સુરત: (Surat) શહેરમાં ઝોમાટો અને સ્વિગીમાં (Zomato and Swiggy) ડિલીવરી બોય તરીકે કામ કરતા યુવકે વેસુ ખાતેથી મોજશોખ ખાતર મોપેડની ચોરી (Thief) કરી હતી. પહેલીવખત ચોરી કરી અને ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો.
- ઝોમાટો અને સ્વિગીમાં કામ કરતો ડિલીવરી બોય આર્થિક જરૂરિયાત તથા મોજ-શોખ માટે વાહનચોરીના રવાડે ચઢ્યો
- યુવકે પહેલીવાર ચોરી કરી અને પોલીસે પકડી પાડ્યો, પોતાની બાઈક મુકીને પછી મોપેડ ચોરી કરવા આવ્યો
ક્રાઈમ બ્રાંચની ટીમને પેટ્રોલીંગ દરમિયાન વાહન ચોરી કરનારની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી અમરપાલસીંગ માનસીંગ ઠાકુર (ચૌહાણ) (ઉવ.૨૭, રહે. ગ્રીન સિગ્નેચર મોલ, સિક્યોરીટી ગાર્ડની રૂમમાં, પ્રાઇમ શોપર્સ સામે, વેસુ તથા મુળ કાનપુર દેહાત, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીને સિટીલાઈટ શીતલ એપાર્ટમેન્ટ પાસેથી મોપેડ (RJ-27- AD-4991) સાથે પકડી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે તે પોતે ઝોમાટો તેમજ સ્વિગીમાં ડિલીવરી બોય તરીકે છેલ્લા બે વર્ષથી કામ કરે છે. અને ગઈ 7 તારીખે બપોરે રાજહંસ સીમ્ફોનીયા વેસુ ખાતે ઓર્ડરની ડિલીવરી કરવા માટે ગયો હતો. અને ત્યાંથી આ મોપેડ પાર્કિંગમાં પડી હતી. ગાડી જોઈને તેની દાનત બગડી હતી. બાદમાં તે પોતાની બાઈક મુકીને પરત આ મોપેડ ચોરી કરવા આવ્યો હતો. તેને આર્થિક સંકડામણ હોવાથી આવીને મોપેડ ચોરી કરી હતી. પહેલીવાર ચોરી કરવા ગયો અને પોલીસે તેને પકડી પાડ્યો છે.
ઉધનામાં મકાનના ધાબા પર જુગાર રમતા 17 મળી કુલ 21 જુગારી પકડાયા
સુરત: ઉધના પોલીસે તેમના વિસ્તારમાં મકાનના ધાબા પર જુગાર રમતા 17 અને અન્ય એક વિસ્તારમાંથી 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. 21 જુગારીઓ પાસેથી કુલ 1.80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઉધના પોલીસને કલ્યાણ કુટીરમાં આવેલા મકાનના ધાબા ઉપર જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરીને જુગાર રમતા 17 લોકોને રંગેહાથ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંગઝડતી અને દાવ પરના મળી 1,71,350 રૂપિયાની મત્તા કબ્જે કરી હતી.
ઉધના પોલીસે ભૂષણ પાટીલ, વિશાલ પાટીલ, જ્ઞાનેશ્વર પાટીલ, તુષાર દેવકર, વિવેક મરાઠે, રાકેશ પાટીલ, રમેશ ચૌહાણ, વાસુદેવ પાટીલ, સાગર મરાઠે, ગણેશ પાટીલ, રાજેશ પાટીલ, દેવેશ મરાઠે, યોગેશ મરાઠે, દિપક લોટણ પાટીલ, રોહિત પાટીલ અને સતીશ કૈલાશ પાટીલને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ જુગારીઓ પકડાયેલા મજૂરીકામ અને સેલ્સમેનના ધંધા સાથે સંકળાયેલા છે. આ સિવાય ઉધના વિસ્તારમાં જ આવેલા ભારત નગર મસ્તી પાણીની ટાંકીની ગલીમાં જુગાર રમતા 4 શખ્સોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 21 હજારની મત્તા કબજે કરી હતી.