Dakshin Gujarat

ટ્રક પાર્ક કરી ડ્રાઈવર ન્હાવા અને જમવા ગયો ત્યાં તો બે તસ્કરો આવી 3.26 લાખના 8 પાર્સલ ચોરી ગયા

પલસાણા : સુરતથી (Surat) ટ્રક (Truck) માલિક કમ ચાલકે ઉત્તરપ્રદેશમાં ડિલિવરી કરવા ટ્રાન્સપોર્ટ મારફતે લાખોની કિંમતના સાડીના પાર્સલ (Parcel) ભર્યા હતા. હાઈવે (High way) પર ટ્રક પાર્ક કરી ચાલક ઘરે નાહવા માટે ગયો હતો તે દરમિયાન 2 તસ્કરો (Smugglers ) તાડપત્રી તેમજ દોરડું કાપી પાર્ક કરેલી ટ્રકમાંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી પોતાની ટ્રકમાં નાખી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે ટ્રક માલિકે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી

મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાના હરસણપુર ગામના અને હાલ પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલી સર્વોત્તમ કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર 305માં રહેતા બબલુ ગગન યાદવ (ઉ30) પોતાની માલિકીની ટાટા કંપનીની DN 09 V 9823 નંબરની ટ્રક ધરાવે છે અને આ ટ્રકને જાતે હંકારી બબલુ યાદવ સુરતથી ઉત્તરપ્રદેશ પાર્સલ ભરી ફેરા મારે છે. ગત 21 એપ્રિલના મોડી રાતે પલસાણાના આંત્રોલી ખાતે આવેલ આર.કે.ટ્રાન્સપોર્ટમાંથી 156 નંગ સાડીના અલગ અલગ પાર્સલ ભરી ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા.

તેઓ ચલથાણ ખાતેમાં પોતામાં બિલ્ડિંગના ફ્લેટની સામે મોસમ મોટર્સની આગળ અમદાવાદથી મુંબઈ તરફના ને.હા.48 ના સર્વિસ રોડ પર ટ્રક પાર્ક કરી ઘરે જમવા તેમજ નાહવા માટે ગયા હતા. રાત્રીના બે વાગ્યાના અરસમાં તેઓની નીચે રહેતા પાડોસીનો ફોન બબલુ યાદવની પત્ની પર આવ્યો અને જણાવ્યું હતુ કે તેઓના ટ્રકમાંથી કોઈ પાર્સલ કાઢી રહ્યું છે. જેથી બબલુ યાદવની પત્નીએ બબલુ યાદવને જગાડતા તેઓ તરત ટ્રક પાસે ગયા. અજાણ્યા ઈસમો બબલુની ટ્રકમાંથી પાર્સલ તેઓની ટ્રકમાં નાખી રહ્યા હતા. બબલુને જોઈ તસ્કરો ટ્રક લઈ કડોદરા તરફ ભાગી છૂટ્યા હતા.


ટ્રાન્સપોર્ટ મનેજરે ફોન નહીં ઉપાડતાં ટ્રક માલિક અને તેની પત્ની આખી રાત રોડ પર ટ્રક પાસે બેસી રહ્યા
બબલુએ ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ મેનેજર સુશીલસિંગને કરવા ફોન કરતા સુશીલસિંગે ફોન નહિ ઉઠાવતા બબલુયાદવ અને તેની પત્ની આંખી રાત ટ્રક નજીક બેસી રહ્યા હતા અને સવારે મેનેજરનો ફોન આવતા જાણ કરી હતી. ટ્રાન્સપોર્ટ મેનેજર ઘટના સ્થળે આવી બીલટી પ્રમાણે પાર્સલ ચેક કરતા ગાડીમાં ભરેલા 156 પાર્સલ પૈકી જુદી જુદી પાર્ટીના 3,26,226ની કિંમતના પાર્સલ ચોરાયા હોવાનું જણાય આવ્યું હતુ. ઘટના અંગે ટ્રક માલિકે બે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે

Most Popular

To Top