SURAT

સુરત: રેતીના વેપારીના પુત્રને માર મારી ગોંધી રાખનાર લિંબાયતના PI સહિત છ સામે ક્રિમિનલ કેસ નોંધવા કોર્ટનો આદેશ

સુરત: (Surat) લિંબાયતમાં રેતીના વેપારીના પુત્રને મારામારીના કેસમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી બેફામ માર મારવાના કેસમાં લિંબાયત પીઆઇ (Police Inspector) ઝાલા, પીએસઆઇ સોલંકી સહિત છ કર્મચારીઓ સામે ક્રિમીનલ કેસ (Criminal Case) નોંધવા માટેનો આદેશ કરાયો છે, આગામી દિવસોમાં આ તમામની સામે સમન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે. લિંબાયત પોલીસ સામે અગાઉ પણ મર્ડર કેસમાં ગંભીર આક્ષેપો થયા હતા. અલબત પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માથાભારે પોલીસ સામે કાર્યવાહી નહી કરવામાં આવતા હાલમાં લિંબાયત પોલીસ બેફામ થઇ ગઇ છે.

  • પોલીસની સામે શરૂઆતમાં કોર્ટમાં ફરિયાદ થતા પોલીસે સત્તાનો દૂરઉપયોગ કરીને સ્મીમેરમાં ઇજાનો રિપોર્ટ જ બદલી નાંખ્યો હતો
  • ચાર દિવસ સુધી ગોંધી રાખ્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો
  • પીઆઈની સાથે પીએસઆઈ સોલંકી, બે હેકો, એક પોકો તેમજ લોકરક્ષક સામે ગુનો નોંધાશે

પ્રાપ્ત વિગતો મુજબ, લીંબાયત મદીના મસ્જીદ પાસેના શાસ્ત્રી ચોકમાં રહેતા અલી ઇસ્માઇલ ગોગા (મુળ રહે, વોરા સમની, જી,ભરૂચ) રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના પુત્ર આશિફને ચાર મહિના પહેલા લિંબાયત પોલીસનો ડિસ્ટાફ મારામારીના કેસમાં અંદર લઇ ગયો હતો.પોલીસ ચોકીમાં જ આસીફને રાખીને પીઠ, પડખા અને પગમાં ઢોર માર માર્યો હતો. આસિફના પિતા પોલીસમાં પુછપરછ કરવા ગયા પરંતુ તેઓને કોઇ જવાબ મળ્યો ન હતો. ચાર દિવસ બાદ પોલીસે આસીફને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે આશિફે લીંબાયત પીઆઇ ઝાલા અને પીએસઆઇ સોલંકીની સામે ફરિયાદ કરી હતી.

કોર્ટે પીઆઇ અને પીએસઆઇની સામે નોટીસ ઇસ્યુ કરીને કોર્ટમાં હાજર રહેવા માટે સૂચના આપી હતી. પોલીસે ફરિયાદની સાથે જ સ્મીમેર હોસ્પિટલનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં આસીફને કોઇ ઇજા થઇ ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ આસીફે કોર્ટમાં કપડા કાઢીને પોતાના શરીરે લાગેલા ઇજાના નિશાન બતાવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આસીફને નવી સિવિલમાં મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યો હતો. આ અંગે માહિતી આપતા વકીલ અલ્તાફ ભરૂચીએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે અને તેઓએ સ્મીમેરમાં મેડીકલ રિપોર્ટમાં પણ છેડછાડ કરી હતી. કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઇને પીઆઇ ઝાલા, પીએસઆઇ સોલંકી, હે.કો. વિપુલ છગન, હે.કો. મહેન્દ્ર રઘુવીરસિંહ, પો.કો. અલ્પેશ ધીરૂભાઇ તેમજ લોકરક્ષકની સામે આઇપીસી-34, 166(એ) તથા 323 મુજબ ક્રિમીનલ કેસ દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top