SURAT

ભ્રષ્ટાચારી સુરત ટ્રાફિક પોલીસે ચામડી બચાવવાનું શરૂ કર્યું : બેદરકાર 9 ટ્રાફિક જવાનોને બરતરફ કરાયા

સુરત: (Surat) વકીલ મેહુલ બોધરાને માર મારવાના કેસમાં સુરતની ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ (Corrupted Traffic Police) જાણે કે બેકફુટ ઉપર આવી ગઇ હોય તેમ હવે પોતાની ચામડી બચાવવાનું શરૂ કરી દીધું છે. પોતાની સારી છબી બતાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટીઆરબીમાં (TRB) બેદરકાર રહેતા 9 જવાનોને બરતરફ કરી દેવાયા છે, આ સાથે ટ્રાફિકના એડિ. કમિશનર શરદ સિંઘલે મેહુલ બોધરા ઉપર જ્યારે હુમલો થયો તે દરમિયાન હાજર પોલીસ કર્મચારીઓના નિવેદનો લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચાર દિવસ પહેલા ગુરૂવારે સરથાણા ચાર રસ્તા પાસે ટ્રાફિકના નામે દંડ ઉઘરાવતા ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસની કાળીકરતૂતને ઉજાગર કરવા માટે એડવોકેટ મેહુલ બોધરાએ ફેસબુક લાઇવ શરૂ કર્યું હતું. વીડિયો શરૂ હતો ત્યાં જ મેહુલ બોધરા ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલામાં ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ સહિત અન્યની સામે મારામારીનો ગુનો નોંધાયો હતો અને સાજનની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે, મારામારીની આ ઘટનામાં સુરતના ટ્રાફિક વિભાગના એડિ. કમિશનર શરદ સિંઘલે તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. બીજી તરફ ત્રણ દિવસથી ટીઆરબી જવાનને છાવરી રહેલા સુરતની ટ્રાફિક પોલીસે હવે પોતાની ચામડી બચાવવાનું શરૂ કર્યું છે, રવિવારે પોલીસે સરથાણા તરફના વિસ્તારમાં બેદરકાર જણાતા 9 પોલીસ જવાનોને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા આ 9 જવાનો પ્યાદા છે, આ તમામને હટાવી લઇને પોલીસે મોટા મગરમચ્છોને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

એસીપી ઝેડ.એ. શેખ ઉપર મેહુલ બોધરાના ગંભીર આક્ષેપો : 50 ટીઆરબી જવાનની ટોળકી બનાવી હપ્તા ઉઘરાવતા હતા
સુરત મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયેલા એડવોકેટ મેહુલ બોધરાએ ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું સુપરવીઝન કરનારા અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. મેહુલે ટ્રાફિક પોલીસના રીઝીયન-1ના એસીપી ઝેડ.એ. શેખ ઉપર આક્ષેપો કરતા કહ્યું હતું કે, આ અધિકારી પોતાના 50 માણસોને રીઝીયન-1માં ઊભા રાખી દઇને દર મહિને હપ્તા વસૂલી રહ્યા છે. તેઓના આર્શિવાદને કારણે જ ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસ મનફાવે તેવા રૂપિયા દંડના નામે વસૂલે છે. ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે મોટા ટ્રકો, રિક્ષા, મોપેડ, બાઇક ચાલકો, કાર ચાલકોને ઊભા રાખીને દંડ વસૂલ રહ્યા છે. આ ઉપરાંત મેહુલ બોધરાએ ટ્રાફિકના તમામ રીઝીયનના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની પણ ચીમકી આપી છે. આ બાબતે ‘ગુજરાતમિત્ર’ દ્વારા એસીપી ઝેડ.એ. શેખનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કોઇપણ પ્રકારની કોમેન્ટ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં સાજન ભરવાડના જ સંબંધીઓ ટીઆરબીમાં જોડાયેલા છે
વકીલ મેહુલ બોધરાએ હોસ્પિટલમાંથી જ ફેસબુક ઉપર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં ઘટના સમયે એક વનાભાઇ હરીભાઇ ભરવાડ નામનો ઇસમ પણ ટીઆરબીમાં જોડાયેલો છે. અને આ વનાભાઇ સાજન ભરવાડનો સંબંધી થતો હોવાનું મેહુલ બોધરાએ વીડિયોમાં જણાવ્યું છે. વધુમાં સાજન ભરવાડ સુપરવીઝન કરીને પોતાના જ મળતીયા માણસોને ટીઆરબીમાં મુકીને દંડ વસૂલીના નામે ભ્રષ્ટાચાર કરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top