SURAT

ખાખીની દાદાગીરી: જાહેરમાં શૌચ કરતા યુવકને ઉપાડી જઈ સુરત પોલીસે બેરહેમીપૂર્વક દંડાથી ફટકાર્યો

સુરત(Surat) : સુરત પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પુણા પોલીસે કાપડના વેપારીને માર માર્યાનો બનાવ બન્યો હતો હવે ઉધના પોલીસના અત્યાચારનો કિસ્સો બહાર આવ્યો છે. ઉધના (Udhana) પોલીસે (Police) જાહેરમાં શૌચ (Toilet) કરતા યુવકને ઉપાડી જઇ ચોકીમાં નિર્દયતાથી ફટકાર્યો હોવાની ઘટના બની છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ અમીન ખાન ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરતો હોવાનું અને કામ પર જવા નીકળ્યા બાદ પોલીસ PCR વાને રસ્તા પરથી જ ઉપાડ્યો હોવાનું જણાવ્યું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમીનના શરીર પર ડંડાના નિશાન અને કાન પાછળ ઇજાના નિશાન મળી આવ્યા છે.

અમીન યાસીન ખાન (ઉં.વ. 23, રહે, મમતા નગર ઉધના રોડ નંબર 23) એ જણાવ્યું હતું કે તેઓ પરિવારને આર્થિક મદદ કરવા ટ્રાન્સપોર્ટરને ત્યાં મજૂરી કામ કરી રહ્યા છે. ગુરુવારના રોજ સવારે ઘરેથી કામ પર જવા નીકળ્યા હતા. રસ્તામાં શૌચ આવતા તેઓ રોડ બાજુએ ઉભા રહી ગયા હતા. ત્યારે પોલીસ PCR વાન આવી ગઈ હતી. કંઈ પણ જણાવ્યા વગર વાનમાં બેસાડી ચોકી પર લઈ ગયા હતા. જ્યાં જાનવરની જેમ ફટકારવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે સવારે 11:30 વાગ્યાના ઉપાડી ગયા હતાં અને બપોરે એટલે કે 3:30 વાગ્યાના સમય દરમિયાન પરિવારને બોલાવ્યા બાદ છોડવામાં આવ્યો હતો. આ વચ્ચેના સમય દરમિયાન ઢોરની જેમ મારવામાં આવ્યો હતો. શરીર પર પોલીસના દંડાના નિશાન પડી ગયા હતા. મુક્કા, લાફા દંડા વડે માર માર્યા બાદ કોઈ પણ કેસ કર્યા વગર છોડી દીધો હતો. જેથી પરિવાર સારવાર માટે સિવિલ લઈ આવતા ડોક્ટરોને પણ દયા આવી જાય એવા માર ના નિશાન શરીર પરથી મળી આવ્યા હતા. હાલ વોર્ડમાં દાખલ છું. રજા મળે એટલે કાયદેસરની કાર્યવાહી કરીશું.

Most Popular

To Top