ, તો લોકો માની લેશે કે આપણે હંમેશા ટોચ પર હતા.

હવે જ્યારે હું એક નેતા તરીકે સમસ્યાઓ સ્વીકારવાનો ઇનકાર કરું છું ત્યારે તેનાથી થતા નુકસાન વિશે વાત કરીએ. પહેલું એ છે કે સમસ્યા એવી જ રહેશે જેવી મણિપુરના કિસ્સામાં હતી અને તે વધુ ખરાબ થશે. કેટલાં લોકો મૃત્યુ પામ્યાં, કેટલી સ્ત્રીઓ અને છોકરીઓ પર હુમલા થયા, કેટલાં ઘરો બળી ગયાં, માત્ર એટલા માટે કે ભારત સરકારે આ સમસ્યા તરફ આંખ આડા કાન કર્યા? બની શકે માત્ર ઈતિહાસકારો જ અમને આ વિશે જણાવી શકશે, કારણ કે મોટા ભાગના મિડિયા તેના વિશે કંઈ નહીં કહે.

બીજી વાત એ છે કે લોકો તેનો ફાયદો ઉઠાવશે. જ્યારે ખુદ વડા પ્રધાનને મણિપુરમાં કોઈ સમસ્યા દેખાતી નથી તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું કેમ આપવું જોઈએ? જ્યારે કેટલાંક બાહ્ય દબાણ આવ્યાં, ત્યારે મુખ્ય પ્રધાને રાજીનામું આપવાનું નાટક કર્યું, પરંતુ હોદ્દા પર ચાલુ રહ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તે લોકોને ચૂપ કરી દેશે અને તેમણે આમ જ કર્યું. ત્રીજી વાત આ દેશ, એ મૂર્ખતામાં રહી શકે છે કે આપણે મહાનતા તરફ આગળ વધી રહ્યા છીએ અને દેશની અંદર સળગતી આગથી વિચલિત નથી થતો. પરિસ્થિતિને અવગણવી, સમસ્યાઓ ટાળવાનો અભિગમ વડા પ્રધાનની ગણતરીપૂર્વકની ચાલ હોઈ શકે છે અથવા તો એક સહજ સમજણ હોઈ શકે છે. સત્ય જે પણ હોય, છેલ્લાં 10 વર્ષમાં પૂરતા પુરાવા છે, જે દર્શાવે છે કે અવગણવાથી તેમને શું ફાયદો થયો છે અને આપણને શું નુકસાન.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top