સુરત: (Surat) સુરત પોલીસમાં (Police) બદલીમાં (Transfer) ક્યારેય ન જોવા મળેલો ગેરવહીવટ હાલમાં જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી ગંભીર બાબત એ છે કે, જે પીઆઇને સ્ટેટ વિજિલન્સની (State vigilance) રેડને (Raid) કારણે રાંદેર પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ (Suspend) થવું પડ્યું હતું, તે પીઆઇ બલદાણીયાને સચિન જીઆઇડીસીનો (Sachin GIDC) હવાલો સોંપવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે દેશી દારૂનું હબ સચિન જીઆઇડીસી છે. તેમાં પીઆઇ બલદાણીયાની નિમણૂક આવી પોસ્ટ પર આપવી એ બતાવે છે કે, ઉપર ચોક્કસ કોઇ મોટું માથું સક્રિય છે. આ બદલીમાં કયું મોટું માથું મનસ્વી રીતે વિવાદી અધિકારીઓને સારું પોસ્ટિંગ (Posting) આપી રહ્યું છે, એ તપાસનો વિષય છે.
કમિશનર અજય તોમર દ્વારા લેવામાં આવેલાં આ પગલાંએ પોલીસ બેડામાં લોકોને આશ્વર્યમાં નાંખી દીધા છે. અલબત્ત, પીઆઇ બદલાણિયાની નિમણૂકે હાલમાં પોલીસની બદલીમાં નરી લોલમલોલ ચાલતી હોવાનું પૂરવાર થઇ ચૂક્યું છે. આ રીતે વિવાદી અધિકારીઓની બદલી કરવી એ સામાન્યત: કમિ અજય તોમરના રાજમાં જોવા મળ્યું નથી. અલબત્ત, આ વખતે જે રીતે ટ્રેન્ડ બદલાયો છે તે જોતાં આ બદલી કોણ કરાવી રહ્યું છે તે હાલમાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ચોવીસ કલાકમાં ફરી સચિનમાં ગોઠવણી
હાલમાં સચિન જીઆઇડીસીનો કેશિયરનો હવાલો જેને સોંપાયો છે તે ઘનશ્યામ સિંહની બદલી સચિનમાંથી બહાર કરવામાં આવી હતી. દરમિયાન ચોવીસ કલાકમાં ઉચ્ચ અધિકારીઓ ઘનશ્યામસિંહને પરત લાવી દીધો હતો. ઘનશ્યામસિંહ સામે પણ ભૂતકાળમાં ગંભીર આક્ષેપ થયા છે. આમ, એક કોન્સ્ટેબલને જે રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાલ જાજમ પાથરી છે તે વાસ્તવમાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પીઆઈ કિકાણીની બદલી પણ વહીવટી અણ આવડતનો મોટો પુરાવો
જો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minsiter Harsh Sanghvi) જાતે આદેશ કરતા હોય તેમ છતાં પીઆઇ કિકાણીને સસ્પેન્ડ કે કોરાણે મૂકવાને બદલે તેમને પોલીસમથક કયા પોલીસ અધિકારીને ઇશારે આપી દેવાયું એ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. પીઆઇ કિકાણી સામે ગેરવહીવટની ગંભીર ફરિયાદોની નોંધ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીધી હતી. તેમ છતાં પીઆઇને ઉની આંચ આવી નથી. આમ, પીઆઇ કિકાણી પર કયા અધિકારીના ચાર હાથ છે? જેના માટે ચોક બજાર પોલીસમથક આપીને તેમને બચાવી લેવામાં આવ્યા છે. સરવાળે વિવાદી અધિકારીઓને મજા અને કામ કરતા અધિકારીઓને સજા જેવો ઘાટ હાલમાં ચાલી રહ્યો હોવાની ચર્ચા છે.
શું કહે છે ગૃહમંત્રી?
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મામલે જરૂર જણાયું તો તપાસ કરવામાં આવશે. અલબત્ત આ મામલો ગંભીર છે. તેમાં હાલમાં બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે હજુ યોગ્ય જણાયું તો કાર્યવાહી કરવામાં આવશે.