સુરત: (Surat) પીપલોદ ખાતે રહેતા બિલ્ડરે (Builder) મહારાષ્ટ્રના પૂણેમાં સહારા ગ્રુપના (Sahara Group) એમ્બેવેલી સિટીમાં સેલિબ્રેશન નામની યોજનામાં ફ્લેટ લેવા માટે તૈયારી દર્શાવી હતી. તેમણે 1.07 કરોડ ટુકડે ટુકડે ચુકવી દીધા પછી પણ પ્રોજેક્ટ (Project) શરૂ થયો નહોતો. અને પજેશન નહી મળતા તેમને રૂપિયાની પરત માંગણી કરતા સહારા ગ્રુપે તેમને રૂપિયા (Money) પરત આપ્યા નહોતા અને ફ્લેટ પણ નહી મળશે તેમ કહી જે કરવું કરી લો તેવો જવાબ આપી છેતરપિંડી કરી હતી.
પીપલોદ ખાતે શાંતમ એપાર્ટમેન્ટમાં રહેતા 61 વર્ષીય ઇલ્યાસભાઈ તાહેરભાઈ રેલવેવાલા વ્યવસાયે બિલ્ડર છે. તેમની રામચોક ખાતે જોલી સ્કવેરમાં ઓવરસીઝ ડેવલોપર્સ નામથી ઓફિસ આવેલી છે. તેમણે આજે સહારા ગ્રુપના સુબ્રતો રોય સહિત 8 જણા સામે ક્રાઇમબ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઇલ્યાસભાઈએ મહારાષ્ટ્રના પૂણેમાં મુલસી તાલુકામાં એમ્બેવેલી સિટી ડેવલોપર લિમિટેડ નામથી શરૂ થયેલા પ્રોજેક્ટમાં વર્ષ 2005 માં ગુજરાતમાંથી સૌપ્રથમ વિલા ખરીદી હતી અને બાદમાં વેચી દીધી હતી. વર્ષ 2012 માં અર્ચના કુડાલકર તથા તેમની સહકર્મી ઇલ્યાસભાઈને સુરત મળવા આવ્યા હતાં. તે સમયે ઓફિસમાં ઇલ્યાસભાઈના પત્ની યાસ્મીન પણ ઓફિસમાં હાજર હતાં. અર્ચનાએ તેમને જણાવ્યું હતું કે, તેઓ એમ્બેવેલીના સૌથી જૂના ગ્રાહક હોવાથી નવા સેલિબ્રેશન પ્રોજેક્ટમાં બની રહેલા માત્ર 72 ફ્લેટમાં બુકિંગ માટે તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારબાદ અર્ચનાએ તેમના સીઈઓ રોમી દત્તા સાથે પણ ફોન ઉપર વાત કરાવી હતી. તેમની વાતમાં આવીને ઇલ્યાસભાઈએ સેલિબ્રેશન પ્રોજેક્ટમાં એમ્બેવેલી સિટીમાં ફ્લેટ નંબર બી-202 ખરીદ્યો હતો. 99 વર્ષની લીઝ ફ્લેટ લેવા માટે તેમણે 1.91 કરોડનું રોકાણ કર્યું હતું.
ઇલ્યાસભાઈએ બેંકમાંથી તબક્કાવાર 1.07 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. ત્યારબાદ વર્ષ ઓગસ્ટ 2012માં તેમને 99 વર્ષ માટે લીઝ ડીડ કરી આપી એલોટમેન્ટ લેટર પણ આપી દીધો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો સમયસર ફ્લેટનું પજેશન નહીં મળે તો તેમને વાર્ષિક 18 ટકા વ્યાજ સાથે રોકેલા રૂપિયા પરત કરી દેવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2013 સુધી પજેશન નહીં આપતા ઇલ્યાસભાઈએ મુંબઈ સહારા સ્ટાર હોટલ ખાતે આવેલી ઓફિસે ગયા હતા. જ્યાં અવિનાશ સહાય અને વિવેકકુમાર મળ્યા હતા. તેમણે ઉપરી અધિકારીઓ સાથે વાત કરાવીને પજેશન આપવા માટેનો વિશ્વાસ અપાવ્યા બાદ પણ 2019 સુધી સમય પસાર કર્યો હતો.
અંતે કંટાળી તેમણે બુકિંગ કેન્સલ કરીને ચુકવેલી રકમ 18 ટકા વ્યાજ સાથે પરત માંગી હતી. ત્યારે પિન્કી ભારદ્રાજ અને ગોવિંદ વર્માએ 6 મહિનામાં વ્યાજ સહિતના નાણા પરત આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જોકે ત્યારપછી પણ રૂપિયા પરત આપ્યા ન હતાં. સીઈઓ રોમી દત્તાએ ઇલ્યાસભાઈને જણાવ્યું હતુ કે તેમના રૂપિયા સેલિબ્રેશન પ્રોજેક્ટના ડેવલોપમેન્ટમાં નહીં પણ સહારાની લોન ભરવામાં વાપરી નાખ્યાં છે. એટલે તમને જે કરવું કરો અમે નાણા ચુકવવાના નથી અને ફ્લેટ આપવાના નથી. જેથી ઇલ્યાસભાઈને તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમને ક્રાઈમ બ્રાંચમાં સુબ્રતો રોય, રોમી દત્તા, અર્ચના કુડાલકર, અવિનાશ સહાય, વિવેકકુમાર, પિન્કી ભારદ્વાજ, મનપ્રિત કોર અને ગોવિંદ વર્માની સામે ફરિયાદ નોંધાવી હતી.