સુરત (Surat) : સોમવારે શિવસેનાના (Shivsena) ધારાસભ્યોને (MLA) હોટેલ ર્લે-મેરિડિયન પર આવવાનું શરૂ થયુ ત્યારથી મંગળવારે રાત્રે અઢી વાગ્યે ફલાઇટથી એરલિફ્ટ (Airlift) કરી આસામ મોકલાયા ત્યાં સુધી સુરત પોલીસની ઊંઘ ઉડી ગઇ હતી. જે રીતે રાજકીય ડ્રામાં ચાલ્યો તેના કારણે કોઇ ઊંચ-નીચ નહીં થઇ જાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ જાગરણ થયું હતું રાત્રે અઢી વાગ્યે ધારાસભ્યોને બસ મારફતે એરપોર્ટ લઈ જવાયા હતા. ત્યારે સુરત એરપોર્ટ ધમધમી ઉઠયું હતું. સુરતથી મહારાષ્ટ્રના ધારાસભ્યોને એરલિફ્ટ કરાયા ત્યારે સૌથી મોટી રાહત આ ધારાસભ્યોના બંદોબસ્તમાં ગોઠવાયેલી સુરત પોલીસને થઈ હતી.
મંગળવારે રાત્રે 11-15 વાગ્યે હોટલ બહારથી ત્રણ બસ આવી હતી તેમાંથી પોલીસ કર્મચારીઓ ઉતર્યા હતા અને બસ હોટલની પ્રિમાઈસીસમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ એવું કહેવાતું હતું કે ગણતરની મીનીટોમાં બસમાં બેસીને ધારાસભ્યો એરપોર્ટ પહોંચશે. પરંતુ છેક રાત્રીના 2-20 વાગ્યે આ બસ હોટલથી નીકળી હતી. મહારાષ્ટ્રના ધારાસભ્યોને લઈ જતી બસને સુરત પોલીસે એસ્કોર્ટિંગ કર્યું હતું.
જો કે શિવસેનાના એક ધારાસભ્ય નીતીન દેશમુખે હોટલ માથે લીધી હતી. અહીં સરભરામાં રોકાયેલા નેતાઓ, હોટેલ સ્ટાફ અને પોલીસ માટે મહામુશકેલી ઊભી થઇ હતી. નીતીન દેશમુખ આવ્યા ત્યા સુધી નોર્મલ હતા પરંતુ તેમણે હોટેલની બહાર જઇ લટાર મારવા કહ્યું ત્યારે તેને મનાઇ કરાતા તોફાને ચડયા હતા. લોકશાહી છે.. હુ ગમે ત્યાં જાવ… મને રોકનાર કોણ.. તેવું કહી પોલીસ અધિકારીઓને પણ જેમ ફાવે તેમ બોલવા માંડયા હતા. હોટેલ સ્ટાફ સાથે ઝપાઝપી કર્યા બાદ કુંડું ઉચકીને પોતાના જ માથામાં મારી દેવાની, ગળું કાપી નાંખવાની વગેરે ચીમકી આપતા પોલીસ અધિકારીઓ પણ ગભરાઇ ગયા હતા. દરમિયાન અન્ય નેતાઓના કહેવાથી તેને મુંબઇ પાછા જવુ હોય તો જાવ તેવુ કહી ગાડીમાં બેસાડી દેવાયા હતા જો કે નીતીન દેશમુખ ત્યાં વીડિયો ઉતારવા માંડયા હતા અને પાછા હોટેલમાં ઘૂસી ગયા હતા અને મારે જવું હોય તો જઇશ તમે મોકલવાવાળા કોણ તેવુ કહી તોફાને ચડયા હતા આખરે તેને પ્રેશર વધી જતા સીવીલ હોસ્પિટલમાં લઇ જવાયા ત્યાથી તેના પત્નિ સાથે વાત કરાવાયા બાદ ઢીલા પડયા હતા. જો કે તે રવાના થયા ત્યા સુધી બધાના જીવ અદ્ધર થઇ ગયા હતા.
એક ધારાસભ્યને નવસારીથી પરત લાવ્યા હોવાની પણ ચર્ચા
શિવસેનાના જે બાગી ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવ્યા તેમાથી અમુક બળવા મુદ્દે અસમંજસમાં હોય તેવી પણ સ્થિતી હતી. નીતીન દેશમુખે તોફાન મચાવ્યું હતું તે રીતે અન્ય એક ધારાસભ્ય સુદાસ કાંડે પણ અસમંજસમાં હોય તેવું લાગ્યુ હતુ. એવી ચર્ચા છે કે તે પણ હોટેલ પરથી કોઇ રીતે બહાર આવી ગયા હતા અને મુંબઇ જવા રવાના થઇ ગયા હતા પરંતુ નવસારી ખાતેથી તેને એનકેન પ્રકારે ફરી સુરત લઇ અવાયા હતા.
અમે જ સાચા શિવ સૈનિક : એરપોર્ટ પર ધારાસભ્યોનું નિવેદન
સુરત ડુમસ રોડ પર આવેલી હોટલમાં રોકાયેલા મહારાષ્ટ્ર સરકારના 41 ધારાસભ્યોને લઈને ત્રણ બસ એરપોર્ટ પહોંચી ત્યારે ભારે ડ્રામા થયા હતા. રાત્રિના અઢી વાગ્યે બસ એરપોર્ટ પર પહોંચતા સુરત એરપોર્ટ ધમધમી ઉઠ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બળવાખોર ધારાસભ્યો પાસે જવામાં મીડિયાની સફળતા મળી હતી. બળવાખોર ધારાસભ્યો માંથી કેટલાક ધારાસભ્યોએ મીડિયા સાથે તૂટક વાત કરી હતી. મોટાભાગના સભ્યોએ કહ્યું હતું કે અમે સાચા શિવસૈનિક છીએ. અમારે ભાજપ સાથે સરકાર બનાવી છે અમે શિવસેના છોડી નથી.