સુરત: (Surat City) સુરતના ઓલપાડ (Olpad) વિસ્તારમાં આવેલા પિંજરત ગામના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શન (Duplicate Remdesivir Injection) બનાવવાનું કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં બનાવેલા નકલી ઇન્જેક્શનમાંથી પાંચ હજાર ઈન્જેક્શન વેચી મરાયા હોવાનો ખુલાસો થયો છે. સાથે જ 60 હજાર જેટલા ડુપ્લિકેટ ઈન્જેક્શનનો સ્ટોક સાથે સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પકડાયેલા લોકોમાં મહારાષ્ટ્ર અને બિહારના લોકો હોવાનું સામે આવ્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે, શનિવારે સવારે પોલીસે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન પકડી પાડ્યા છે. આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપિને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. તપાસ કરતા આ નેટવર્કના તાર સુરત સાથે જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આશિષ ભાટીયાએ ઉમેર્યું કે, આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશીફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા આ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ સંદર્ભે સુરત એ.સી.પી.શ્રી આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શનબનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે. પિંજરત ગામે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં.
નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે. અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ વડોદરા અને મોરબીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું.