સુરત: (Surat) અરબ સાગરમાં ઉદ્ભવેલી લો પ્રેશર સિસ્ટમને કારણે આજે સવારથી શહેર તથા જિલ્લામાં વરસાદ (Rain) વરસવાનું ચાલુ રહ્યું હતું. જેને કારણે શહેરભરમાં સૂસવાટા મારતા ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી નાખ્યાં હતાં. સાથેજ ઠંડીનું (Cold) પ્રમાણ વધવાથી લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. જ્યારે કામકાજી લોકોને સ્વેટરની (Sweater) સાથે વરસાદથી બચવા રેઈનકોટ (Raincoat) પણ પહેરવું પડ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી અપર એર સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઇ ગુજરાત અને મધ્ય પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ લો પ્રેશર સિસ્ટમને કારણે વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે. શિયાળામાં પણ જાણે ચોમાસાનો પ્રારંભ થયો હોય તેમ સવારથી માવઠાની અસર વર્તાઈ રહી હતી. બપોર બાદ શહેરમાં વરસાદની ઝડી લાગી હતી. ભરશિયાળે માવઠાને કારણે શહેરીજનોને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરાવ્યો હતો.
વાતાવરણ હિલસ્ટેશન જેવું બનતા સુરતીઓ મોજ માણવા નિકળી પડ્યાં
(Surat) હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં (Atmosphere) પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો થવાનું કારણ બંગાળ ની ખાડીમાં ડેવલપ થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. વાતાવરણમાં પલટો આવતા સુરતની વાતાવરણ જાણે હિલસ્ટેશન (Hill Station) બની ગયું છે. મંગળવારે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદ પડ્યો હતો. સાથેજ ઠંડીનું (Cold) પ્રમાણ પણ વધતા લોકો રીતસરના ઠઠર્યા હતા. જોકે લોકોએ વાતાવરણની મોજ પણ માણી હતી. ખાસ કરીને ગરમાગરમ પોંકવડા, પેટિસ અને રતાળુ પૂરી ખાઈને ઠંડી (Winter) અને વરસાદ (Rain) બંને મોસમનો સ્વાદ માણ્યો હતો.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં તથા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર ઉપર પણ આવેલા અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે સુરત શહેર તથા જિલ્લામાં સવારથી જાણે ચોમાસાનો પ્રારંભ થયો હોય તે રીતે વરસાદ વરસી રહ્યો હતો. શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બારડોલીમાં ૧૫ મીમી, ચોર્યાસીમાં ૧૫ મીમી, કામરેજ ૨૧ મીમી, મહુવા ૯ મીમી, માંડવી ૨ મીમી, માંગરોળ ૧૩ મીમી, ઓલપાડ ૭ મીમી, પલસાણા ૧૨ મીમી અને ઉમરપાડામાં ૩૧ મીમી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો યલો એલર્ટ
શહેરમાં આગામી ત્રણેક દિવસ સુધી લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની પરિસ્થિતિ યથાવત રહેવાની આગાહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. એટલે કે આગામી ચોવીસ કલાક સામાન્ય થી ભારે વરસાદ થવાની સંભાવના છે.