સુરત: (Surat) અટકાયતી પગલા બાદ પોલીસે (Police) કબજે કરેલી ટુ-વ્હીલર તેમજ મોબાઇલ (Mobile) ફોન છોડાવવા માટે યુવક પાસેથી 3 હજારની લાંચ સ્વીકારનાર ટાઉટને એસીબીએ (ACB) પકડી પાડ્યો છે. પોલીસના નામે આ ટાઉટે શરૂઆતમાં 10 હજાર માંગ્યા હતા અને બાદમાં ત્રણ હજાર સ્વીકારી પણ લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પૂણા વિસ્તારમાં રહેતા એક યુવકને પૂણા પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા. પોલીસે યુવકનું મોપેડ તેમજ મોબાઇલ ફોન કબજે લીધા હતા. બીજી તરફ જામીન મુક્ત યુવકે પોતાનો મોબાઇલ અને ટુ-વ્હીલરની માંગણી કરી હતી. પૂણા પોલીસે આ યુવકને કોર્ટમાંથી ઓર્ડર લઇ આવવા માટે કહ્યું હતું. યુવકે વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટે પૂણા પોલીસનો અભિપ્રાય માંગ્યો હતો. આ યુવક અભિપ્રાય લેવા માટે પોલીસ મથકે ગયો ત્યારે તેનો ભેટો મવીતરા ઉર્ફે મનોજ શ્રીનારાયણ તિવારીની સાથે થઇ ગયો હતો. મવીતરાએ યુવકને કહ્યું કે, મને એલઆર (લોકરક્ષક) હાર્દિક જેરામભાઇએ તમારુ નામ આપ્યુ છે અને તેઓને 10 હજાર આપવા પડશે, તેના બદલામાં તમારો મોબાઇલ અને ગાડી છૂટી જશે.
યુવકે ડાયરેક્ટ જ એલઆર હાર્દિકની પાસે ગયો હતો અને રૂપિયા આપવાનું કહ્યું હતું. પરંતુ હાર્દિકે કોઇ રૂપિયા માંગ્યા ન હોવાથી યુવકને ઓફિસની બહાર કાઢી મુક્યો હતો. ત્યારબાદ આ યુવક ફરી મવીતરાને મળ્યો હતો. ત્યારે મવીતરાએ કહ્યું કે, તમે મને રૂપિયા આપો, હું હાર્દિકને આપી દઇશ. આ યુવક મવીતરાને 3 હજાર આપીને બહાર નીકળી આવ્યો હતો અને એસીબીને ઇશારો પણ કરી દીધો હતો. આ દરમિયાન એસીબીએ હાર્દિકને પકડ્યો હતો અને તપાસ કરી પુછપરછ કરી હતી. પરંતુ તેની પાસેથી લાંચના કોઇ રૂપિયા મળ્યા ન હતા. બાદમાં એસીબીએ મવીતરાને પકડ્યો હતો અને તેની પાસેથી લાંચની રકમ મળી આવી હતી. પોલીસે મવીતરાની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.