સુરત: ઉતરાણ પોલીસની હદમાં મોટા વરાછા એપલ સ્ક્વેરના પહેલા માળે આવેલી સ્ટાર બજાર નામની દુકાન ભાડે રાખનાર જમીન દલાલ જુગાર રમતા 9 જુગારીઓ સાથે પકડાયો હતો. જુગારીઓ પાસેથી પીસીબી અને એસઓજીએ રોકડ 7.26 લાખ અને મોબાઈલ ફોન મળીને કુલ 10.39 લાખનો મુદામાલ કબજે લીધો હતો.
- વરાછા એપલ સ્કેવરમાં સ્થિત ઓફિસમાં ચાલતો હતો જુગારનો અડ્ડો, 9 જુગારિયા સહિત 10.39 લાખનો મુદ્દામાલ કબજે
- જમીન દલાલ રાજેશ ભલગામડીયાએ પહેલા માળ પર સ્ટાર બજાર નામની ઓફિસ 6 મહિનાથી ભાડે રાખી હતી
પીસીબીની અને એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ તથા હર્ષદભાઈ નવઘણભાઈને ઉતરાણ મોટા વરાછા એપલ સ્ક્વેરના પહેલા માળે આવેલી સ્ટાર બજાર નામની દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે રેઈડ કરતા જુગાર રમતા આરોપી રાજેશભાઈ ભુદરભાઈ ભલગામડીયા (ઉ.વ.૪૭, રહે. રાધેશ્યામ સોસાયટી, કતારગામ તથા મુળ તા.ગઢડા જી.બોટાદ), રાજેશભાઈ રાઘવભાઈ સાવલીયા (ઉ.વ.૪૭, રહે. વ્રજ વિવાંતા, સરથાણા તથા મુળ જી.અમરેલી), રમણીકભાઈ લવાભાઈ ગોંડલીયા (ઉ.વ.૫૯, રહે. કૈલાસનગર સોસાયટી, તા.ચીખલી, જી.નવસારી), ભાવેશભાઈ કરમશીભાઈ કાસોદરીયા (ઉ.વ.૪૨, રહે. નીલકંઠ સોસાયટી, કાપોદ્રા તથા મુળ તા.લાઠી જી.અમરેલી), પ્રકાશ મનુભાઈ બ્રહ્મભટ્ટ (ઉ.વ.૫૯, રહે. અંબિકા પાર્ક સોસાયટી, કતારગામ તથા મુળ જી.આણંદ), પ્રવિણભાઈ વાલજીભાઈ ડોંડા (ઉ.વ.૫૪, રહે. મમતાપાર્ક સોસાયટી, કાપોદ્રા તથા મુળ ભાવનગર), રાજેશભાઈ રામદાસ ચૌધરી (ઉ.વ.૪૨, રહે. મરાઠા ચોક કુકરમુંડા ગામ તા.કુકરમુંડા જી.તાપી), રાજેશભાઈ છગનભાઈ રાણપરીયા (ઉ.વ.૪૦, રહે. શ્રીહરી વિલા રેસીડન્સી સરથાણા તથા મુળ અમરેલી), શૈલેષભાઈ કનુભાઈ પડાસાળા (ઉ.વ.૪૧, રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સરથાણા તથા મુળ જુનાગઢ) ને જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૭,૨૬,૬૬૦ તથા 9 મોબાઈલ ફોન મળીને કુલ ૧૦,૩૯,૧૬૦ ની મત્તાના મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
દેલાડ પાટિયા પાસે અકસ્માતમાં પરિયાના વૃદ્ધનું મોત
સાયણ : ઓલપાડના પરીઆ ગામના વૃદ્ધ દેલાડ ચાર રસ્તાથી પરીઆ પગપાળા ચાલતા જઈ રહ્યા હતા,ત્યારે ગામના જ ટેમ્પાના ચાલકે વૃદ્ધને ટક્કર મારી અડફતે લેતા તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઓલપાડના પરિયા ગામમાં રહેતા 80 વર્ષીય નરસિંહ જોરદાસ પટેલ રવિવારે સવારે પોણા અગિયાર વાગ્યે દેલાડ પાટિયા પાસે પગપાળા પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમના જ ગામમાં રહેતા મારૂતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતા ટેમ્પો ચાલક વૈભવ હસમુખભાઇ લાડાણીએ તેમને ટક્કર મારી હતી. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતના કતારગામ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેના પગલે પોલીસે ટેમ્પા ચાલક વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.