સુરત: (Surat) ડિંડોલીમાં રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં જ દારૂ (Alcohol) વેચવા માટે બુટલેગરોએ એક સગીર અને એક યુવકને નોકરીએ રાખ્યા હતા. પોલીસની (Police) ટીમે અહીં દરોડા (Raid) પાડી રૂ.38 હજારની કિંમતનો દારૂ પણ પકડી પાડ્યો હતો. રેલવે ટ્રેક પાસે દારૂ વેચાતો હતો. જ્યારે નજીકમાં આવેલા મહાદેવનગરમાં દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ડિંડોલી પોલીસ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ગાંઠતી નથી. હર્ષ સંઘવીએ હાલમાં જ પ્રોહિબિશન મૂવમેન્ટ કરવા માટે આદેશ આપ્યો છે. અલબત્ત, આ તમામમાં હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશને પણ કોઇ ગણતું નથી. આમ આ મામલે ડિંડોલી ડી-સ્ટાફ ભૂતકાળના ડી-સ્ટાફની જેમ વિવાદમાં આવ્યો છે. દરમિયાન સ્ટેટ વિજિલન્સ (State Vigilance) પણ દારૂનો જથ્થો વધુ પકડાય છે, પણ સ્થાનિક પોલીસ અધિકારીઓને બચાવવા માટે માલ સ્ટોક ઓછો બતાવતી હોવાની ચર્ચા છે. આ મામલે વાસ્તવમાં રેડનું વિડીયો રેકોર્ડિંગ કરાય એ જરૂરી છે. આ તમામમાં અન્ય એજન્સીઓની પોલ પણ ખુલ્લી પડી ગઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે ડિંડોલી નવાગામ પાસે આવેલા મહાદેવનગર-5ના કંપાઉન્ડમાં દીવાલ પાસે જ રેલવે ટ્રેકની સામે ખુલ્લી જગ્યામાં રેડ પાડી હતી. અહીં પોલીસ આવતાની સાથે જ ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે શરૂઆતમાં બે યુવકને પકડ્યા હતા. ત્યારબાદ દારૂ વેચનાર મહેન્દ્ર સુરેન્દ્ર ધનગર તેમજ પ્રફુલ્લ ઉપરાંત એક સગીરને પકડ્યો હતો. તેમની પૂછપરછ કરતાં પ્રફુલ્લ અને મહેન્દ્રએ એક સગીર તેમજ અક્ષય મારવાડી નામના યુવકને નોકરીએ રાખ્યા હતા. જેમાં સગીરને રૂ.500 રૂપિયા દરરોજ આપતા હતા. જ્યારે અક્ષય મારવાડીને દરરોજના રૂ.300 આપવામાં આવતા હતા. પોલીસે અહીંથી ચારેયને પકડી પાડીને રૂ.38 હજારની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.
ડિંડોલીમાં મહિનાનો બે કરોડનો દારૂનો વેપલો
ડિંડોલીમાં અગાઉ આનંદ ભરવાડની બદલી બાદ ડી-સ્ટાફમાં ખાસ્સો કંટ્રોલ આવ્યો હતો. અલબત્ત, ડિંડોલી ડી-સ્ટાફની રાહબેરી હેઠળ હાલમાં દોઢસો કરતાં વધારે દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની વિગત જાણવા મળી છે. હવે ગૃહમંત્રી જાતે જ આદેશ આપતા હોય અને સુરતમાં સ્ટેટ વિજિલન્સની રેડમાં માલ પકડાય એ બતાવે છે કે સ્થાનિક ડિંડોલી પોલીસ કે પછી અન્ય કોઇ પોલીસ કોઇના કાબૂમાં નથી.