સુરત: (Surat) ગુજરાતના ગરબા (Garba) દેશ અને દુનિયામાં ધૂમ મચાવે છે. ગુજરાતીઓને ગરબા રમવા માટે કોઈ બહાનાની જરૂર નથી. દરેક પ્રસંગમાં ગુજરાતીઓ ગુજરાતના ભાતીગળ ગરબાની ધૂન પર ગરબે ઘૂમી જ લેતા હોય છે. ત્યારે સુરતમાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુરતના પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર (Ajay Tomar) ગરબા રમતા દેખાય છે. રાષ્ટ્રીય એક દિનની ઉજવણી પ્રસંગે યોજાયેલ એક કાર્યક્રમમાં તેઓ અમે મણિયારા રે… ગોકુળ ગામનાં.. આ પારંપરિક ગરબા પર પોલીસ જવાનોનો ઉત્સાહ વધારવા માટે ગરબે ઘૂમ્યા હતા.
રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી પોલીસ જવાનોની બાઈક રેલી સુરત પહોંચી હતી. પો.કમિ. અજયકુમાર તોમર સહિત અન્ય પોલીસ અધિકારીઓએ ગરબા રમીને બાઈક સવાર પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. પોલીસ કમિશનર અજય તોમર અને એડિ. પોલીસ કમિશનર મલ પણ ઘરબે ઘૂમતા પોલીસ જવાનો ખુશખુશાલ થઇ ગયા હતા. રેલી બારડોલી અને સુરત ખાતે ભાટિયા ચેક પોસ્ટ થઈ સુરત શહેરની પો.કમિ. કચેરી ખાતે આવી પહોંચી હતી. પો.કમિ. અજય તોમરે પોલીસ જવાનોને સુતરની આંટી અર્પણ કરી સમ્માનિત કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. કમિશનરે રેલીને લીલી ઝંડી આપી આગળના રૂટના પરિભ્રમણ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
પોલીસ કમિશનરને ગરબે ઘૂમતા જોઈ પોલીસ જવાનોનો ઉત્સાહ ઓર વધી ગયો હતો. વીડિયોમાં દેખાય છે કે કમિશનર અજય તોમર પોતે ગરબા રમ્યા બાદ અન્ય અધિકારીઓને પણ ગરબા રમવા જણાવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ પણ આ તકનો લ્હાવો લઈ ગરબે ઘૂમ્યા હતા.