સલાબતપુરા પોલીસ સ્ટેશન આ 5 ટાઉટ ચલાવે છે, પોલીસ તેમના ઈશારે ફરિયાદ નોંધે છે

સુરત: (Surat) કાપડ બજારમાં (Textile market) વેપારીઓને ચીટર (Cheater) પાસેથી નાણાં મળશે કે નહીં તેનો નિર્ણય પોલીસ (Police) કરતાં ટાઉટો લેતા હોવાની ચર્ચા છે. તેમાં પીલુ નામના ટાઉટની સલાબતપુરામાં જબરદસ્ત ગ્રીપ હોવાની વાત છે. આ ઉપરાંત નરેન્દ્ર સમીર, સચિન, સદામ જેવા ઇસમોના ઇશારે વેપારીઓ પર કેસ દાખલ કરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે. દરમિયાન કેટલાક વકીલોની ભૂમિકા આ મામલે વિવાદી છે.

  • દિવાળી ટાણે ચોક્કસ ગેંગ દ્વારા કાપડ બજારમાં બેસી બસો કરોડનાં ઉઠમણાં કરાયાં હતાં
  • ટાઉટોના ઈશારે જ સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ થાય છે
  • પરપ્રાંતીય ગેંગને બચાવવા માટે લુખ્ખા તત્વો મેદાનમાં હોવાની વાત છે

સલાબતપુરામાં ગેરવહીવટ એટલી હદે વ્યાપ્યો છે કે, આ લોકો હા કહે છે તો જ સલાબતપુરા પોલીસમથકમાં કેસ દાખલ થાય છે. દરમિયાન ગત દિવાળી ટાણે ચોક્કસ ગેંગ દ્વારા કાપડ બજારમાં બેસી બસો કરોડનાં ઉઠમણાં કરાયાં હતાં. તેમાં પરપ્રાંતીય લોકોને બચાવવા માટે આ લુખ્ખાં તત્ત્વો મેદાનમાં હોવાની વાત છે. કાપડ બજાર એવો ધંધો છે જે માત્ર ભરોસા પર ચાલે છે. તેમાં પુરાવા વગર દાયકાઓથી આ ધંધો ચાલી રહ્યો છે. તેને પોલીસે પ્રોટેક્શન આપવાને બદલે પીઆઇ કીકાણીના સમયમાં લુખ્ખાં તત્ત્વો બેફામ હોવાની વાત છે. આમ જો આખી ગેંગો આ ટાઉટોને વચ્ચે લાવીને પોલીસમથક પર પોતાનો કબજો કર્યો હોય તો પછી ચીટિંગનો ભોગ બનેલા વેપારીઓને કેવી રીતે ન્યાય મળી શકે.

ફોસ્ટા અને ટ્રેડર્સોએ સી.આર.પાટીલને ફરિયાદો કરી હતી
આ ગંભીર મામલે ચોક્કસ ગેંગોને પોલીસ બચાવી રહી હોવાના જે ગંભીર આક્ષેપો કાપડ બજારના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. એ બાદ રાજ્યના પ્રભારી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આખા પોલીસ સ્ટેશનની બદલીનો નિર્ણય લીધો હતો. દરમિયાન જે આક્ષેપો કરવામાં આવ્યા છે, એ બાદ પોલીસ સ્ટેશનને તો ખાલીખમ કરવામાં આવ્યું છે. અલબત્ત પડદા પાછળના આ ટાઉટો સામે જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર દૂર થાય તેવા કોઇ એંધાણ નથી. દરમિયાન સલાબતપુરા પોલીસ સ્ટેશન પર હાલમાં પોલીસ કરતાં ટાઉટોની ગ્રીપ વધારે હોવાના કાપડ બજારે જે આક્ષેપો કર્યા હતા તે ઘણું બધુ કહી જાય છે.

Most Popular

To Top