SURAT

‘સિદ્ધનાથ મંદીર ક્યાં છે?’ એવું પૂછી નાગાબાવાએ સુરતના વૃદ્ધની સોનાની ચેઈન તફડાવી

સુરત (Surat) : જહાંગીરપુરા ખાતે કારમાં (Car) આવેલા અજાણ્યા સાથે એક નાગાબાવા બેસેલા હતા. તેમણે વૃદ્ધને (Old Man) સિદ્ધનાથ મહાદેવ (Sidhnath Mahadev) મંદિર ક્યાં હોવાનું પુછી વાતોમાં પરોવી રાખ્યો હતો. અને વૃદ્ધના ગળામાં પહેરેલી સોનાની ચેઈન અને રૂદ્રાક્ષ માળા મળી 1.35 લાખની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. જહાંગીરપુરા પોલીસે અજાણ્યો કાર ચાલક અને નાગાબાવા સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • જહાંગીરપુરાના વૃદ્ધને વાતોમાં પરોવી નાગાબાવાએ સોનાની ચેઈન અને રૂદ્રાક્ષ માળા તફડાવી ગયા
  • ‘સિદ્ધનાથ મહાદેવ મંદિર ક્યાં આવ્યું’ પુછી જહાંગીરપુરામાં કારમાં આવેલા નાગાબાવા અને કાર ચાલક કળા કરી ગયા
  • પુત્રોએ ગયા મહિને જ જન્મ દિવસે વૃદ્ધને સોનાની ચેઈન ગીફ્ટ આપી હતી

જહાંગીરપુરા ખાતે ઇચ્છાનગર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય પ્રવિણચન્દ્ર કેવળભાઈ પટેલ નિવૃત્ત જીવન વિતાવે છે. 4 જુને તેમનો જન્મ દિવસ હતો. જેથી તેમના પુત્રોએ તેમને દોઢ તોલાની સોનાની ચેઈન ગીફ્ટ આપી હતી. પ્રવિણચંદ્ર અગાઉથી એક સોનાની રૂદ્રાક્ષની માળા પણ પહેરતા હતા. ગઈકાલે બપોરે તેઓ ઘરેથી તેમની બાઈક (જીજે-05-જીએલ-9698) લઈને બેંકમાં બચત ખાતામાં માસિક 1000 રૂપિયા બચત જમા કરાવવા માટે ગયા હતા. બેંક પાસે પહોંચતા ત્યાં એક કાર ચાલક તેમની પાસે આવ્યો હતો. અને તેની બાજુની સીટ પર એક નાગો બાવો બેસેલો હતો.

કાર ચાલકે કાચ નીચે ઉતારી પ્રવિણચંદ્રને સિદ્ધનાથ મહાદેવ મંદિર ક્યા આવ્યું અને કેટલે દુર છે તેમ પુછ્યું હતું. પછી નજીકમાં કોઈ મહાદેવ મંદિર તથા રાધા-ક્રિષ્ન સર્કલ બાબતે બે-ત્રણ વખત આગળ-પાછળ આવી પુછપરછ કરી વાતોમાં પરોવી નજર ચુકવી તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઈન કાઢી લીધી હતી. બાદમાં કાર ચાલક નીકળી ગયો હતો. બાદમાં ગળામાં જોતા તેમના ગળામાંથી સોનાની ચેઈન અને રૂદ્રાક્ષ માળા ગાયબ હતી. નજીકની દુકાનમાં સીસીટીવી ફુટેજ ચેક કરતા હોન્ડા કંપનીની નંબર પ્લેટ વગરની કાર હતી. આ બાબતે વૃદ્ધ દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલસ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી ચોર ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસે કાર ક્યાં ગઈ તે સીસીટીવી ફૂટેજની મદદથી શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Most Popular

To Top