બસ કંડક્ટરનો દિકરો રાજ કુન્દ્રા આ રીતે બની ગયો કરોડોની સંપત્તિનો માલિક

મુંબઈ: (Mumbai) બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raaj Kundra) મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ ફિલ્મ બનાવવા ઉપરાંત ફિલ્મો બનાવીને એપ પર અપલોડ કરવાનો આરોપ છે. જણાવી દઈએ કે રોયલ લાઈફ જીવતા રાજ કુન્દ્રા એક સમયે શાલ વેચવાનું કામ કરતા હતા. તેમના પિતા (Father) બસ કંડક્ટર હતા. હાઈસ્કૂલ પાસ રાજ કુન્દ્રા આજે 10 કંપનીઓનો માલિક છે અને તેની પાસે એકથી એક લક્ઝુરિયસ કાર છે. તેની કરોડપતિ (Millionaire) બનવાની સફર પણ દિલચસ્પ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા રાજે પોતાના દમ પર અને બિઝનેસ સ્કીલને કારણે કરોડોની સંપત્તિ બનાવી છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું, ‘આજે હું જે પણ એશોઆરામનું જીવન જીવું છું તેનાથી મારૂં બાળપણ તદ્દન વિપરિત હતું. લક્ઝૂરિયસ કાર, સારાં કપડા, મોટું મકાન આ બધું ત્યારે એક સપના જેવું હતું.’

9 સપ્ટેમ્બર, 1975માં લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાના પિતા બાલકૃષ્ણ કુંદ્રા પંજાબના લુધિયાણાના હતા. તેઓ લંડન ગયા હતા અને અહીંયા બસ કન્ડક્ટર તરીકે કામ કરતા હતા. રાજની માતા ઉષા રાની કુંદ્રા સોપ આસિસ્ટન્ટનું કામ કરતી હતી. થોડાં વર્ષ બાદ રાજના પિતાએ લંડનમાં રેસ્ટોરાં શરૂ કરી હતી.

બીજી તરફ 18 વર્ષની વય બાદ હાઇસ્કૂલ પાસ રાજ પિતાની સલાહથી પોતાનું નસીબ અજમાવવા નીકળી પડ્યો હતો. તે ઘરેથી થોડાં પૈસા લઈને દુબઈ ગયો હતો. અહીંયા તે હીરાનો વેપાર કરતાં વેપારીઓને મળ્યો અને તેમની સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, અહીંયા કંઈ થયું નહીં અને રાજ દુબઈથી નેપાળ જતો રહ્યો હતો. 1994માં રાજ નેપાળ ગયો અને અહીંયા તેણે પશમીના શાલ ખરીદી હતી. આ શાલ રાજે બ્રિટનના જાણીતા બ્રાન્ડેડ સ્ટોરીને વેચી હતી. આ રીતે રાજનો શાલનો બિઝનેસ ચાલવા લાગ્યો હતો. અને ત્યારબાદ તેણે અનેક બિઝનેસ કર્યા અને તેની લાઈફ સ્ટાઈલ બદલાતી ગઈ. રાજ રિયલ એસ્ટેટ, માઇનિંગ, એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, સ્ટોક માર્કેટ, ગેમિંગ તથા હોસ્પિટાલિટી સહિતના અનેક બિઝનેસ સાથે જોડાયેલો છે.

રાજ કુંદ્રા 2004માં બ્રિટિશ મેગેઝિન સક્સેસમાં સૌથી અમીર એશિયન બ્રિટિશ લિસ્ટમાં 198માં સ્થાને હતો. રાજ કુંદ્રા લંડન સ્થિત ભારતીય મૂળનો મુખ્ય વેપારી છે. રાજ બોલિવૂડ ફિલ્મ તથા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રોકાણ કરે છે. જણાવી દઈએ કે રાજ કુંદ્રા તથા અક્ષય કુમારે બેસ્ટ ડીલ ટીવી નામથી એક ચેનલ લોન્ચ કરી હતી. આ એક હોમ શોપિંગ ચેનલ છે. મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ  કરવાનો મામલો નોંધ્યો હતો. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ  કરી છે.

જણાવી દઈએ કે 19 જુલાઈના રોજ એટલે કે ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. રાતે 9 વાગે રાજ કુન્દ્રા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ભાયખલા ઓફિસ ખાતે પહોંચ્યો હતો. લગભગ 2 કલાકની પૂછપરછ બાદ તેમની રાતે 11 વાગે ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ સવારે 4 વાગે મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાંથી સવારે સવા 4 વાગે મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસ લઈ જવાયો હતો. પોલીસનો દાવો છે કે તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે. પોલીસે વીડિયો અપલોડ કરનારા ઉમેશ કામથની પણ ધરપકડ કરી છે. 

Related Posts