સુરત: (Surat) સુરતના વલ્લભ સ્વામીનો પ્રવચન વીડિયો (viral video) હાલ વાયરલ થયો છે. જેમાં તેમણે જે નિવેદન આપ્યું છે તેણે દિવસ દરમ્યાન ભારે ચર્ચા જગાવી છે. તેમણે એક પ્રવચનમાં (Speech) કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઝાડુ (Broom) ફેરવશે. દિલ્હીથી સાવરણો ગુજરાતમાં આવ્યું છે તે કાંઈક તો સાફ કરશે જ. સાવરણાનું કામ સાફ કરવાનું છે. સ્વામીએ ગર્ભિત રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપને સફળતા મળશે એવા સંકેત આપ્યા હતા. વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવશે તેવું ગર્ભિત રીતે જણાવતા સ્વામીનો વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે મૂકીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
સુરતના રૂસ્તમબાગ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર દ્વારા ગઈકાલે ઓનલાઈન કથા યોજાઈ હતી. જેમાં મંદિરના મહંત વિશ્વવલ્લભ સ્વામીએ પ્રવચન આપ્યું હતું. જેમા વિશ્વવલ્લભ સ્વામી દ્વારા જે રાજકારણની વાતો કરવામાં આવી હતી તેના લીધે ભારે ચર્ચા જાગી છે. તેમણે ઓનલાઈન કથામાં રાજકીય વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.
વિશ્વવલ્લભ સ્વામીએ કહ્યું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ. આગળ વાત કરતા વિશ્વલ્લભ સ્વામી કહ્યું કે, દિલ્હીથી કેજરીવાલનો સાવરણો ગુજરાતમાં આવ્યો છે. હવે ગુજરાતમાં સાવરણો આવ્યો છે તો, સફાઈ તો કરશે જ એ તો પાક્કું છે. કોની સફાઈ કરશે તે ખબર નથી પણ સફાઈની તૈયારી તો રાખવી જ પડશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે વાત કરી છે તેને આમ આદમી પાર્ટીએ જાણે કે ભુનાવી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સ્વામીના પ્રવચન દ્વારા પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આપના નેતાઓના ધ્યાન પર આ વાત આવતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા ઉપર વિશ્વવલ્લભ સ્વામીના પ્રવચનમાં આમ આદમી પાર્ટીની વાત તેમ કહી તે ભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો છે.